Get The App

કોરોના ક્યારે જશે તે કહેવું મૂશ્કેલ, વેક્સીન પછી પ્રશ્ન હલ થશે-રૂપાણી

નવરાત્રિનો નિર્ણય સરકારે કોરોના પર છોડયો લોકમેળા રદ, આ સ્થિતિ હશે તો રાસ-ગરબા નહીં : રૂપાણી

- રાજ્યમાં તા.૧થી વધુ નિયંત્રણો કે વધારે છૂટછાટો?

Updated: Jul 29th, 2020

GS TEAM

Google News
Google News
કોરોના ક્યારે જશે તે કહેવું મૂશ્કેલ, વેક્સીન પછી પ્રશ્ન હલ થશે-રૂપાણી 1 - image


રાજકોટ, તા. ૨૯ જુલાઈ, ૨૦૨૦, બુધવાર

ગુજરાતમાં તા.૧૯ માર્ચે રાજ્યનો પ્રથમ કેસ  નોંધાયો તે રાજકોટ ઉપરાંત વડોદરા મહાનગરમાં હાલ કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી જતા આજે રાજ્ય સરકારના ટોચના અધિકારીઓ અને નાયબ મુખ્યમંત્રી-આરોગ્ય મંત્રી સાથે બન્ને શહેરોની સમીક્ષા  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી. રાજકોટમાં તેમણે જણાવ્યું કે કોરોના એ મહામારી છે, એવી વાત નથી કે કોઈ આડે ઉભો રહીને કહે કે તે નહીં આવે. કોરોના ક્યારે નષ્ટ થશે તે કહેવું મૂશ્કેલ છે, વેક્સીન આવશે પછી સમસ્યાનું નિરાકરણ થશે પરંતુ, રાજ્ય સરકાર કોરોનાથી મૃત્યુ ઓછામાં  ઓછા થાય તે માટે નિયમિત પાંચ માસથી પ્રયાસો કરી રહી છે. 

તા.૧ ઓગષ્ટથી અનલોક-૩માં રાજ્ય સરકાર લોકડાઉનના નિયંત્રણો વધારશે કે લોકોને વધારે છૂટછાટો આપશે તે અંગે તેમણે આ વાત કેન્દ્ર સરકાર પર છોડીને જણાવ્યું કે કેન્દ્રની અનલોક-૩ની ગાઈડલાઈન  આધારે નિર્ણય લેવાશે. 

મુખ્યમંત્રીએ કહ્યું કે અમદાવાદમાં કોરોના કંટ્રોલમાં આવી ગયો છે અને હવે સુરતમાં પણ કેસો સ્થિર થયા છે. તેમણે મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, વગેરે રાજ્યોના હાલ રોજ નોંધાતા કેસની સંખ્યા જણાવીને અન્ય  રાજ્યો કરતા , કેરલ જેવા રાજ્ય કે જે કોરોનામુક્ત હોવાની ચર્ચા થતી હતી તેના કરતા ગુજરાતમાં કેસો ઓછા નોંધાય છે,  રાજ્યમાં કોરોનાથી મૃત્યુદર ૭ ટકાથી  ઘટીને ૪ ટકા થયો છે અને રિકવરી રેટ ૭૪ ટકા થયાનું દાવો કર્યો હતો. જો કે આ સાથે રાજ્યોમાં ટેસ્ટની સાપેક્ષે પોઝીટીવ કેસની તુલના કરવાનું ટાળ્યું હતું પણ ગુજરાતમાં ટેસ્ટ વધારવા, કન્ટેનમેન્ટ-ક્વોરન્ટાઈન વધારવા, માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચૂસ્ત પાલન કરાવવા વગેરે પર ભાર મુક્યો હતો. અને સાથે સાથે કોરોના સામે જંગ જીતવા લોકોનો આત્મવિશ્વાસ ટકે, ડરે નહીં તે જરૂરી ગણાવ્યું હતું. 

