એકટર્નલ ડિપાર્ટમેન્ટમાં નવા એડમીશન શરૂ નહીં કરાતા વિદ્યાર્થી અને યુનિ.ને નુકશાન
- કરોડોની જાવક સામે આવકના સ્ત્રોતને તાળા
- અન્ય યુનિ.માં જો એક્ટર્નલ શરૂ થઇ શકતું હોય તો ભાવનગર યુનિ.માં કેમ નહીં : ઇ.સી. સભ્યોની વગ ટૂંકી પડે છે
નોકરીયાત કે અન્ય ઘર સંસાર ચલાવતા ચલાવતા અભ્યાસ પૂર્ણ કરવાવાળો મોટો વિદ્યાર્થી વર્ગ છે. વર્ષોથી એક્ટર્નલ ડિપાર્ટમેન્ટ ચાલે છે અને ભૌતિક સુવિધા સહિત ટીપીંગ સ્ટાફ પણ પર્યાપ્ત છે તેમ છતાં મંજુરી માટેનું કારણ ધરી આ એક્ટર્નલ ડિપાર્ટમેન્ટમાં નવા એડમીશન ઉપર રોક લગાવી દેવામાં આવી છે અને મંજુરી માટે અરજી કરવી તંત્ર આડા પાટે કામગીરી કરી રહ્યું છે. કહેવાતા અને ઉંચી વગ ધરાવતા ઇ.સી. સભ્યો એક્ટર્નલની મંજુરી અંગે સઘન પ્રયત્નો કેમ નથી કરતા યુનિવર્સિટી માટે આ ડિપાર્ટમેન્ટ ધુધળી ગાય સમાન છે. ત્યારે તેને શરૂ રાખવું વિદ્યાર્થીઓના અને યુનિ.ના કર્મચારી-અધિકારીઓના પણ હિતમાં છે. અન્યથા લાંબા ગાળે યુનિ.ની તિજોરી તળીયા ઝાટક થશે અને પગ પર મારેલ કુહાડીનો ઘા પોતે પણ જીરવી નહીં શકે. કરોડોનો ટેક્સ, નવી ભરતીમાં વર્ષે ૨.૫૦ કરોડનું ચુકવણું, સીએએસના ચુકવણા તો ઉભા જ છે પણ આવકના સ્ત્રોત વિશે પણ યુનિ.ના સત્તાધિશોએ ઝુંબેશના સ્વરૂપે કામગીરી કરવાની જરૂર છે. વિદ્યાર્થી આગેવાનો રજૂઆત કરે છે અને સંપૂર્ણ પરિસ્થિતિથી સૌ કોઇ વાકેફ છે ત્યારે વહેલીતકે યુનિ.નું એકટર્નલ ડિપાર્ટમેન્ટમાં નવા પ્રવેશ શરૂ કરવા જરૂરી બને છે. બાકી ગ્રાન્ટ તો આવશે અને વપરાશે. લાખોના પગાર પ્રોફેસરોના ખાતામાં જમા પણ થશે પણ એકંદરે યુનિ.ને નુકશાન થશે કે જે યુનિ.ના સારા સંચાલન માટે ઇ.સી. સભ્યોની નિમણૂંક કરી છે પરંતુ હાલ ચાલતી અવળી ગંગાથી એક્ટર્નલ ડિપાર્ટમેન્ટ ધુળ ખાઇ રહ્યું છે અને જેઓને ભણવું છે તેઓ અમરેલી કે સૌરાષ્ટ્ર યુનિ.માં અથવા ખાનગી કોલેજોમાં ઉંચી ફી ભરી અભ્યાસ કરવા મજબુર બને છે ત્યારે ઘર આંગણે આ ડિપાર્ટમેન્ટ શરૂ કરવા જરૂરી કવાયત કરી યોગ્ય નિર્ણય લેવો જરૂરી બન્યો છે.