પરમાત્મા જન્મદાતા છે તો ખેડૂત આપણો અન્નદાતા છે : રાજ્યપાલ
- પ્રાકૃતિક ખેતી જમીનને ફળદ્પ બનાવવા સાથે ખેડૂતને પણ સમૃધ્ધ બનાવશે
- તળાજાના ટીમાણા ગામે ઉપસ્થિત રાજ્યપાલે પ્રગતિશીલ ખેડૂતોને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અને તેનાં ફાયદા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામે ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી કરતા ટીમાણા ગામ અને તેની આસપાસના પ્રગતિશીલ ખેડૂતોને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અને તેનાં ફાયદા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપી ખેડૂત સભાને સંબોધતાં કરતાં રાજ્યપાલેે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી જમીન માટે અમૃત સમાન છે. તે જમીનને ફળદ્પ બનાવવા સાથે ખેડૂતને પણ સમૃધ્ધ બનાવશે. પરમાત્મા આપણને જન્મ આપનાર જન્મદાતા છે, પરંતુ વાસ્તવમાં અન્ન પૂરું પાડીને આપણું જીવન ટકાવી રાખનાર સાચો અન્નદાતા ખેડૂત છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે, ભૂતકાળમાં ડી.એ.પી. યુરિયા જેવાં રાસાયણિક ખાતરના ઉપયોગને કારણે જમીનમાં ખૂબ ઝેર ફેલાયું છે.આ દવા છાંટેલુ અનાજ અને ખાદ્ય પાકો આરોગવાથી આજે કેન્સર, હૃદયરોગ, ડાયાબિટીસ, કિડનીના રોગો વગેરે જેવાં રોગોનું પ્રમાણ વધ્યું છે. આજે હવે આપણને પ્રાકૃતિક ખાદ્ય પદાર્થોની સમજ પડવા લાગતાં સમાજ પ્રાકૃતિક ખાદ્ય પદાર્થો તરફ વળ્યો છે, ત્યારે આપણી પણ નૈતિક જવાબદારી અને ફરજ છે કે આપણે પણ પ્રાકૃતિક રીતે ઉગાડેલાં અનાજ અને ખાદ્ય પદાર્થોને સમાજને પૂરાં પાડીએ અને સમાજને તંદુરસ્ત બનાવીએ. હું પોતે પણ એક ખેડૂત છું.ગાયને પાળું છું. દેશની જમીન આ ઝેરી પદાર્થોથી મુક્ત થાય તે માટે પ્રાકૃતિક ખેતીના મિશન સાથે કાર્ય કરી રહ્યો છું, ત્યારે તમે પણ આવનારી પેઢીને ઉત્તમ જમીન આપવા માટે આ મિશનમાં જોડાવો તેવું આહવાન તેમણે કર્યું હતું.તેમજ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી શું છે ? તે કેવી રીતે કરી શકાય ? તેનાથી શું ફાયદો થાય છે ? ભૂતકાળમાં તેમણે પોતે પ્રાકૃતિક ખેતી માટે કરેલાં પ્રયોગો અને આવેલાં પરિણામો વગેરે બાબતે વિશદ માર્ગદર્શન ખેડૂતોને પૂરું પાડયું હતું. સાથે સાથે આ અવસરે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કર્યું હતું.
આ ખેડૂત સભામાં તળાજાના ધારાસભ્ય, જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક, એ.એસ.પી., પ્રાંત અધિકારી, પ્રાકૃતિક કૃષિ જનઅભિયાન ગુજરાત પ્રદેશના સંયોજક સહિતના મહાનુભાવો તથા જિલ્લાના કૃષિકારો ઉપસ્થિત રહ્યાં હતાં.