ઘોઘાના તગડી ગામે દારૂ-બિયર ભરેલા ટ્રક સાથે 3 શખ્સ ઝબ્બે
Updated: Aug 26th, 2023
- સીમેન્ટની આડમાં દારૂ-બિયરનો મસમોટો જથ્થો ઘૂસાડાયો
- ઉદયપુરના બુટલેગર પાસેથી થોરડીના બુટલેગરે માલ મંગાવ્યાની કબૂલાત, 25.78 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘા તાલુકાના તગડી ગામ પાસેથી એક રાજસ્થાન પાસીંગના ટ્રકમાં સીમેન્ટની થેલીઓની આડમાં વિલાયતી દારૂ આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે ઘોઘા પીએસઆઈ બી.બી.વાઘેલા સહિતના સ્ટાફે મધરાત્રિના સમયે તગડી ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બુધેલ તરફથી આવી રહેલા ટોરસ ટ્રક નં.આરજે.૦૯.જીબી.૯૧૭૧ને રોકી તલાશી લેતા તેમાંથી સીમેન્ટની ૮૪૦ થેલીની આડમાં છુપાવેલી વિલાયતી દારૂની નાની-મોટી બોટલ નં.૧૩૨૦ અને બિયરના ૩૧૨ ટીન (કિ.રૂા.૨,૪૯,૬૦૦) મળી આવતા પોલીસે ટોરસ ટ્રક, બે મોબાઈલ ફોન, રોકડ, સીમેન્ટની થેલીઓ અને દારૂ-બિયરના જથ્થા સાથે રાજુ મન્નાલાલ મીણા (રહે, દેવલખેડી, તા.પ્રદેસર, જિ.ચિત્તોગઢ, રાજસ્થાન), રાધેશ્યામ શંકટલાલ રેગર (રહે, બનાકીયા કલા, તા.કપાસણ, જિ.ચિત્તોડગઢ, રાજસ્થાન) અને દિલીપ રોશનલાલ કુમારવત (રહે, મોડજીકા મેનાળા, તા.પ્રદેશર, જિ.ચિત્તોડગઢ, રાજસ્થાન) નામના ત્રણ શખ્સને ઝડપી પૂછતાછ કરતા આ દારૂનો જથ્થો રાજસ્થાનના ઉદયપુરમાં રહેતો વિરેન્દ્રસિંઘ મોબતસિંઘ સક્તાવત નામના બુટલેગરે ભરી આપી થોરડી ગામે રહેતો અર્જુનસિંહ ભીમદેવસિંહ ગોહિલ નામના બુટલેગરને પહોંચાડવાનો હતો તેવી કબૂલાત આપી હતી. બનાવ અંગે ઘોઘા પોલીસે પાંચેય શખ્સ સામે પ્રોહિ. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.