દિહોર પંથકના અનેક ગામોમાં એસ.ટી. બસના દર્શન દુર્લભ!
- એસ.ટી.ના ઓરમાયા વર્તનથી ગ્રામજનોમાં નારાજગી
- મેળા, ઉત્સવો અને સરકારી કાર્યક્રમોને કારણે છાશવારે રદ કરી દેવાતી બસ
તળાજા, ,27 નંવેમ્બર 2019 બુધવાર
તળાજા તાલુકાના દિહોર વિસ્તારના અનેક ગામોમાં આઝાદી કાળથી લઈ અત્યાર સુધી એસ.ટી. બસની સુવિધા જ આપવામાં આવી ન હોવાને કારણે ગ્રામજનોન એસ.ટી.ના દર્શન દુર્લભ થઈ ગયા છે. દિહોર અને અન્ય ગામોમાં એકાદ-બે બસ આવે છે એ પણ મેળા, ઉત્સવો અને સરકારી-રાજકીય કાર્યક્રમોને કારણે ઘણી વખત કેન્સલ કરી દેવાય છે. એસ.ટી.ના આવા ઓરમાયા વર્તનથી ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે.
દિહોર પંથકના ચુડી, હમીરપરા, નેસવડ, ભારોલી, મામસી, સાંખડાસર-ર વગેરે ગામોએ આજદિન સુધી એસ.ટી. બસ જ જોઈ નથી અથવા તો દિવસમાં માંડ એક વખત બસ આવે છે. જેના કારણે ગ્રામજનોને એસ.ટી. બસનો લાભ લેવા માટે દિહોર આવવું પડે છે. અહીં કલાકો સુધી રાહ જોવા છતાં બસ નહિ આવતા લોકોને નિરાશ થઈને ખાનગી વાહનોમાં ટીંગાતા જવું પડે છે. ભદ્રાવળ, ટીમાણા, બેલા, માંડવાળી વગેરે ગામો સાથે પણ એસ.ટી. દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે.
દિહોરથી તળાજા, ભાવનગર, સિહોર, ટાણા, મહુવા, વલભીપુર, બરવાળા, ઘોઘા વગેરે સ્થળોએ જવા માટે એકાદ-બે બસ મળે છે. તેમાં પણ દરેક રૂટની બસમાંથી રોજ એકાદ બસ તો કેન્સલ જ થતી હોય છે. થોડા સમય પૂર્વે બસના સમયમાં ફેરફાર કરવાના કારણે તળાજાથી ઉપડતી રબારીકા બસ જે વેળાવદર, ભાલર, બોરલા, બેલા, સમઢિયાળા, દિહોર થઈ ટાણા, અગિયાળી, દેવગાણા રૂટ પર ચાલે છે.
તેનો તળાજાથી ઉપડવાનો સમય સાંજનો ૬-૩૦ કલાકનો કરાયો છે. આ બસને રબારીકા પહોંચવામાં રાત્રે ૯ વાગે છે, જેથી મુસાફરોની સંખ્યા ઘટી છે. જૂના સમય મુજબ બસ દોડે તો બહેનો-યુવતીઓને પણ તેનો લાભ મળી શકે તેમ છે. પરંતુ એસ.ટી. તંત્રને પેસેન્જરના બદલે કિલોમીટરમાં રસ હોય તેમ ગામડાની રાત્રિ રોકાણવાળી બસને દિવસે ઈન્ટરસિટી તરીકે ફેરા કરાવવામાં આવતા મુસાફરોને હેરાનગતિ વેઠવી પડી રહી છે. આ બાબતે એસ.ટી.ના સત્તાધિશોએ ગ્રામજનોના હિતમાં કાર્યવાહી કરવી જરૂરી બની છે.