ગુજરાતમાં શ્રાવણ માસ કરતાં કારતકમાં વધારે વરસાદ પડયો
ઋતુ ચક્ર અસ્તવ્યસ્ત, શિયાળો આ વખતે હૂંફાળો
સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે ધુમ્મસ સાથે ઠંડી શરુ, નલિયા ૧૩.૬ સે.ઃ હજુ થોડા દિવસ ગુલાબી ઠંડી રહેવાની આગાહી
ધુમ્મસને કારણે ટ્રેન અને વિમાન તથા માર્ગ વાહન વ્યવહારને માઠી અસર થઈ
રાજકોટ: ગ્લોબલ વોર્મિંગ અને આ વર્ષે અલ નીનોની પ્રતિકૂળ સ્થિતિ સર્જાતા કૃષિપ્રધાન ગુજરાતનું ઋતુ ચક્ર અસ્તવ્યસ્ત થયું છે. સદીઓથી ધોધમાર વરસાદનો મહિનો શ્રાવણ હોય છે પરંતુ, આ વર્ષે સરકારી સૂત્રો અનુસાર ચોમાસાના શ્રાવણ (ઓગષ્ટ)માં ગુજરાતમાં સરેરાશ ૨૫.૪૯ મિલિમીટર વરસાદ નોંધાયો હતો તે સામે જ્યારે વરસાદની તદ્દન નહીવત્ સંભાવના હોય છે તેવા શિયાળાના કારતક માસ એટલે કે નવેમ્બરમાં તેનાથી વધુ ૨૮.૪૨ મિ.મિ.વરસાદ નોંધાયો છે.
ચોમાસા દરમિયાન ગુજરાતમાં જૂનમાં ૨૪૩ (૧૦ ઈંચ), જૂલાઈમાં ૪૪૯ (૧૮ ઈંચ), ઓગષ્ટમાં ૨૫ (૧ ઈંચ) અને વર્ષાઋતુના અંતિમ માસ સપ્ટેમ્બરમાં ૨૦૦ મિમિ.અર્થાત્ ૮ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ચોમાસા પૂર્વે બીપોરજોય વાવાઝોડાથી ધોધમાર વરસાદ વરસ્યો પણ જ્યારે વરસાદની જરૂર હોય ત્યારે શ્રાવણ એકંદરે કોરો રહ્યો હતો. ચોમાસા પછી ઓક્ટોબર માસમાં માત્ર ૨ મિ.મિ.વરસાદ નોંધાયો હતો જે સામાન્ય ગણાય છે પરંતુ, નવેમ્બરમાં અસામાન્ય કમોસમી વરસાદ ત્રાટક્યો છે.
દરમિયાન ગુજરાતમાં હવે આગામી એક સપ્તાહ સુકુ હવામાન રહેવાની આગાહી કરાઈ છે. આજે તાપમાનમાં ઘટાડા સાથે સવારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામકંડોરણા સહિતના સ્થળે ગાઢ ધુમ્મસ છવાયું હતું અને ઠંડીનો અનુભવ થયો હતો.ધુમ્મસના કારણે વિમાન તથા ટ્રેન સેવાઓ મોડી થયાનું તેમજ વાહનચાલકોને માર્ગ ઉપર વાહનો ધીમા હંકાવવાની ફરજ પડી હતી.
સૌથી નીચું તાપમાન નલિયામાં ૧૩.૬ સે. નોંધાયેલ છે. જ્યારે અમરેલી, કેશોદ જુનાગઢ, સુરેન્દ્રનગર, પોરબંદર, કંડલા એરપોર્ટ, વડોદરા, ડીસા સહિતના સ્થળે ૧૭ સે., ભૂજમાં ૧૬ સે., અમદાવાદ, રાજકોટ, મહુવામાં ૧૮ સે અને સુરત, વેરાવળ, દિવ, દ્વારકામાં ૧૯ સે.તાપમાન સાથે સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. મૌસમ વિભાગ અનુસાર હાલ વર્તાતી ઠંડીમાં આવતીકાલથી ફરી બે-ત્રણ સે.નો ઘટાડો થશે. એકંદરે આ વર્ષે શિયાળો હૂંફાળો રહેવાની શક્યતા છે.