મહુવામાં જુદી-જુદી પ્રજાતિના 6 ગીધ એક સાથે જોવા મળ્યા
ભાવનગર, તા. 14 નવેમ્બર 2018, બુધવાર
ભાવનગર જિલ્લાને મહુવા તાલુકાને લુપ્ત થતી જતી ગીધ પ્રજાતિના સ્વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. મહુવા રેન્જમાં મહુવા, કતપર, નાના આસરાણા, ચારદીકા અને છાપરીયાળી ગામમાં આવેલા નાળિયેરીના બગીચાઓ અને બાગાયતી વિભાગની નાળિયારી ફાર્મમાં ગીધનો વસવાટ છે. મૃતોપજીવી એવા ગીધ પક્ષીની 6 જાતિ ગુજરાતમાં નોંધાયેલી છે. જેમાં મહુવામાં આજે 13 વર્ષ બાદ એક સાથે જુદી-જુદી 6 પ્રજાતિના ગીધ એક સાથે જોવા મળતા પક્ષીવિદ્દો અને પર્યાવરણપ્રેમીઓ રોમાંચિત થઈ ગયા હતા.
ગુજરાત વન વિભાગ, ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (ગીર) ફાઉન્ડેશન-ગાંધીનગર અને રાજ્યભરમાં ગીધ સરંક્ષણની કામગીરી કરતા અને વર્ષ 2006-07માં સેન્ચુરી એશિયાનો વર્લ્ડ નેચરાલિસ્ટ એવોર્ડ જીતનાર હકાભાઈ મકવાણા સહિતના સ્વયંસેવી પક્ષી નિરીક્ષકો સાથે મળીને મહુવામાં આવેલ પ્લાન્ટ સ્ટેશન વિસ્તારમાં ગીધ સરંક્ષણની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે અલગ-અલગ 6 પ્રકારના ગીધ જોવા મળ્યા હતા.

અગાઉ આવા ગીધ 2006માં છાપરીયાળી ગામે જોવા મળ્યા હતા. ત્યારબાદ 13 વર્ષ પછી ફરી આ ગીધ નજરે પડયા છે. પર્યાવરણ પ્રેમીઓને રોમાંચિત કરી દેનારા દ્રશ્યો કચકડે મઢાયા હતા. ગીધની પ્રજાતિની વાત કરીએ તો ગિરનારી ગીધ, સફેદ પીઠ ગીધ, બદામી ગીધ, ખેરો ગીધ, ઉજળો ગીધ અને શાહી ગીધનો સમાવેશ થાય છે. આ ૬ પ્રજાતિ પૈકી ખેરો ગીધ, બદામી ગીધ અને શાહી ગીધની પ્રજાતિ વિનાશ થવાના આરે હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રકૃતિનું સૌથી ઉપયોગી સફાઈ કામદાર છે ગીધ
ગીધ એક જાતનું પક્ષી છે. અંગ્રેજી ભાષામાં આ પક્ષીને વલ્ચર કહેવાય છે. ગીધનું કદ વિશાળ હોય છે. તે ઉંચા ઝાડ પર પોતાનું રહેઠાણ એટલે કે માળો બનાવવાનું પસંદ કરે છે. આ માંસભક્ષી પક્ષી છે. તેનો મુખ્ય ખોરાક પશુ-પ્રાણીઓના મૃતદેહ છે. આવા મૃતદેહ શોધવા ગીધ આકાશમાં ઉંચે-ઉંચ ઉડે છે. ગામની સીમમાં વેરાન જગ્યા પર પડેલા સડેલા મૃતદેહ ગીધો માટે ઉજાણીનું સ્થળ હોય છે.
સડેલા મૃતદેહની ગંદકીને દૂર કરતા આ પક્ષીને સફાઈ કામદાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ગીધ એ પ્રકૃતિનું સૌથી ઉપયોગી સફાઈ કામદાર છે. ગીધ કોઈ પશુ કે પક્ષીનો શિકાર કરતુ નથી, માત્રને માત્ર મૃત પશુઓને જ પોતાનો ખોરાક બનાવે છે. મરેલા પશુઓમાં અસંખ્ય જીવાણુંઓ પેદા થાય છે, જે માનવ જીવન માટે ખૂબજ હાનિકારક સાબિત થઈ શકે છે. પરંતુ ગીધ પ્રકૃતિએ રચેલા પરીસતંત્રનો ખૂબ જ અગત્યનો ભાગ છે અને માનવ જીવન માટે આશીર્વાદરૃપ છે.

છેલ્લી વસતિ ગણતરી મૂજબ જિલ્લામાં 102 ગીધ
ભાવનગર જિલ્લામાં વર્ષ 2012માં અંદાજવામાં આવેલી ગીધની વસતિ મૂજબ 102 ગીધ નોંધાયેલા છે. ગીધ સરંક્ષણ માટે વન વિભાગ પ્રયત્નશીલ છે સાથો સાથ ગીધ સરંક્ષણ માટે આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. નાળિયારી પર ગીધના વસવાટના કારણે નાળિયેરના પાનને થતા નૂકસાન બદલ લાભાર્થીઓને નિયત રકમ ચૂકવાઈ છે. માળાના કારણે નાળિયેરી દીઠ રૂ. 500 લેખે લાભાર્થીઓને ચૂકવવામાં આવે છે.
ગીધને સરળતાથી મૃત માલઢોરના શબ ખોરાક માટે મળી રહે તે માટે નાના આસરાણા, છાપરીયાળી ખાતે ફિડીંગ સાઈટ તૈયાર કરવામાં આવી છે. ગીધ સરંક્ષણ માટે અલગ-અલગ ગીધ કોલોનીનું સુપરવિઝન અને જાળવણી કરવામાં આવે છે. બિમાર ગીધની વન્યપ્રાણી સારવાર કેન્દ્રમાં સારવાર કરવામાં આવે છે અને મૃત ગીધને પીંજોર (હરિયાણા) મૃત્યુનું કારણ જાણવા મોકલવામાં આવે છે.