Get The App

રાજકોટમાં ૩ વર્ષ પછી લોકમેળો, તા. 17 થી 21 ઓગષ્ટ આયોજન

Updated: Jun 8th, 2022

GS TEAM

Google News
Google News
રાજકોટમાં ૩ વર્ષ પછી લોકમેળો, તા. 17 થી 21 ઓગષ્ટ આયોજન 1 - image


- સૌરાષ્ટ્રમાં ઈ. 2020, 2021 કોરોનામાં વિત્યા બાદ મેળા થશે અનલોક

- પ્રક્રિયા શરુ કરતું તંત્રઃ આયોજન કોરોના શરતોને આધીન રહેશે, રેસકોર્સ મેળામાં પાંચ દિવસમાં નોંધાઈ હતી 15 લાખ મેદની

રાજકોટ : માર્ચ-૨૦૨૦ના ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થતા અને એપ્રિલ-૨૦૨૧માં તે પીક પર પહોંચતા આ બે વર્ષ સૌરાષ્ટ્રમાં સર્વાધિક મેદની ઉમટે છે તેવો રાજકોટનો લોકમેળો યોજાયો ન્હોતો. પરંતુ, આ વર્ષે કોરોના હળવો થતા અને મોટાભાગના નિયંત્રણોથી મુક્તિ હોય જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા આ વર્ષે આગામી તા.૧૭થી ૨૧ ઓગષ્ટ દરમિયાન રેસકોર્સ મેદાનમાં ૩૦૦થી વધારે ફજર-ચકરડી સહિત સ્ટોલ્સ  સાથે મેળો યોજવા તૈયારીઓ હાથ ધરી છે. 

આ અંગે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે લોકલાગણીને ધ્યાને લઈને આ અંગે વિચારણા શરુ કરાઈ છે અને સંભવિત તારીખ નક્કી કરાઈ છે, પરંતુ, સઘળુ આયોજન અંતે કોરોનાની જે તે સમયની ગાઈડલાઈનને આધારીત જ રહેશે. 

બીજી તરફ, જિલ્લા વહીવટીતંત્ર આ મેળો યોજે તેના પગલે રાજકોટના અન્ય છથી સાત મેળાઓ પણ યોજાશે. ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં પારંપારિક અને મનોરંજન મેળાઓની પણ તૈયારીઓ શરુ થઈ છે. મેળા પહેલા આવતી અષાઢી બીજની પણ ભવ્ય ઉજવણી માટે આયોજનો થઈ રહ્યા છે. 

રાજકોટનો લોકમેળો દેશભરમાં તેના રંગીલાપન માટે જાણીતો છે, અને ત્રણ વર્ષ પૂર્વે મેળો યોજાયો ત્યારે પાંચ દિવસમાં આશરે ૧૫ લાખની મેદની નોંધાઈ હતી. મેળાની અસર અર્થતંત્ર પર વ્યાપક રીતે પડતી હોય છે અને એક તરફ દુકાનો-કારખાનાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ, કચેરીઓમાં રજાનો માહૌલ સર્જાય છે તો બીજી તરફ સીઝનલ ધંધામાં હજારો લોકોને રોજી મળતી હોય છે. 


Tags :