ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર બાંભણીયાનો ઐતિહાસિક વિજય
- ભાજપનો વિજય થતા કાર્યકરો અને સમર્થકો ગેલમાં, વિજેતા ઉમેદવારને શુભેચ્છાઓ પાઠવી
- 10.49 લાખ મતદારોએ કરેલાં મતદાન પૈકી ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાને 7.16 લાખથી વધુ આપના ઉમેદવાર ઉમેશ મકવાણાને 2.61 લાખ મત મળ્યા, પરાજિત ઉમેદવારને મળેલા કુલ મતથી બમણાંથી વધુ એટલે કે 4.55 લાખ મતોની સરસાઈથી ભાજપ વિજયી બન્યું
ભાવનગર લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી ગત તા. ૭ મેના રોજ યોજાય હતી. આજે મંગળવારે શહેરના વિદ્યાનગર ખાતે આવેલ સરકારી ઈજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરી કામગીરીના પગલે કર્મચારીઓને સવારે પ કલાકે બોલાવવામાં આવ્યા હતા અને સવારે ૭.૩૦ કલાકે ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, ત્યારબાદ સવારે ૮ કલાકે મતગણતરીનો પ્રારંભ થયો હતો. લોકસભાની ચૂંટણીની મતગણતરી સાત વિધાનસભા બેઠક મુજબ કરવામાં આવી હતી, જેમાં ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ભાવનગર ગ્રામ્ય, તળાજા, પાલિતાણા, બોટાદ અને ગઢડા વગેરે બેઠકનો સમાવેશ થાય છે. લોકસભા બેઠક પર ૧૩ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા હતા પરંતુ સીધો જંગ ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા અને ઈન્ડીયા ગઠબંધનમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા વચ્ચે હતો.
શહેરના વિદ્યાનગર સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે સવારે ૮ કલાકે ઈવીએમમાં કેદ ૧૩ ઉમેદવારોનું ભાવિ મત ગણતરીના સ્વરૂપે ખુલતાં જ રાજકીય પક્ષો - અપક્ષ ઉમેદવારોમાં ઉત્તેજના વધી, શાંતિપૂર્ણ વાતાવરણમાં સરેરાશ ૨૩ રાઉન્ડના અંતે મતગણતરી પૂર્ણ થતાં તંત્રએ રાહત અનુભવી
લોકસભાની મતગણતરી માટે વિધાનસભા મુજબ જુદા જુદા રૂમ તૈયાર કરી ૧૪ ટેબલ પર રાઉન્ડ મુજબ મતગણતરી કરવામાં આવી હતી. ચૂંટણી મતગણતરીના ૧૮ થી ર૩ રાઉન્ડ હતાં. લોકસભાની બેઠક પર પ૩.૯ર ટકા મતદાન નોંધાયુ હતુ અને કુલ ૧૦,૪૯,૦૭૮ મતદારોએ મતદાન કર્યુ હતુ, જેમાં પોસ્ટલ બેલેટના ૧૭,પ૪પ મત ગણવામાં આવ્યા હતાં. ઈવીએમના મતની ગણતરી કરવામાં આવી હતી અને આશરે ૪પ વીવીપેટની ગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરીના પ્રથમ રાઉન્ડથી જ ભાજપના મહિલા ઉમેદવારને આપ પાર્ટીના ઉમેદવાર કરતા વધુ મત મળ્યા હતા અને ત્યારબાદ તમામ રાઉન્ડમાં ભાજપના ઉમેદવારને આપના ઉમેદવાર કરતા વધુ મત મળ્યા હતા તેથી એક તરફી મુકાલબો જોવા મળ્યો હતો. મતગણતરીના અંતે ભાજપના મહિલા ઉમેદવારને કુલ ૭,૧૬,૮૮૩ મત મળ્યા હતા, જયારે આપ પાર્ટીના ઉમેદવારને ર,૬૧,પ૯૪ મત મળ્યા હતા તેથી ભાજપના ઉમેદવારનો ૪,પપ,ર૮૯ની લીડથી ઐતિહાસીક વિજય થયો હતો. ભાવનગર લોકસભા બેઠક પર પ્રથમવાર કોઈ ઉમેદવારને આટલી મોટી લીડ મળી હોવાનુ જાણવા મળેલ છે. આ ચૂંટણીમાં અન્ય ઉમેદવારની સરખામણીએ નોટાને સૌથી વધુ ૧૮,૭૬પ મત મળ્યા હતાં.
લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થતા અગ્રણી, કાર્યકર, સમર્થક ઉત્સાહમાં આવી ગયા હતા અને ઉમેદવારને શુભેચ્છાઓ પાઠવી હતી, જો કે રાજકોટના અગ્નિકાંડની ઘટનાના પગલે ભાજપે વિજય સરઘસ કાઢયુ ન હતું. આપના ઉમેદવારોનો મોટી લીડથી પરાજય થતા ઈન્ડીયા ગઠબંધનના કાર્યકરો-સમર્થકોમાં સોંપો પડી ગયો હતો. આ ચૂંટણીમાં ભાજપની બેઠક યથાવત રહી છે. પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો.
ચૂંટણી પરિણામના પગલે સરકારી કચેરીમાં રજા જેવો માહોલ
ભાવનગર લોકસભા બેઠક પર આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ચૂંટણીની મતગણતરીમાં સરકારી કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી હતી તેથી મોટાભાગના કર્મચારીઓ મતગણતરી સેન્ટર કામગીરીમાં વ્યસ્ત જોવા મળ્યા હતાં. જેના પગલે મહાપાલિકા, જિલ્લા કલેકટર કચેરી, બહુમાળી ભવન સહિતની સરકારી કચેરીમાં રજા જેવો માહોલ જોવા મળ્યો હતો. સરકારી કચેરી શરૂ હતી પરંતુ કર્મચારીઓ ચૂંટણીના પરિણામની ચર્ચા કરતા નજરે પડયા હતાં. અરજદારોની પણ પાંખી હાજરી જોવા મળી હતી. પોલીસ કર્મચારીઓ પણ બંદોબસ્તમાં હોવાથી પોલીસ મથકમાં પણ ખાસ કર્મચારીઓ જોવા મળ્યા ન હતાં.
મતગણતરી સેન્ટર પાસેના રોડ બંધ રખાતા વાહન ચાલકો પરેશાન
શહેરના વિદ્યાનગર ખાતે આવેલ સરકારી ઈજનેરી કોલેજ ખાતે આજે મતગણતરી હતી તેથી આ રોડ વહેલી સવારથી બંધ કરી દેવામાં આવ્યા હતા અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મતગણતરી સુધી રાહદારીઓ માટે રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા હતા તેથી વાહન ચાલકો પરેશાન થયા હતાં. કેટલાક વાહન ચાલકો પોલીસ કર્મચારી સાથે રકઝક કરતા પણ નજરે પડયા હતાં. રોડ બંધ હોવાથી વાહન ચાલકોને અન્ય રોડ પરથી પસાર થવુ પડયુ હતુ તેથી વાહન ચાલકો કચવાટ કરતા જોવા મળ્યા હતાં.