ભાવનગર જિલ્લા પંચાયતમાં રૂા. 18 કરોડના કામને બહાલી
- ખાસ સભા મોડી શરૂ થતા વિપક્ષના સભ્યો અકળાયા
- 15 માં નાણાપંચ યોજનાની ગ્રાન્ટમાંથી આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, ખેતીવાડી, સફાઈ, પાણી સહિતના કામ હાથ ધરાશે
શહેરની જિલ્લા પંચાયત કચેરીના સભાખંડ ખાતે આજે સોમવારે સવારે સામાન્ય સભાની ખાસ બેઠક પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં ૧૫માં નાણાપંચ યોજનાનું વર્ષ ૨૦૨૦-૨૧ તથા વર્ષ ૨૦૧૧-૨૦૨૨ની ટાઇડ અને અનટાઇડ ગ્રાંટનું જિલ્લા આયોજન સમિતી દ્વારા રજુ થયેલ જિલ્લા વિકાસ પ્લાન મંજુર કરવામાં આવ્યો હતો. ખાસ સભામાં રૂ. ૧૮ કરોડના કામને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ ગ્રાન્ટના રૂપીયામાંથી ભાવનગર જિલ્લાના ૧૦ તાલુકાના ગામોમાં જુદા જુદા વિકાસના કામ કરવામાં આવશે. જિલ્લા પંચાયતના ૪૦ સભ્યને નાના ટ્રેકટર વિસ્તારમાં કામગીરી માટે અપાશે, ૧૦ તાલુકામાં જેટીંગ મશીન ડ્રેનેજ લાઈન સફાઈ માટે અપાશે, શાળાઓમાં સીસીટીવી કેમેરા ફીટ કરવા, જે આરોગ્ય કેન્દ્રમાં ડીલીવરી માટેની કામગીરી થતી હોય તેમા અધતન સાધનો સાથેની કીટ, બેડ, બાળકોને રાખવાની પેટી વગેરે અપાશે. આ ઉપરાંત જુદા જુદા કામો હાથ ધરાશે તેમ ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલે માહિતી આપતા જણાવ્યુ હતું.
અન-ટાઈડ ગ્રાન્ટમાંથી જુદા જુદા ગામોમાં અનુસુચિત જાતિ વિસ્તારમાં કોમ્પ્યુનીટી હોલનુ કામ, મોર્ડન આંગણવાડી બનાવવા માટે ખુટતી સુવિધાના કામો, આંગણવાડીમાં કમ્પાઉન્ડ વોલનુ કામ, પ્રાથમિક શાળાઓમાં બાલા પ્રોજેકટનુ આયોજન, પ્રાર્થના હોલ બનાવવાનુ કામ, તાલુકાકક્ષાના પશુ દવાખાના ખાતે એક મીડીસીન કમ ઇકિવપમેન્ટ સ્ટોર રૂમ બનાવવાનુ કામ, લો-લેવલ કોઝવે, કોઝવે સહિતના લાખો રૂપીયાના કામો હાથ ધરવામાં આવશે. ટાઈડની ગ્રાન્ટમાંથી સ્વચ્છતા અને પાણી માટેના જુદા જુદા કામો ગામડાઓમાં હાથ ધરવામાં આવશે.
ગત તા. ર સપ્ટેમ્બર ૨૦૨૧ની મળેલ સામાન્ય સભાની બેઠકની કાર્યવાહી નોંધને ધ્યાને લઈ બહાલી અપાય હતી. ગત તા. ૨ સપ્ટેમ્બર ૨૦૨૧ની ખાસ સામાન્ય સભાની બેઠકમાં થયેલ ઠરાવ અને લીધેલ નિર્ણયની અમલવારી નોંધને ધ્યાને લઈ બહાલી અપાય હતી. ગત તા. ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૧ની સામાન્ય સભાની બેઠક બાદ મળેલ જુદી-જુદી સમિતીઓની મળેલ બેઠકની કાર્યવાહી નોંધને બહાલી અપાય હતી. ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ-૨૦૭ અને ૨૦૯ મુજબ જિલ્લા પંચાયતને મળતી સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોનું વર્ષ-૨૦૨૧-૨૨ નું આયોજન મંજુર કરવામાં આવ્યુ હતું. ખાસ બેઠકમાં કોઈ ખાસ ચર્ચા થઈ ના હતી અને માત્ર ૧પ મીનીટમાં સભા પૂર્ણ થઈ ગઈ હતી.
જિલ્લા પંચાયતના ૪૦ સભ્યને નાના ટ્રેકટર વિસ્તારમાં કામગીરી માટે અપાશે, ૧૦ તાલુકામાં જેટીંગ મશીન અપાશે, શાળાઓમાં સીસીટીવી કેમેરા ફીટ કરાશે
જિલ્લામાં કામ ઝડપી પૂર્ણ થાય તેવુ આયોજન કરવુ જરૂરી
ભાવનગર જિલ્લા પંચાયતની આજની સભામાં જે કામોને મંજુરી આપી છે તે કામો ઝડપી અને સારા થાય તેમજ સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવુ આયોજન કરવુ જરૂરી છે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. સરકારી તંત્રમાં મોટી મોટી જાહેરાતો કરવામાં આવતી હોય છે પરંતુ ત્યારબાદ કેટલીક કામગીરી થતી નથી અથવા કામગીરીમાં ખુબ જ વિલંબ થતો હોય છે, આવુ ભૂતકાળમાં જોવા મળ્યુ છે ત્યારે પરિણામલક્ષી કામગીરી થાય તે માટે પગલા લેવા જરૂરી છે.