રાજકોટ, તા. 8 જુલાઈ, 2020, બુધવાર
સૌરાષ્ટ્રમાં સળંગ ત્રણ દિવસ સુધી પડેલા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ખેતરોમાં બે - ત્રણ દિવસ સુધી પાણી ભરાયેલા રહેતા કપાસ અને મગફળીનાં પાકને મોટુ નુકસાન થયુ છે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિદ્રારકા, જૂનાગઢ , ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લાનાં કેટલાક તાલુકાનાં ખેતરોમાંથી હજુ પણ પાણી ભરાયા છે. ખેતીવાડી વિભાગ ખેતરોમાંથી પાણી ઓસર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારમાં નુકશાની અંગેનો સર્વે હાથ ધરશે.
ગત રવિવારે ખંભાળીયા - દ્રારકા અને પોરબંદર પંથકમાં મૂશળધાર વરસાદ શરુ થયો હતો એક જ દિવસમાં ૧૮ ઈંચ અને ત્રણ દિવસમાં ૪૧ ઈંચ વરસાદ ખાબકતા આ આખા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી. ખંભાળીયા પંથકના ગામડામાં હજુ પણ ખેતરોમાં પાણી ભરાયા છે. રાજકોટ જિલ્લામાં પડધરી તાલુકાનાં ગામડાઓમાં સોમવાર અને મંગળવાર એમ બે દિવસમાં ૩૧ ઈંચ વરસાદ પડી ગયો હતો. આવી જ હાલત ઉપલેટા તાલુકાનાં મોટી પાનેલી અને ભાયાવદર વિસ્તારની છે. ખેતરો હજુ પાણીથી તરબતર છે. રાજકોટ જિલ્લાનાં આ બે તાલુકામાં પાકને સોૈથી વધુ નુકશાન થયુ છે. કપાસ અને મગફળીનાં પાકને મોટુ નુકશાન થયુ છે.
ખેતીવાડી વિભાગનાં અધિકારીઓએ જણાંવ્યા મુજબ સોૈરાષ્ટ્રનાં જુદા જુદા જિલ્લાનાં ં પૂરગ્રસ્ત તાલુકાઓમાં પાકને થયેલા નુકશાન અંગ પાણી ઉતર્યા બાદ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. ખેડૂતો દ્રારા પાણી ભરાયાની ફરિયાદો મળી છે પરંતુ આજે વરસાદે વિરામ લેતા હવે રસ્તાઓ અને ખેતરોમાંથી પાણી ઉતરી રહયા છે. રસ્તાઓ કલીયર થયા બાદ ટીમ મોકલીને પાકને નુકશાનીનો અંદાજ મેળવવામાં આવશે. રાજકોટ જિલ્લામાં પ લાખ હેકટર કરતા વધુ જમીનમાં ચોમાસુ પાકનું વાવેતર કરવામાં આવ્યુ હતુ.


