શરદ પૂર્ણિમા પર્વે ઉંધીયુ, ગુલાબજાંબુ અને દહીંવડાની શહેરીજનોએ માણી લહેજત
ભાવનગર, તા. 13 ઓક્ટોબર 2019, રવિવાર
ગોહિલવાડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે શરદપૂર્ણિમાની હર્ષોલ્લાસભેર રંગદર્શી માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શેરી મહોલ્લાઓમાં, માઈમંદિરોમાં તેમજ પાર્ટી પ્લોટમાં રાસ ગરબાની રમઝટ બોલાવાઈ હતી. આ વેળા લોકો લાખ્ખો રૂપીયાનું ઉંધીયુ, ગુલાબજાંબુ તેમજ દહીંવડા વ. ઝાપટી ગયા હતા તેમજ દૂધપૌઆનો પણ આનંદ માણ્યો હતો.
શકિતની સાધના અને આરાધનાના નવલા પર્વ નવરાત્રિનો થનગનાટ અને થાક હજી તો માંડ ઉતર્યો છે. ત્યાં જ શરદપૂર્ણિમા આવી પહોંચતા ફરી વખત રવિવારે રાત્રે યૌવન હિલોળે ચઢયુ હતુ. શરદપૂર્ણિમાના પર્વે ગોહિલવાડના માઈમંદિરો, હવેલીઓમાં તેમજ તીર્થધામોમાં સવારથી જ માઈભકતોનું ઘોડાપુર ઉમટી પડયુ હતુ. માતાજીના મંદિરોમાં હવન, રાત્રીના માતાજીનો સ્વાંગ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જયારે ગોહિલવાડના શ્રીકૃષ્ણ ભગવાનના મંદીરોમાં મુકુટોત્સવ ઉજવાયો હતો.
આ પ્રસંગે ઠાકોરજીને ભાવભેર દૂધપૌઆનો નેવૈદ્ય ધરાયો હતો. અને રાત્રીના ગગનમાંથી વરસતી અમૃતધારાનો લ્હાવો લેવા માટે નવવિવાહિત દંપતિઓ, યુવાનો તેમના સમવયસ્ક મિત્ર વર્તુળ, સ્વજનોના સંગાથે કુદરતના ખોળે ખેલવા નિકળી પડયા હતા. ગોહિલવાડના દરિયાકિનારાના સ્થળો, ફાર્મહાઉસ, તખ્તેશ્વર, ગૌરીશંકર સરોવર (બોરતળાવ) તેમજ જાણીતા પર્યટન સ્થળોએ ટીફીન પાર્ટી માટે ઉમટયા હતા.
શરદપૂર્ણિમાના અવસરે ઉંધીયુ, દહીંવડા તેમજ દૂધ પૌઆ ખાવાનું અધિક મહાત્મ્ય હોય આ નિમીત્તે સ્થાનિક મીઠાઈ અને ફરસાણના વેપારીઓ દ્વારા તેમની દુકાનો ઉપરાંત અન્ય અનેક રિટેઈલર્સ વિક્રેતાઓ દ્વારા ઉંધીયુ, દહીંવડા સહિતની ખાદ્યસામગ્રીઓના વેચાણના ઠેર ઠેર કાઉન્ટર ખોલાયા હતા. જયાં સવારથી જ ગ્રાહકોની ભારે ગીર્દી જોવા મળી હતી.
શકિત પર્વ નવરાત્રિ દરમિયાન જગત જનની જગદંબાની આરાધનાર્થે ઘુમતા ગરબા સાથેની નવરાત્રિ મહોત્સવની ખરેખર પૂર્ણાહુતિ શરદપૂર્ણિમાના અવસરે થતી હોય આ પર્વે રઢીયાળી રાતે મોટા ભાગના સમાજ, જ્ઞાાતિ, ધાર્મિક, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જે તે સંસ્થાની વાડી, પ્લોટ કે છાત્રાલયમાં ખાનગી ધોરણે રાસ ગરબાના આયોજન કરાયા હતા. જયારે કેટલાક સ્થળોએ પ્રોફેશ્નલ આયોજકો દ્વારા જાહેર નવરાત્રિ મહોત્સવ નિમીત્તે રાસ ગરબા યોજાયા હતા. જેમા મોટી સંખ્યામાં આબાલવૃધ્ધ લોકોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.