ભાવનગર શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક ગંગાદેરી જાળવણીના અભાવ વચ્ચે પણ હેરીટેજ
ભાવનગર, તા. 30 સપ્ટેમ્બર 2019, સોમવાર
ભાવનગરના ઘરેણા સમાન શહેરની મધ્યમાં આવેલ ગંગાછત્રીએ ઐતિહાસિક ધરોહર છે અને સને 1965થી રક્ષિત જાહેર કરાઇ છે. પરંતુ તેની જાળવણીમાં ગંભીર બેદરકારી ઉડીને આંખે વળગી રહી છે મેલા ગુંબજ પર ઉગી નિકળેલ પીપળો અને આજુબાજુની ગંદકીથી અહિ પર્યટકો પણ આવતા અટકયા છે. ત્યારે આ હેરીટેજની જાળવણી અને તેની સુરક્ષા જરૂરી બની છે.
ભાવનગર શહેરની મધ્યમાં ગંગાજળિયા તળાવની લગોલગ આવેલ ગંગાછત્રી નામના સંપુર્ણ આરસના સુંદર સ્થાપત્યને ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ સને 1875માં પાટવીકુંવર ભાવસિંહજીને જન્મ આપીને સદગત થયેલ પોતાના ગોંડલ વાળા રાણી માજીરાજબાના સ્મરણાર્થે સને 1893માં બંધાવવામાં આવેલ. રાજપૂત અને મુગલ શૈલીનું સામંજસ્ય ધરાવતી આ ગંગાછત્રી તેની અતિ બારીક કોતરણીવાળી ફુલવેલની નાજુક ભાત ધરાવતી જાળી તથા કોતરણીવાળા થાંભલાઓની વિશિષ્ટતા ધરાવે છે.
આ છત્રી મુંબઈની હુન્નર શાળાના પ્રિન્સીપાલ જહોન ગ્રિફિથ દ્વારા યોજના કરાયેલ અને તે પ્રમાણે ભાવનગર રાજ્યના જાહેર બાંધકામ શાખાની દેખરેખ હેઠળ કાઠિયાવાડના કારીગરો દ્વારા સને 1877માં આ ગંગાછત્રીનું કામ શરૂ થયું અને સને 1893 માં પૂર્ણ કરવામાં આવ્યુ. આ સ્મારકને સરકારશ્રી દ્વારા ગુજરાત પ્રાચીન સ્મારકો અને પુરાતત્વ વિષયક સ્થળો તથા અવશેષો અંગેના અધિનિયમ 25 સને 1965થી રક્ષિત જાહેર કરવામાં આવીયો છે.
પરંતુ તેની જાળવણી પ્રત્યે દેખાતી ઉદાસીનતા જવાબદાર તંત્રનું વરવુ સ્વરૂપ પ્રગટ કરે છે. હાલ આ પ્રાચિન સ્થાપત્ય કલામાં ઉપરના ગુંબજ પર પીપળો ઉગી નિકળ્યો છે. અને આ આરસ પણ ધોવાયા વગર ડાઘાડુઘી વાળો અને મેળો બન્યો છે. નગરપાલિકા દ્વારા નજીકના ગામ તળાવને કરોડોના ખર્ચે આકર્ષક લુક આપી રહ્યું છે. પરંતુ પૂરાતત્વ ખાતાને આ ગંગાદેરીની સંભાળ લેવાનું સુઝતુ નથી.