જેતલસર જંકશનનાં આરપીએફ ઈન્સ્પેકટરનો નશામાં આતંક
- ચડ્ડી- બનિયાન સાથે પ્લેટફોર્મ પર બાળકોને મારકૂટ કરી
- સોશ્યલ મીડિયામાં વિડિયો વાયરલ થતા ભાવનગર ઓફિસથી તત્કાલ સસ્પેન્ડ કરાયા
જેતલસર, તા. 13 ઑગસ્ટ, 2020, ગુરૂવાર
જેતલસર જંક્શન આરપીએફનાં સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરે મંગળવારની રાત્રીના દારૂના નશામાં રેલવે કોલોનીના બાળકોને ખોટી રીતે માર મારી આતંક મચાવ્યો હોવાનો જંકશનવાસીઓમાં દેકારો બોલી ગયો હતો. એટલુંજ નહિ ઇન્સ્પેકટરનાં કરતૂતોના વિડીયો સોસીયલ મીડિયામાં વહેતા થતા ભાવનગર આરપીએફના ડીસીએસ પ્રફુલ્લા ગુપ્તેએ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતાં.
જેતલસર જંક્શનમાં આરપીએફ પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર ભદોરિયાએ ઝૂમ બરાબર ઝૂમ અવસ્થામાં મંગળવારની રાત્રીના શાંતિથી રેલવે કોલોનીમાં બેઠેલા અમુક બાળકોને લાફાવાળી કરતા મામલો બિચક્યો હતો. અહીં રેલવે કર્મચારી રાજુભાઈ સહિતના જાગૃત માણસો ભેગા થઇ જતા પોલીસ અધિકારીના હાલ-હવાલ તપાસતા તે નશામાં ચકચૂર માલુમ પડયા હતા.
દરમિયાન જાગૃત લોકોએ પાંચ - વિડીયો ક્લિપ બનાવી ભદોરિયાની કાર્યવાહી, ખેલને સોશ્યલ મીડિયામાં વહેતી કરતા ચકચાર મચી હતી. બીજીબાજુ એક પોલીસ અધિકારીની આવી ચડ્ડી-બનિયાન સાથે રેલવે પ્લેટફોર્મ પરની હરકતોવાળા વિડીયો છેક ભાવનગર રેલવે ડિવિઝન અને જિલ્લા પોલીસ વડા સુધી પહોંચી હતી.
દરમિયાન ભાવનગરના આરપીએફના ડીસીએસ પ્રફુલ્લા ગુપ્તેએ તાત્કાલિક અસરથી બુધવારના સવારના ૮ વાગ્યે જ સસ્પેન્ડ કરી ભાદોરિયાને ભાવનગર આવવા હુકમ કર્યો હતો. જંક્શનવાસીઓએ આ બનાવ અંગે કહ્યું કે, પોલીસ અધિકારી ભદોરિયાની આવી હરકતો ભૂતકાળમાં ઘણી વખત બહાર આવી છે પણ પ્રજાની જતું કરવાની ભાવનાથી આવા બનાવનું પુનરાવર્તન થવા પામ્યું છે. આ પોલીસ અધિકારીની આડમાં જેતલસર જંક્સનમાં રેલવેની હદમાં જુગારના હાટડા પણ ચાલતા હોવાના આક્ષેપો થયા છે.
દરમિયાન ભદોરિયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, રેલવે કોલોનીના અમુક કર્મચારીઓ સહિતના માણસોનું ટોળું તેમની ઓફિસમાં ઘુસી આવીને બાળકોને માર માર્યાની ફરિયાદો કરી ગાલી, ગલોચ કરવા લાગતા તેમણે મંગળવારની રાત્રીના જ તેમની ફરજમાં રૂકાવટ કર્યાની તેમજ હુમલો કરીને બનિયાન ફાડી નાખવા બદલ અજાણ્યા માણસો સામે એફઆઈઆર કરી દીધી છે. તેમણે કહ્યું કે પોતાની ઓફિસથી રેલવે કોલોની અડધો કિ.મિ. દૂર છે અને ત્યાં પોતે ગયા નથી.