જલારામ બાપાની 222મી જન્મજયંતીને લઈને યાત્રાધામ વીરપુરમાં તૈયારીઓ શરૂ
- વીરપુરની મેઈન બજારોમા રંગબેરંગી લાઈટીંગ ડેકોરેશન કરવામાં આવ્યું
વીરપુર, તા. 8 નવેમ્બર 2021, સોમવાર
યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની 222મી જન્મજયંતીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. કારતક સુદ સાતમને ગુરુવારે જલારામ જયંતિ છે. ગત વર્ષે કોરોના મહામારીને કારણે પૂજ્ય બાપાની જન્મજયંતિ સાદાયથી ઉજવાય હતી. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારી હળવી થતા યાત્રાધામ વીરપુરમાં અત્યારથી જ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
વીરપુરમાં પૂજ્ય બાપાની જન્મજયંતિ ઉજવવા વીરપુરવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. પૂજ્ય બાપાની જન્મજયંતિ ઉજવણીના ભાગ રૂપે વીરપુરની મેઈન બજારોમા રંગબેરંગી લાઈટીંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે તો વીરપુરવાસીઓએ પણ પોતાના ઘર, હોટેલો, દુકાનોને અવનવી લાઇટ્સથી ડેકોરેટ કરી છે.
આગમી ગુરુવારે બાપાની જન્મજયંતિને લઈને વીરપુર જલારામબાપાના દર્શને આવતા ભાવિકો વ્યવસ્થિત જલારામ બાપાના દર્શન કરી શકે માટે 250 જેટલા સ્વયં સેવકો પૂજ્ય બાપાની જગ્યામાં તેમજ બાપાની ધર્મશાળા ખાતે પ્રસાદ કેન્દ્રમાં પોતાની સેવા આપશે.