હેલ્મેટનો કાયદો શહેરી વિસ્તારમાં મરજીયાત, હાઇવે પર ફરજીયાત
- શહેરીજનો આનંદો : હેલ્મેટની પળોજણમાંથી મળી મુક્તિ
- શહેરના બાગ-બગીચા, હાઇવે પર હેલ્મેટ વેચાતા થયા બંધ : વેપારીઓએ દુકાનો પરથી હટાવ્યા
ભાવનગર, 04 ડીસેમ્બર 2019 બુધવાર
સરકારના નવા નિયમની જોગવાઇ અનુસાર હેલ્મેટનો કાયદો ફરજીયાત અમલી બનાવાતા ભારે કચવાટ જોવા મળી રહ્યો હતો અને હેલ્મેટને સાચવવામાં વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યાં હતાં જેને લઇ હેલ્મેટનો કાયદો હટાવવાની માગ ઉઠવા પામી હતી. દરમિયાન આજે સરકારે શહેરી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો મરજીયાત બનાવી દીધો છે ત્યારે હાઇવે પર હેલ્મેટ પહેરવું ફરજીયાત રહેશે. સરકારના નિર્ણયને લઇ લોકોને હેલ્મેટની પળોજણમાંથી મુક્તિ મળી છે તો બીજી તરફ બાગ-બગીચા, હાઇવે પર જાહેરમાં થતું હેલ્મેટનું વેચાણ બંધ થતું જોવા મળ્યું છે.
થોડા સમય પૂર્વે હેલ્મેટ, પીયુસી સહિતના ટ્રાફિક નિયમ દંડની જોગવાઇમાં વધારા સાથે નવો કાયદો અમલમાં મુકાયો હતો અને વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત બનાવવામાં આવ્યું હતું. હેલ્મેટના કાયદાને લઇ વાહન ચાલકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો હતો. નિયમની અમલવારી સાથે બજારોમાં હેલ્મેટની સોર્ટેજ અને પીયુસીની મસમોટી કતારો જોવા મળી હતી. હેલ્મેટને સાચવવાની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત બનતા હેલ્મેટનો નિયમ હટાવવા પ્રબળ માગ ઉઠવા પામી હતી.
દરમિયાન આજે ગુજરાત સરકારના વાહન વ્યવહાર મંત્રીએ ટ્રાફિક નિયમનમાં ફેરફાર સાથે શહેરી વિસ્તારમાં હેલ્મેટ મરજીયાત બનાવી દેતા વાહન ચાલકો અને શહેરીજનોએ ભારે હાશકારો અનુભવ્યો છે. શહેરી વિસ્તારમાં મરજીયાત પરંતુ હાઇવે તેમજ ગ્રામ્ય પટ્ટી પર હેલ્મેટ પહેરવું ફરજીયાત રહ્યું છે. નિયમ અમલીકરણ સાથે હેલ્મેટના બજારોમાં કાળા બજાર થતા જોવા મળ્યા હતાં.
તેમજ શહેરના ઘોઘાસર્કલ, શિવાજી સર્કલ, વિકટોરીયા પાર્ક, ગઢેચી વડલા સહિતના જાહેર સ્થળો પર હેલ્મેટની દુકાનો ખુલ્લી હતી તેમજ ઓટો પાર્ટ્સ સહિતની દુકાનો પર હેલ્મેટ જોવા મળી રહ્યાં હતાં. આજે શહેરી વિસ્તારમાં હેલ્મેટ મરજીયાત બનતા જાહેરમાં ખુલેલી હેલ્મેટની દુકાનો બંધ થતી તેમજ હેલ્મેટ અદ્રશ્ય થતા જોવા મળ્યા હતાં.