રાજકોટમાં રાત્રે 8થી 10 અને 12થી 12.30 જ ફટાકડાની છૂટ
- પો.કમિ.નું જાહેરનામુ,ફોજદારને પગલા લેવા સત્તા
- ટેટાની લૂમ બિલકૂલ નહીં ફોડી શકાય! સ્કૂલો હાલ બંધ પણ સ્કૂલોની ૧૦૦ મીટર સુધી ફટાકડાની મનાઈ
રાજકોટ, તા. 5 નવેમ્બર 2018, સોમવાર
રાજકોટમાં દિવાળી નિમિત્તે બાળકો તો ઘણા દિવસોથી ફટાકડા ફોડતા રહ્યા છે અને હવે આ પ્રમાણ દિવાળી નજીક આવતા વધશે. ત્યારે આજે મોડી સાંજે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સુપ્રીમકોર્ટની માર્ગદર્શિકા અન્વયે આજે જાહેરનામુ બહાર પાડી રાત્રિના ૮થી ૧૦ બે કલાક અને નૂતન વર્ષના આરંભે અર્ધો કલાકની છૂટ અન્વયે દિવાળીની રાત્રિના ૧૨થી (એટલે કે ૦૦ કલાકથી તારીખ બદલાતી હોય) ૧૨.૩૦ સુધી અર્ધો કલાક જ ફટાકડા ફોડવા અને તે સિવાયના સમયે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુક્યો છે.
આ પ્રતિબંધનો ચૂસ્ત અમલ કરવાની સૂચના સાથે આ સિવાયના સમયે ફટાકડા ફોડનાર સામે જી.પી.એક્ટની ક.૧૩૧ હેઠળ પગલા લેવાશે. તેમજ આ પગલા લેવાની સત્તા ખાસ, સંયુક્ત, અધિક પોલીસ કમિશનરથી માંડીને પી.એસ.આઈ. સુધીનાને અધિકૃત કરાયા છે.
ફટાકડાથી પ્રદુષણ અને જાહેર આરોગ્યને થતી હાનિના કારણે આ પ્રતિબંધ મુકાયાનું જણાવાયું છે. આ વખતે ઉપરના સમયે પણ ટેટાની સેર કે લૂમ ફોડવા પર એમ કહીને પ્રતિબંધ મુકાયો છે કે તેનાથી હવા, અવાજ, કચરાની સમસ્યા પેદા થાય છે. આવી લૂમ ફટાકડાના ધંધાર્થીઓ વેચી શકશે નહીં.
આ ઉપરાંત પોલીસ કમિશનરે મર્યાદિત સમય માટે ફટાકડા ફોડવા ઉપરાંત અન્ય પ્રતિબંધો પણ લાદ્યા છે જે મૂજબ (૧) માત્ર પી.ઈ.એસ.ઓ.દ્વારા અધિકૃત બનાવટના ફટાકડા ફોડી શકાશે (૨) વિદેશી ફટાકડા રાખી કે વેચાણ કરી શકાશે નહીં (૩)ઓનલાઈન ફટાકડા વેચાણ કરી શકાશે નહીં (૪) આઈ.ઓ.સી.ના પ્લાન્ટ, એરોડ્રામ પાસે અર્ધો કિ.મી.સુધી ફટાકડા નહીં ફોડી શકાય (૫) ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધ (૬) આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલો, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ (કે જે શહેરમાં ઠેરઠેર આવેલ છે) તેની ૧૦૦ મીટર આસપાસ પણ ફટાકડા ફોડી શકાશે નહીં.
બીજી તરફ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રાજકોટ જિલ્લા માટે ફટાકડા પર પ્રતિબંધનું જાહેરનામુ બહાર પડાયું છે તેમાં પણ ટેટાની લૂમ, તુક્કલ વગેરે પર પ્રતિબંધ છે. તેમાં જણાવ્યા મૂજબ રાત્રિના ૮ થી ૧૦ સુધી જ ફટાકડા ફોડી શકાશે. આ જાહેરનામાના ભંગ બદલ ક.૧૮૮ હેઠળ ધરપકડના પગલા લેવાશે.