જૂનાગઢ ઉપલા દાતાર જગ્યાના મહંત વિઠલબાપુનો દેહવિલય
- કોમી એકતાના પ્રતિક સમાન
- બાપુના દેહવિલયથી દાતાર સેવકોમાં ગમગીની, પટેલબાપુની સમાધી નજીક અપાઈ સમાધી, મહંત તરીકે ભીમબાપુની કરાઈ ચાદરવિધી

જૂનાગઢના કોમી એકતાના પ્રતિક સમાન ઉપલા દાતારની જગ્યાના મહંત પૂ. વિઠલબાપુનો આજે ટૂંકી બીમારી બાદ દેહવિલય થયો હતો. આ અંગેની જાણ થતા દાતાર સેવકોમાં ગમગીની વ્યાપી ગઈ હતી. પટેલબાપુની સમાધી નજીક વિઠલબાપુને સમાધી આપવામાં આવી હતી. જ્યારે જગ્યાના મહંત તરીકે ભીમબાપુની ચાદરવિધી કરવામાં આવી હતી.
જૂનાગઢના દાતાર પર્વત પર ૨૭૦૦ પગથિયે આવેલી ઉપલા દાતારની જગ્યાના મહંત પૂ. વિઠલબાપુ ૧૯-૨-૧૯૯૧થી દાતરની જગ્યાના મહંત હતા. ત્યારથી તેઓ ક્યારેય નીચે ઉતર્યા નહોતા. ૬૫ વર્ષથી વધુ વર્ષની વયના વિઠલબાપુને આંતરડાનું કેન્સર હતું. આ કેન્સર ચાર-પાંચ માસ પહેલા ડિટેકટ થયું હતું. દાતારની જગ્યાની પરંપરા મુજબ વિઠલબાપુ સારવાર માટે પણ નીચે આવ્યા ન હતા અને દેશી ઉપચાર ચાલુ રાખ્યો હતો. પરંતુ આજે બપોરે ત્રણ વાગ્યા આસપાસ તેમનો દેહવિલય થયો હતો. આ અંગેની જાણ થતા મોટી સંખ્યામાં સેવકો ઉપલા દાતાર ખાતે પહોંચ્યા હતા. બાદમાં શેરનાથબાપુ, તનસુખગીરીબાપુ સહિતના સંતોની ઉપસ્થિતીમાં વિઠલબાપુના પાર્થિવ દેહને પટેલબાપુની સમાધી નજીક સમાધી આપવામાં આવી હતી.
બાદમાં વિઠલબાપુના ઉતરાધિકારી અને દાતારની જગ્યાના મહંત તરીકે ભીમબાપુની ચાદરવિધી કરાઈ હતી. જ્યારે મશાલચીપદે કિશોરબાપુ અને ડેમ પાસેના પટેલ બાપુ આશ્રમના વહિવટદાર પદે મુન્નાબાપુની નિમણુંક કરી તેની તિલકવિધી કરવામાં આવી હતી.
બે-ત્રણ દિવસ માટે દાતાર આવેલા વિઠલબાપુ ક્યારેય નીચે ન ઉતર્યા
જામનગર જિલ્લાના કાલાવડ (શીતલા) તાલુકાના નવાગામના અકબરી (પટેલ) પરિવારમાં જન્મેલા વિઠલબાપુ મોસાળમાં ઉછર્યા હતા. તેઓ દાતાર જગ્યા ખાતે બે-ત્રણ દિવસ રહેવા માટે આવ્યા હતા. પરંતુ તેમના પર દાતારબાપુના આશિર્વાદ વરસતા રહ્યા હતા. પટેલ બાપુની સેવા કરી ૧૦ વર્ષ રસોઈ બનાવવાની કામગીરી કરી હતી. પટેલ બાપુના દેહવિલય બાદ વિઠલબાપુની મહંત તરીકે ચાદરવિધી થઈ હતી. અને તેઓ મહંત બન્યા. આમ બે-ત્રણ દિવસ માટે દાતાર આવેલા વિઠલબાપુ ક્યારેય પર્વત નીચે ન ઉતર્યા. અંતે દાતારની જગ્યા ખાતે જ તેઓએ અંતિમ શ્વાસ લીધો હતો.