જેસર એસ.બી.આઈ.શાખાના દરવાજે ચારના ટકોરે લાગી જતા અલીગઢી તાળા !
જેસર, તા. 08 નવેમ્બર 2019, શુક્રવાર
જેસર ગામમાં આવેલ એસ.બી.આઈ.ની શાખાની મનસ્વી કાર્યપધ્ધતિ સામે આ વિસ્તારના ગ્રાહકોમાં વ્યાપક પ્રમાણમાં રાવ ઉઠવા પામેલ છે. આ શાખાના સ્ટાફ દ્વારા ગ્રાહકોને સંતોષકારક જવાબ અપાતો નથી. બેન્કનો સમય સવારે ૧૦ થી ૫ નો હોવા છતા દરરોજ સાંજે ૪ કલાકે બેન્કના દરવાજે અલીગઢી તાળા મારી દેવામાં આવે છે.
૧૬ હજારની વસ્તી ધરાવતા તેમજ તાલુકા મથક ગણાતા જેસર ગામમાં એસ.બી.આઈ.ની શાખાનું જાણે કે, નાની શાખા જેવુ કામકાજ છે. આ બેન્કમાં અમુક સરકારી ચલણ સ્વીકારવામાં આવતા નથી. અત્રે કરન્સી નથી, ગ્રાહકોને ખાતા ખોલાવવા માટે ધરમધકકા ખાવા પડે છે. બેન્કની નેટબેકીંગ સેવા અવારનવાર ખોરવાઈ જાય છે જેના કારણે ગ્રાહકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
નાણાકીય વ્યવહાર માટે એસ.બી.એસ.ની શાખા દ્વારા વેપારીઓને સ્વાઈપ મશીન આપવામાં આવ્યા હતા. જે કામ આપતા ન હોવાથી વેપારીઓએ તે સ્વાઈપ મશીન બેન્કમાં પરત કર્યા બાદ પણ બેન્ક દ્વારા જે તે વેપારીઓના ખાતામાંથી ચાર્જ વસૂલવામાં આવે છે. આ અંગે ગ્રાહકો ફરીયાદ કરે તો તેઓને સંતોષકારક જવાબ મળતો નથી.
તેમજ બેન્કનુ પાસબુકની એન્ટ્રીનું મશીન પણ અવારનવાર બંધ રહે છે. બેન્કના નેટ કવરેજના ધાંધિયાના કારણે એ.ટી.એમ. પણ અવારનવાર બંધ રહે છે. તેમજ કરન્સી ન હોવાથી ગારિયાધારની શાખામાંથી લેવા જવી પડે છે જેથી ગ્રાહકોને સમયસર પૈસા પણ મળતા નથી જેના કારણે ગ્રાહકોને સ્ટાફ સાથે અવારનવાર તકરાર થતી રહે છે.