તીડ આવે તો ઢોલ-થાળી વગાડો,ખાલી ખેતરમાં રોટાવેટર ફેરવો-કૃષિ તજજ્ઞો
- વિનાશકારી તીડનું ઝૂંડ સાંજે જમીન પર બેસે, વહેલી સવારે ઉડવાનું શરૂ કરે
- કીટકો, ગુલાબી ઈયળ, પાનકથીરી, સફેદ માખી, તળછારો, થ્રીપ્સથી પાકને અને ખરવા, મોવાસા, ગળસૂંઢો, ગાંઠીયા તાવ રોગો,ઈતરડીથી પશુઓને ખતરો
રાજકોટ, તા. ૨૯ મે, ૨૦૨૦, શુક્રવાર
દેશમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કૃષિપાકને હડપ કરી જતી ખાઉધરી તીડના આક્રમણનો ખતરો તોળાઈ રહ્યો છે,સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી સહિત જિલ્લાઓમાં તીડ દેખાવા લાગી છે ત્યારે સૌરાષ્ટ્રમાં ખેતરોમાં તીડનું ઝૂંડ ધસી આવે તો શું કરવું તે અંગે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ ઝૂંડને ખેતરમાં ધામા નાંખતા અટકાવવા તેને ઉડાડવા માટે ખાલી ડબ્બા અને ઢોલ વગાડવા સૂચવ્યું છે અને જો તીડ ખાલી ખેતરમાં હોય તો તેના પર ટ્રેક્ટરનું કલ્ટીવેટર કે રોટાવેટર ફેરવીને તીડ અને ઈંડાનો નાશ કરી શકાય છે.પ્રકાશ પીંજરના ઉપયોગથી તીડને આંશિક રીતે નાથી શકાય છે.
તીડનું જૂંડ સાંજે છથી સાતના સમયગાળામાં જમીન પર બેસે છે અને સવારે ૩થી ૭-૩૦ વચ્ચેના સમયમાં ઉડવાનું શરૂ કરતી હોય છે, આ સમયગાળામાં ટ્રેક્ટર કે ફૂટ પંપથી ક્લોરપાયરીફોસ, ઈ.સી., ક્લોરપાયરીફોસ, ડેલ્ટામેથ્રીન, ડાયફ્લુબેન્ઝુરોન કે લેમડા સાયક્લોથ્રીન પૈકીની કોઈ દવાનો તીડ ઉપર અને ઈંડા મુક્યા હોય તો ત્યાં મેલેથીઓન (જે મનપા દ્વારા મચ્છર નિયંત્રણ માટે છંટાય છે) છંટકાવ કરવા સૂચવ્યું છે. આ જંતુનાશક દવાનો છંટકાવ હોય ત્યાં માણસો કે પ્રાણીઓને પ્રવેશબંધી કરવી જોઈએ. આ ઉપરાંત ખેડૂતો લીંમડાનું તેલ ૪૦ મિલિ, કપડાં ધોવાનો પાવડર ૧૦ ગ્રામ વાપરી આવા ૪૦ મિ.લિ.દ્રાવણમાં ૧૦ લિટર પાણી ઉમેરી તેનો પણ તીડ માટે ઉપયોગ કરી શકાય છે.
આ ઉપરાંત ખેતરોમાં કપાસના પાકમાં ગુલાબી ઈયળનો તો સરગવામાં ઈયળ, ભીંડામાં પાન કથીરી, તુરીયા, દુધી, ગલકાં, કારેલા, કાકડી, તરબૂચમાં સફેદ માખી, કથીરી, તળછારો જેવી જીવાતોનો, રીંગણીમાં સફેદ માખી, મરચી-લીંબુમાં પણ થ્રીપ્સ અને પાનકથીરીનો ઉપદ્રવ થાય છે જે પાકને નુક્શાન કરે છે. તો દુધાળા પશુઓમાં ખરવા, મેવાસા, ગળસૂંઢો, ગાંઠીયા તાવ જેવા ર ોગ થતા હોય છે અને પશુઓને એ માટે રસીકરણ કરાવવાનું હોય છે. બકરાંઓમાં પીપીઆર રોગો જોવા મળતા હોય છે. ઉપરાંત પશુઓને પીડા દેતો રોગ ફેલાવતી ઈતરડીનું પણ જોખમ હોય છે