પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનામાં ભાવનગરમાં 7,365 અરજી
ભાવનગર, તા. 03 માર્ચ 2019, રવિવાર
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને આ યોજના હેઠળ અસંગઠીત કામદારોની નોંધણી કરાશે. દર માસે કામદારે નક્કી કર્યા મુજબની રકમ ભરવાની રહેશે અને આ કામદારોને ભવીષ્યમાં પેન્શન આપવામાં આવશે. ભાવનગર જિલ્લામાં હાલ નોંધણી માટેનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને ઘણા કામદારોએ નોંધણી કરાવી હોવાનુ જાણવા મળેલ છે.
ભાવનગર સહિત દેશભરમાં પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ભાવનગર શહેર અને જિલ્લાના સીએસસી સેન્ટર પર ગત તા. 12 ફેબ્રુઆરીથી અસંગઠી કામદારોની નોંધણી કરવામાં આવી રહી છે. માનધન યોજનામાં ભાવનગર જિલ્લામાં ગઈકાલે શનિવારે સવારે 11.15 કલાક સુધીમાં કુલ 7,365 કામદારોએ અરજી કરી છે અને 6,936 કામદારોને પ્રીન્ટ કરેલા કાર્ડ આપવામાં આવ્યા છે, જયારે બોટાદમાં કુલ 2,427 કામદારોએ અરજી કરી છે અને 2,244 કામદારને કાર્ડ આપવામાં આવ્યા છે. આ નોંધણીમાં ભાવનગર જિલ્લો આજે રાજ્યમાં સાતમાં ક્રમે હતો અને બોટાદ જિલ્લો ર૯માં ક્રમે હતો.
માનધન યોજના હેઠળ કામદારોને શરૂઆતમાં દર માસે નક્કી કર્યા મુજબની રકમ ભરવી પડશે અને આ કામદારોને 60 વર્ષ બાદ દર માસે રૂ. 3 હજાર પેન્શન મળશે. કામદાર વ્યકિતનુ મૃત્યુ થાય તો તેને વારસદારમાં જેનુ નામ લખાવ્યુ હશે તેને દર માસે રૃ. 1,500 પેન્શન મળશે. હાલ માનધન યોજનામાં નોંધણી શરૂ છે તેથી કામદારોને નોંધણી કરાવવા સરકારી તંત્રએ અનુરોધ કરેલ છે.
માનધન યોજનાનો લાભ કોને મળશે?
માનધન યોજનામાં માસીક આવક રૂ. 15 હજાર કરતા ઓછી હોય તેવા મજુર, રત્ન કલાકાર, પાથરણાવાળા, લારી-ગલ્લાવાળા, અગરીયા, માછીમાર, કડીયા-દાડીયા સહિતના લોકો લાભ લઈ શકશે. માનધન યોજનામાં નામ નોંધાવવા માટે સીએસસી સેન્ટર પર આધારકાર્ડ, મોબાઈલ નંબર, બેન્ક પાસબુક વગેરે માહિતી આપવી પડશે. આ માહિતી ઓનલાઈન નાખવામાં આવશે અને પ્રથમવાર કામદારે કોષ્ટક મુજબની રોકડ રકમ આપવી પડશે. આ પ્રક્રિયા બાદ દસ મીનીટમાં કામદારને પ્રીન્ટ કરેલુ કાર્ડ આધાર માટે આપવામાં આવશે અને ત્યારબાદ દર માસે કામદારના બેન્ક ખાતામાંથી ઉંમરના કોષ્ટક મુજબની રકમ કપાશે તેમ જાણવા મળેલ છે.
18 થી 40 વર્ષના લોકોએ કોષ્ટક મુજબની રકમ ભરવી પડશે
માનધન યોજનામાં 18 થી 40 વર્ષના લોકો માટે ઉંમર મુજક એક કોષ્ટક બનાવવામાં આવેલ છે, જેમાં 18 વર્ષના કામદારને દર માસે રૂ. 55 ભરવાના અને 40 વર્ષના કામદારને દર માસે રૂ. 200 ભરવાના રહેશે. પ્રથમવાર કાર્ડ કઢાવવા રોકડ રકમ આપવી પડશે પરંતુ ત્યારબાદ કામદારના બેન્ક ખાતામાંથી દર માસે ઓનલાઈન રકમ કપાશે. જે કામદારની માસીક આવક રૂ. 15 હજારની અંદર હશે તેને જ લાભ મળશે. આ કામદારોને 60 વર્ષ બાદ દર મહીને રૂ. 3 હજાર પેન્શન મળશે અને જો કામદારનુ મૃત્યુ થાય તો તેને જેનુ વારસદાર તરીકે નામ લખાવ્યુ હશે તેને દર માસે રૂ. 1,500 પેન્શન મળશે.