Get The App

ગેરરીતિ, બેદરકારી, શરમજનક વર્તન બદલ કુંભણના સરપંચ સસ્પેન્ડ

Updated: Dec 1st, 2018

GS TEAM

Google News
Google News
ગેરરીતિ, બેદરકારી, શરમજનક વર્તન બદલ કુંભણના સરપંચ સસ્પેન્ડ 1 - image

ભાવનગર તા. 01 ડિસેમ્બર 2018, શનિવાર

પાલિતાણા તાલુકાના કુંભણ ગામના સરપંચ સામે ગેરરીતિ અને બેદરકારી આચરવાના જુદા-જુદા સાત આક્ષેપ થયા હતા. જેની તપાસમાં સરપંચ દોષિત જણાતા આજે શનિવારે જિલ્લા વિકાસ અધિકારી અરૃણકુમાર બરનવાલે કુંભણના સરપંચ રમેશભાઈ પ્રેમજીભાઈ ઢોલાને સસ્પેન્ડ કરી દેતા જિલ્લાભરના ભ્રષ્ટ સરપંચોમાં ફફડાટ ફેલાયો છે.

આ અંગે ડીડીઓ અરૃણકુમારે જણાવ્યુ હતુ કે, મુંબઈ આકસ્મિક ખર્ચ નિયમનો ભંગ કરી અખબારમાં જાહેર નિવિદા આપ્યા વગર કે માહિતી ખાતા દ્વારા જાહેર નિવિદા અપાવ્યા વગર ટેન્ડર કે ભાવ યાદી મંગાવ્યા વગર માલસામાનની ખરીદી કરી છે. જેમાં ગેરરીતિ થયાના આક્ષેપ અંગે નિર્દોષ હોવાના પુરાવા રજૂ કરી શક્યા નથી.

અનિડા ગામે થયેલા સ્મશાન છાપરીના એક જ કામમાં કુંભણ ગ્રામ પંચાયતે બે બીલોની રકમ ઉધારી રૂ. 42 હજારનો મનસ્વી રીતે હોદ્દાનો દુરઉપયોગ કરી ખર્ચ કર્યો છે. જેમાં નિર્દોષ હોવાના પુરાવા પણ સરપંચ રમેશભાઈ ઢોલા રજૂ કરી શક્યા નથી. ડોર ટૂ ડોર ઘનકચરાના નિકાલના કામમાં પણ મનઘડત રીતે ખર્ચ ઉધારવામાં આવ્યાનું સાબિત થયુ છે. ઈંટોની બીલ ચૂકવણીમાં નિયત રકમ કરતા રૂ. 56 હજાર ઈરાદાપૂર્વક વધુ ચૂકવી ગેરરીતિ કરી છે. ગ્રામ પંચાયતના કોઈ પણ કામ પેટા કોન્ટ્રાક્ટર પાસે કરાવી શકાય નહીં તેમ છતાં રવિ એન્ટરપ્રાઈઝ પાસે પેટા કોન્ટ્રાક્ટથી કામ કરાવી પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ-ગાંધીનગરના પરિપત્રનો ભંગ કર્યો છે.

સરપંચ તરીકે પોતાને મળેલી કારોબારી સત્તાઓ બજાવવામાં સદંતર નિષ્ફળ ગયા છે. વારંવાર બેદરકારી, નાણાકીય ગેરરીતિ આચરી શરમજનક વર્તન કર્યુ છે. જેમાં પોતાને નિર્દોષ સાબિત કરવા માટે કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી. આ સંજોગોમાં ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 57(1)ની જોગવાઈ મૂજબ મળેલી સત્તા અને અધિકારની રૂએ DDO તરીકે મેં તેમને સસ્પેન્ડ કર્યા છે તેમ વરૂણકુમારે કહ્યું હતુ.