હવે કોઈ જિલ્લો કે શહેર અમારે ત્યાં કોરોના નથી તેમ કહી શકે તેમ નથી તેમ કહી  તેમણે બધે કેસો વધી રહ્યાનું સ્વીકારીને અમેરિકા જેવા દેશો પણ તેમાં કાંઈ કરી શકતા નહીં હોવાની દલીલ કરી હતી. લોકો નિયમો પાળે અને છતાં કેસ થાય ત્યારે મૃત્યુ ઓછામાં ઓછા થાય તે જવાબદારી રાજ્ય સરકાર નિભાવી રહ્યાનું કહ્યું હતું.  તેમણે ડબલ્યુ. એચ.ઓ.ની ગાઈડલાઈનની સાપેક્ષે વધુ ટેસ્ટ કરાયાનું જણાવવા સાથે રાજકોટ સહિત શહેરોમાં ટેસ્ટ વધારવા સૂચના આપ્યાનું પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું ગામડા કરતા શહેરોમાં ગીચતા અને અવરજવરના કારણે સંક્રમણ વધારે છે, રાજ્યમાં કોરોનાના લક્ષણો ન હોય તેવા દર્દીઓને ઘરે રહીને સારવારની છૂટ અપાય છે. રાજ્યમાં ધનવંતરી રથથી વધુ લોકો આવરી લેવાશે, સંજીવની રથ પણ લત્તે લત્તે ગામડાઓમાં પણ જશે તેમ જણાવ્યું છે. 

રાફેલ વિમાનોથી પ્રધાનમંત્રીએ દેશની સેનાનું નૈતિક બળ વધાર્યું છે, પડોશી દેશોને ભારત પર કુદ્રષ્ટિ ન કરી શકે તેવી ચેતવણી અપાઈ છે. ગુજરાતમાં પ્રધાનમંડળ વિસ્તરણની હાલ કોઈ વિચારણા નહીં હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું હતું. તો ખાનગી ડોક્ટરોને પણ વિમા કવર મળે તે માટે આરોગ્ય મંત્રીએ કેન્દ્રને રજૂઆત કરી છે.

નવરાત્રિનો નિર્ણય સરકારે કોરોના પર છોડયો  લોકમેળા રદ, આ સ્થિતિ હશે તો રાસ-ગરબા નહીં : રૂપાણી 

ધાર્મિક પર્વોના આયોજકો જ કાર્યક્રમો રદની  જાહેરાત કરે ,પિકનીક પોઈન્ટનો નિર્ણય નથી 

ગરબાપ્રેમી ગુજરાતમાં નવરાત્રિના  રાસ-ગરબાના કાર્યક્રમો  યોજાશે કે નહીં તે સવાલના ઉત્તરમાં રાજકોટમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે નવરાત્રિને હજુ વાર છે પણ જો આવી સ્થિતિ હશે તો નવરાત્રિના કાર્યક્રમો યોજી નહીં શકાય. જો અને તોમાં ઉત્તર આપીને તેમણે નવરાત્રિના આયોજનો કરવા કે નહીં તેનો નિર્ણય કોરોનાની સ્થિતિ પર છોડયો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું રાજકોટ સહિતના લોકમેળા તો રદ કરી દેવાયા છે. નજીકના સમયમાં મહોરમ, સંવંત્સરી, જન્માષ્ટમી સહિતના તહેવારો આવી રહ્યા છે ત્યારે આયોજકો પોતે જ જાહેર કાર્યક્રમ નહીં યોજાય તેવું લોકો સમક્ષ જાહેર  કરે તે ઈચ્છનીય છે. કેન્દ્રએ જાહેર સમારંભો સહિત કોઈ પણ કાર્યક્રમો પર અનલોકમાં પણ પ્રતિબંધ મુક્યો છે અને સરકાર તેનો અમલ કરાવશે. 

જો કે તેમણે સૌરાષ્ટ્રની વિવિધ ડેમ સાઈટ, હરવા ફરવાના સ્થળો, પિકનીક પોઈન્ટ વગેરે આગામી સાતમ આઠમના તહેવારો અનુલક્ષીને લોકો માટે બંધ કે સીલ કરવાની કોઈ વિચારણા કે ચર્ચા નહીં કરાયાનું ઉમેર્યું હતું.  અલબત, પાર્ક વગેરે હાલ બંધ છે. 


Tags :