કોરોના જેવા લક્ષણો ધરાવતા વાયરલ શરદીના કેસોમાં વધારો
- ચોમાસામાં મહામારી સાથે રોગચાળાની નવી ઉપાધિ
- થયા હોય તાવ-શરદી અને ભય લાગે કોરોનાનો! બન્ને વાયરસ રેસ્પિરેટરી સીસ્ટમ પર કરે પ્રહાર
- રાજકોટ મનપાના આરોગ્ય ખાતાની લોકોને અંધારામાં રાખવાની નીતિ,મહિનાઓથી રોગચાળાના રિપોર્ટ જ બંધ !
રાજકોટ, તા.11 જુલાઈ 2020, શનિવાર
સૌરાષ્ટ્રમાં કોરોના મહામારીના કેસો અનેક ગણા વધી ગયા છે તેની સાથે હવે ચોમાસાના પગલે વાયરલ શરદી,તાવના કેસોમાં પણ ઉછાળો આવતા લોકોની મૂશ્કેલી તો વધી જ છે અને હવે સોશ્યલ ડિસ્ટન્સ ઘરમાં પણ જરૂરી બને તેવી સ્થિતિ છે ત્યારે તબીબો માટે પણ બન્ને વાયરલ ઈન્ફેક્શનમાં અનેક લક્ષણો સરખાં જેવા જ હોય અલગ અલગ નિદાન કરવું પણ પડકારરૂપ બન્યું છે. વાયરલ શરદી-તાવ કે વાયરલ કોરોના બન્ને વાયરસથી ફેલાય છે અને બન્ને રેસ્પિરેટરી અર્થાત્ શ્વાસોશ્વાસની સીસ્ટમ પર પ્રતિકૂળ અસર કરે છે.
શહેરમાં જનરલ પ્રેક્ટીસ કરતા ખાનગી તબીબોનો સંપર્ક સાધતા જણાવાયું કે છેલ્લા દસ-બાર દિવસથી વાયરલ શરદી સાથે તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, કળતર, જેવા લક્ષણો હોય તેવા કેસો વધી રહ્યા છે. આમ તો આવા લક્ષણોની લોકો બહુ પરવાહ કરતા હોતા નથી પરંતુ, કોરોનાના લક્ષણો તેને મળતા આવતા હોય અને કોરોના લત્તે લત્તે ફેલાઈ ગયો હોય લોકો માટે હવે આ ચિંતાનો વિષય બન્યો છે અને તેની સારવાર ત્વરિત કરાવતા થયા છે. કોરોના મહામારી પ્રસરી જતા લોકો હવે શરદીને હળવાશથી લેતા નથી. તો બીજી તરફ સરકારી તંત્ર દ્વારા આ બન્ને કેસોના ભિન્ન ભિન્ન લક્ષણો ક્યા તે અંગે કોઈ માર્ગદર્શિકા જારી કરી નથી.
કેટલાક તબીબોએ જણાવ્યું કે અમે હવે વાયરસના ચેપથી બચવા વધુ સતર્કતા દાખવીએ છીએ, અને તે અનિવાર્ય છે. વળી, કોરોનાની જેમ શરદી પણ ચેપી રોગ છે અને હવાથી અને સંસર્ગમાં આવવાથી ફેલાય છે. ઘરમાં એક વ્યક્તિને થાય એટલે બીજાને થવાની શક્યતા વધી જાય છે. આ સ્થિતિમાં દર્દીને જો છિંક આવવી, નાકમાંથી પાણી નીકળવું અને ૧૦૦થી નીચે તાવ (જેને દેશી ભાષામાં હાડકચર તાવ કહે છે) હોય તો શરદીની જ દવા આપીએ છીએ. પરંતુ, શ્વાસોશ્વાસમાં મૂશ્કેલી થવા લાગે, ગળામાં વધુ દુખાવો વગેરે લક્ષણો હોય તો ટેસ્ટ કરાવવાની સલાહ અપાય છે.
ગંભીર વાત એ છે કે રાજકોટમાં કોરોનાની કામગીરીનો દાવો કરતું મનપાનું આરોગ્ય ખાતુ કોરોના જેવા લક્ષણો ધરાવતા શરદી-તાવના અટકાવવા તો દૂરની વાત છે પરંતુ, લોકો પોતે સાવચેત રહે તે માટે લોકજાગૃતિ કેળવવા અને રોગચાળાના ટ્રેન્ડથી લોકોને વાકેફ કરવામાં પણ આળસ દાખવી રહ્યા છે.
મનપામાં હેલ્થ ઓફિસરની ભરતી કરાયા પછી પરિસ્થિતિમાં સુધારો થવો દૂર, છેલ્લા ત્રણ-ચાર માસથી તો મનપાએ કોરોના સિવાયના શરદી-ઉધરસ, તાવ, ઝાડાઉલ્ટી, મેલેરિયા અને હાલ જેનો ખતરો મંડરાઈ રહ્યો છે તે ડેંગ્યુના કેસો જે દર સપ્તાહે જાહેર કરાતા તે જાહેર કરવાનું પણ બંધ કરી દીધું છે.આમ છતાં પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ તંત્ર કામ કરી રહ્યાનો દાવો જન.બોર્ડ કે બહાર કરતા રહે છે!