રાજકોટ શહેર - જિલ્લામાં જાહેરમાં થૂંકનાર 79 વ્યકિતઓને દંડ કરાયો
- ગ્રામ્ય વિસ્તારમાં પહેલી વાર જાહેરમાં થૂંકનારા દંડાયા
- રાજકોટમાં 50 અને જિલ્લામાં 29 કેસમાં કુલ 39,500ની વસુલાત કરવામાં આવી

રાજકોટ, તા.19 માર્ચ 2020, ગુરૂવાર
કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા રાજકોટ કોર્પોરેશન બાદ હવે જિલ્લાનું તંત્ર પણ સતર્ક બન્યું છે. જુદા જુદા સ્તરે સાવચેતીના પગલાઓ લેવામાં આવી રહયા છે. શહેર અને જિલ્લામાં જાહેરમાં થુંકનારા ૭૯ વ્યકિતઓને દંડ કરીને રુ.૩૯,પ૦૦ ની વસુલાત કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં પહેલીવાર આ પ્રકારની દંડનીય કામગીરી કરવામાં આવી હતી.
રાજકોટ કોર્પોરેશનના ત્રણેય ઝોનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ જાહેરમાં ન થુંકવાના જાહેરનામાના ભંગ બદલ પ૦ વ્યકિતઓ સામે કાર્યવાહી કરીને રુ. પ૦ હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો. આજે મ્યુનિસિપલ કમિશનર જયુબીલી ગાર્ડન નજીકથી પસાર થતા હતા ત્યારે કાર ટ્રાફિક સિગ્નલ પાસે ઉભી રહી એ દરમિયાન કારની આગળના ભાગે એક વ્યકિત જાહેરમાં થુંકતા નજરે પડતા તાત્કાલિક તેની પાસેથી રુ. પ૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં પહેલીવાર જાહેરમાં થુંકનારા સામે દંડનીય કામગીરી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના સૂત્રોએ જણાંવ્યું હતું કે રાજકોટ તાલુકા , જેતપુર, પડધરી , જામકંડોરણા , ઉપલેટા સહિતના વિસ્તારમાં સ્થાનિક તંત્રએ જાહેરમાં થૂંકનાર ર૯ વ્યકિતઓ સામે કાર્યવાહી કરીને રુ. ૧૪પ૦૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો. હાલ કોરોના મહામારીનો મોટો ખતરો છે ત્યારે લોકો જાહેર આરોગ્ય જોખમાય તેવી કોઈ હરકત ન કરે તે માટે તંત્ર દ્રારા પગલાઓ લેવામાં આવી રહયા છે.

