Gujarat

પાન-ફાકી ઉપરાંત હવે ચા-નાસ્તો દુકાને ઉભા રહીને ખાવાની મનાઈ

By GS Team
7 Jul 20202 mins read
This article was originally published on 7 Jul 2020
પાન-ફાકી ઉપરાંત હવે ચા-નાસ્તો  દુકાને ઉભા રહીને ખાવાની મનાઈ

- હવે ચા નાસ્તાની દુકાનો, લારીઓમાં ટેક અવે ફરજીયાતઃ  શહેરમાં હવે ઈલેક્ટ્રોનિક દુકાનો પણ ૬ વાગ્યે બંધ થશે

રાજકોટ, તા. 7 જુલાઈ 2020, મંગળવાર

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી જતા આજે મ્યુનિ.કમિશનરે જાહેરનામુ બહાર પાડીને પાનની દુકાનો ઉપરાંત આજથી ચા-નાસ્તાની હોટલો, દુકાનો તેમજ ખાણીપીણીની લારીઓમાંથી જે તે વસ્તુ ખરીદીને ત્યાંથી તુરંત જ જતા રહેવાનું એટલે કે ટેક અવેની સીસ્ટમ ફરજીયાત બનાવાઈ છે. અર્થાત્ આવી દુકાનોએ ઉભા રહીને ચાની ચૂસ્કી સાથે પફ,બિસ્કીટ સહિત નાસ્તો ખાવાની કે પાન-ફાકી ત્યાં જ ખાવાની મનાઈ ફરમાવાઈ છે. તો પોલીસ તંત્ર દ્વારા પણ પાનની દુકાનો સામે પગલા લેવાનું શરુ કરાયું છે. 

મ્યુનિ.કમિશનર ઉદીત અગ્રવાલે લોકડાઉન અને અનલોક અંગે સરકારના જાહેરનામાનો ઉલ્લેખ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની ક.૩૪ અન્વયે દુકાનદારો માટે આ હૂકમ જારી  કર્યો છે જેમાં જણાવ્યા મૂજબ પાન-માવા, ચા (ટીસ્ટોલ),ની દુકાનો અને લારીઓ તથા નાસ્તાની લારીઓ પરથી ગ્રાહકોએ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું અને દુકાનદારે કરાવવું પડશે અને જે તે વસ્તુ ખરીદીને  જતુ રહેવાનું રહેશે. 

આ પહેલા તા.૩૦-૬-૨૦૨૦ના  સી.આર.પી.સી.ની ક.૧૪૪, પોલીસ અધિનિયમ વગેરે હેઠળ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે હૂકમ જારી કર્યો હતો તેમાં પાનની દુકાનેથી ટેક અવે ફરજીયાત રખાયું હતું. જ્યારે ચા કોફીના સ્ટોલ્સ રાત્રે આઠ સુધી ખુલ્લા રાખી શકાશે તેમ જણાવાયું હતું. આમ, હવે  મ્યુનિ.કમિશનરના જાહેરનામા મૂજબ ચા-કોફીના સ્ટોલ્સ તથા નાસ્તાની લારીઓમાં પણ આ નિયમ લાગુ કરાવાશે. મ્યુનિ.કમિશનરે જણાવ્યું કે લોકોના હિતમાં સંક્રમણ પેલાતું અટકાવવા આ નિર્ણય લેવાયો છે. 

જો કે પોલીસ કમિશનર હોય કે મ્યુનિ.કમિશનર પણ નિયમનો ચૂસ્ત નિરપવાદ અમલ થાય અને માત્ર ચા-પાન-નાસ્તાની જ નહીં પણ તમામ દુકાને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થાય તે જરૂરી છે. 

બીજી તરફ પોલીસ કે મહાપાલિકાએ કોઈ પ્રતિબંધ નથી મુક્યો અને ૮ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા છૂટ આપી છે છતાં વેપારીઓ સમજીને દુકાન વહેલી બંધ કરવા લાગ્યા છે. ગઈકાલથી દાણાપીઠ, પરાબજાર સહિતની દુકાનો સાંજે ૫ વાગ્યે બંધ થવા લાગી ત્યારબાદ હવે ઈલેક્ટ્રોનિક્સ આઈટેમોના શો રૂમ્સ પણ સાંજે ૬ વાગ્યા સુધી ખુલ્લા રાખવા નિર્ણય કર્યો છે.