રાજકોટમાં પાણીના પ્રશ્ને મહિલાઓ મેદાને, થાળી વગાડી માટલા ફોડયા
- મુખ્યમંત્રીના હોમટાઉનમાં પાણીની છૂટ,પાણીદાર તંત્રની તંગી
- છાશવારે પાણીકાપ સામે રોષ, વોર્ડ નં.13માં કાયમી ધાંધિયા, છતે પાણીએ પાણી આપવામાં તંત્ર નિષ્ફળ
- શહેરમાં પાણીનું કદિ પોઝીટીવ ચેકીંગ નથી થતું,વિતરણ માટે સક્ષમ સ્ટાફનો જ તંત્રમાં અભાવ
રાજકોટ, તા. 21 જુલાઈ 2020, મંગળવાર
મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં સરકારની સૂચના બાદ સૌની યોજના ચાલુ કરીને આજી અને ન્યારી જળાશયોમાં પર્યાપ્ત જળરાશિ સંગ્રહિત કરાઈ છે અને પાણીનો જથ્થો પર્યાપ્ત છે પરંતુ, મનપાના વોટરવર્ક્સનું તંત્ર નિયમિત પાણી આપવામાં નિષ્ફળ ગયું છે. આજે મવડી વિસ્તારમાં વાલ્વ બદલવાના બહાને બે લાખની વસ્તી પર પાણીકાપ ઝીંકાયો હતો. આ અન્વયે આજે લોકરોષ ફરી એક વાર સપાટી પર આવ્યો હતો. વોર્ડ નં.૧૩માં કોર્પોરર્ટરની આગેવાનીમાં મહિલાઓએ ભેગા થઈને માટલા ફોડીને તથા થાળીઓ વગાડીને રોષ વ્યક્ત કર્યો હતો.
કોરોના ભગાડવા માટે થાળી વગાડનારા હવે પ્રશ્નો ઉકેલવા થાળી વગાડવાનો ઉપયોગ કરી રહ્યા છે. આજે ગોકુલધામથી આગળ ચોકમાં મહિલાઓ એકત્ર થઈ હતી અને છાશવારે પાણીકાપ અને રોજિંદા જળધાંધિયાથી ત્રસ્ત થઈ બેનર્સ પ્રદર્શિત કરી દેખાવો યોજ્યા હતા, થાળીઓ વગાડી હતી. મનપાના તંત્રને ઢંઢોળવા બાદમાં રસ્તા પર માટલા ફોડીને રોષ વ્યક્ત કર્યો હતો.
આ અંગે કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે જણાવ્યું કે મેયર એવું કહે છે કે સમગ્ર રાજકોટમાં લોકોને રોજ નિયમિત પાણી મળે છે પરંતુ, વાસ્તવમાં પાણીનું વિતરણ કરવામાં નિષ્ફળ ગયા છે, ખોડીયારપરામાં આજે પણ એકાંતરા પાણીકાપ ચાલી રહ્યો છે. આજે પાંચ વોર્ડમાં પાણીકાપ ઝીંકાયો તેમા વાલ્વ બદલવાનું તો માત્ર ખોટુ બહાનુ હતું વાસ્તવમાં વધુ પડતા ક્લોરીનથી પાણીની ગુણવત્તા કથળતા ઈજનેરી નિષ્ફળતાને ઢાંંકવા પાણીકાપ ઝીંકાયાનો આક્ષેપ તેમણે કર્યો હતો. આ અંગે રોષ, ફરિયાદ, આક્ષેપ અંગે મનપા દ્વારા કોઈ વિગતો જારી કરાઈ નથી.
શહેરમાં સૌની યોજના અને નર્મદા યોજના પછી પણ રોજ માત્ર ૨૦ મિનિટ પાણી આપવાનું જ ધોરણ છે અને એટલું પાણી પણ નિયમિત અપાતું નથી. સત્તાધીશોની મીઠીનજર હેઠળ વગદાર ઈજનેરો આવા વિરોધને ગણકારતા નથી અને શહેરમાં પાણી વિતરણનું ક્યારેય પોઝીટીવ ચેકીંગ (એટલે કે લોકોને પર્યાપ્ત, શુધ્ધ પાણી નિયમિત મળે છે કે કેમ? તેનું) કરતા નથી. કાર્યપાલક ઈજનેરની જગ્યા ખાલી થયા પછી ત્યાં કોઈ કાર્યક્ષમ અને ફૂલટાઈમ અધિકારીને હજુ સુધી નિયુક્ત કરાયા નથી. સિટી ઈજનેરો ફિલ્ડમાં જવાને બદલે ઓફિસ બેઠા કરોડોના બિલો મંજુર કરવાનું જ કામ કરતા હોવાનો આક્ષેપ કોંગ્રેસ વારંવાર કરતી રહે છે.
ગંભીર વાત એ છે કે રાજ્ય સરકારના પ્રયાસોથી સૌની યોજના બાદ ૧૮ લાખની વસ્તીવાળા આ મહાનગરમાં પાણીની તંગી ભૂતકાળ બની ગયેલ છે પણ કામઢાને બદલે કહ્યાગરાને મહત્વ અપાતું હોવાની ફરિયાદો વચ્ચે પાણી પ્રશ્ન હજુ વરવો વર્તમાન જ રહ્યો છે.