બરવાળા સેવા સહકારી મંડળીના બેંક ઓડીટમાં લાખોની ઉચાપત સામે આવી
- કૌભાંડ થાય અને ભીનું સંકેલવા ધમપછાડા
- તાત્કાલિક પૈસા ભરવા ચેરમેનને તાકીદ: કારોબારી સભામાં ગરમા-ગરમી, તપાસ હાથ ધરવા માગ
બરવાળા,30 ડીસેમ્બર 2019 સોમવાર
બરવાળા સેવા સહકારી મંડળીના એ.ડી.સી. બેંકના ઇન્સપેક્શનમાં ત્રણ લાખ ઉપરની ઉચાપત સામે આવતા અને કારોબારી સભામાં પણ મુદ્દો ઉઠતા વ્યાપક ગોકીરો થઇ જવા પામ્યો હતો અને જવાબદારોને બેનકાબ કરવાની માગણી ઉઠી હતી.
બરવાળા સેવા સહકારી મંડળી દ્વારા બરવાળાના ખેડૂતોને પાક-ધિરાણ અને ખાતર પુરૂ પાડવામાં આવે છે. બરવાળા સેવા સહકારી મંડળીની મિટીંગ સામાન્ય રીતે દર માસે મળતી હોય છે જેમાં હિસાબ-કિતાબ રજૂ કરવામાં આવતા હોય છે. હાલ બરવાળા સેવા સહકારી મંડળીમાં છેલ્લા ઘણા સમયથી લોલમલોલ વહીવટ ચાલી રહ્યો છે. કોઇ સહકારી મંડળીના હોદેદારો હિસાબ-કિતાબ જોતા નથી જેથી કરીને રૂડી અંધેરી નગરીને ગંડુ રાજા... જેવો ઘાટ ઘડાયો છે.
છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા કૌભાંડનો અંતે એ.ડી.સી. બેંક દ્વારા થયેલ ઇન્સપેક્શનમાં રૂા.૩,૮૬,૦૦૦ની ઉચાપત માલુમ પડતા બેંકના અધિકારીઓ દ્વારા ચેરમેન પ્રતાપભાઇ બારડને જાણ કરી તાત્કાલિક પૈસા ભરવાની તાકીદ કરી.
આમ થોડા દિવસ પહેલા બરવાળા સેવા સહકારી મંડળીની કારોબારી સભામાં આ મુદ્દો ઉઠતા ગરમા-ગરમી થઇ હતી અને ચેરમેને કબુલેલ કે નાણાંની ઉચાપત થયેલ છે.
આમ આ વાત ખેડૂતોમાં વાયુવેગે ફેલાઇ જતા બરવાળા સેવા સહકારી મંડળીના હોદેદારો સામે ખેડૂતોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. હાલ મંડળીમાં માત્ર રાસાયણિક ખાતરનો જ ધંધો કરવામાં આવે છે. ગોડાઉનમાંથી ખાતરનો જથ્થો કોણે ખાનગીમાં સગેવગે કરી બારોબાર વહેંચી દિધો જેની સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. આ કૌભાંડમાં કોણ-કોણ સામેલ છે તેની તપાસ કરવામાં આવે તો ઘણા રહસ્યો ખુલે તેમ છે.
હાલ તો મંડળીના ચેરમેન દ્વારા કૌભાંડને ભીનું સંકેલવાના પ્રયત્નો ચાલુ છે અને યેનકેન પ્રકારે રકમ એકઠી કરી ભરી દેવાનો પેતરો ચાલુ છે.