ભાવનગરમાં 2 વર્ષ બાદ ફરી કૃષ્ણ જન્માષ્ટમી મેળાનુ આયોજન
- શહેરના જવાહર મેદાન ખાતે સાતમ-આઠમ પર્વ નિમીતે ત્રિદિવસીય લોકમેળો યોજાશે
- લોકમેળામાં વિનામૂલ્યે પ્રવેશ : સરકારી શાળાના બાળકોને રાઈડઝના 51 હજાર પાસ વિનામૂલ્યે અપાશે : નામ-અનામી કલાકારો હાજરી આપશે
ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે છેલ્લા કેટલાક વર્ષથી જન્માષ્ટમી લોકમેળાનુ આયોજન કરવામાં આવે છે. આગામી તા. ૧૭ થી ૧૯ ઓગષ્ટ દરમિયાન લોકમેળો યોજાશે એટલે સાતમ, આઠમ અને નોમ એમ ત્રણ દિવસ મેળો ચાલશે. ૭પ હજાર ચોરસ મીટરની જગ્યામાં મેળો યોજાશે. આ લોકમેળામાં સાંજે ૭ થી ૧૧ કલાક દરમિયાન સ્ટેજ પ્રોગામનુ આયોજન કરવામાં આવેલ છે, જેમાં પ્રથમ દિવસે ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજ, બીજા દિવસે ગાયક કલાકાર ગીતાબેન રબારી અને ત્રીજા દિવસે બોલીવુડના જાણીતા ગાયક કલાકાર કીર્તિ સાગડિયા સહિતના કલાકારો હાજરી આપશે. આ કલાકારો ગીત ગાય લોકોનો ઉત્સાહ વધારશે. આ ઉપરાંત લોકનૃત્ય, લોકગીત, મધુર ગીત સંગીત, કલાસીકલ નૃત્ય વગેરે કાર્યક્રમ યોજાશે.
લોકમેળાની મુલાકાત ર૦ હજારથી વધુ લોકો લેશે તેવો અંદાજ છે. આ મેળામાં ૧૦ વધુ ઝમ્બો રાઈડઝ મીડીયમ અને મીની રાઈઝડ રહેશે, જેમાં ર.પ થી પ વર્ષના બાળકો માટે ૬ થી ૭ વિવિધ રાઈઝડ હશે તો પ થી ૧૪ વર્ષના બાળકો માટે અલગ ૬ થી ૭ રાઈઝ્ડ રહેશે. આ ઉપરાંત ફાયર, પોલીસ, વીજ તંત્ર વગેરેની સેવા લેવામાં આવશે. ખાણી-પીણીના સ્ટોલ પણ ગોઠવવામાં આવશે. રક્તદાન કેમ્પનુ પણ આયોજન કરવામાં આવશે. આ લોકમેળો નાગરીકો ઉત્સાહથી માણી શકે તેવુ આયોજન કરવામાં આવશે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ સહિતના બાળકો રાઈડસમાં બેસી શકે તે માટે પ૧ હજાર જેટલા વિનામુલ્યે પાસ આપવામાં આવશે તેમ ભાવનગરના પૂર્વના ધારાસભ્યએ પત્રકાર પરીષદમાં માહિતી આપતા જણાવ્યુ હતું.