Get The App

સોરઠ પંથકમાં મેઘરાજા મહેરબાન વંથલીમાં મુશળધાર ૪ ઈંચ વરસાદ

- ગુજરાતની આસપાસ સાયકલોનિક સર્કયુલેશન,ઓફશોર ટ્રાપ

- ઓસમ ડુંગર ઉપર ચાર ઈંચ વરસાદથી તમામ તળાવો છલકાયાં જૂનાગઢમાં અઢી, વંથલી-ઉનામાં ૨ અમરેલી પંથકમાં દોઢ ઈંચ

Updated: Jul 13th, 2020

GS TEAM

Google News
Google News
સોરઠ પંથકમાં મેઘરાજા મહેરબાન વંથલીમાં મુશળધાર ૪ ઈંચ વરસાદ 1 - image


સોરઠ પંથકમાં મેઘરાજા મહેરબાન વંથલીમાં મુશળધાર ૪ ઈંચ વરસાદ 2 - image

(પ્રતિનિધિઓ દ્વારા), રાજકોટ, તા. ૧૩ જુલાઈ, ૨૦૨૦, સોમવાર

આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર ભારેથ અતિ ભારે વરસાદના સંજોગો સર્જાયા છે, અને તેની ઝાંખી કરાવતા વાદળોએ આજે આઠ જિલ્લામાં ફરી વળીને ઝાપટાંથી માંડી પાંચ ઈંચ જેટલું પાણી વરસાવી દીધું હતું. અમરેલી, સોમનાથ અને દ્વારકા જિલ્લામાં એકથી પાંચ ઈંચ, જૂનાગઢ જિલ્લામાં અર્ધાથી ચાર ઈંચ તેમજ રાજકોટ જિલ્લામાં પણ તાલુકા મથકો પર સામન્ય, પરંતુ ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ ઈંચ સુધીનો વરસાદ થઈ ગયો હતો.

રાજકોટ શહેરમાં ભારે મેઘાડંબર વચ્ચે માત્ર પાંચ મિમિ વરસાદ નોંધાયો હતો. પુષ્કળ બફારો અને કાળાડિબાંગ વાદળો હોવાથી વરસાદ તૂટી પડશે એમ લાગતું હતું પરંતુ એ ધારણા ફળી ન્હોતી. જિલ્લામાં જામકંડોરણા અને ઉપલેટા સહિત કયાંક ભારે ઝાપટાં વરસ્યા હતાં, જયારે ધોરાજીના પાટણવાવ, નાગલખડા, નાની મારડ, કાલાણા સહિતનાં ગામોમાં ૩ થી ૫ ઈંચ તેમજ પાટણવાવ નજીક ઓસમડુંગર ઉપર આજે બે કલાકમાં ૪ ઈંચ વરસાદ વરસતા ડુંગર ઉપર તમામ તળાવો છલકાયા હતાં. ઓસમ ડુંગર સહિત આજુબાજુના તમામ વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું હતું. એ જ રીતે, ભાયાવદરમાં ચાર દિવસનાં વિરામ બાદ ફરીવાર ધીમીધારે ૧ ઈંચ વરસાદ પડયો હતો.

જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી વાદળછાંયા વાતાવરણ અને બફારા વચ્ચે ઝાંપટા વરસ્યા હતાં. બપોર બાદ ચારથી છ વાગ્યા દરમ્યાન વંથલીમાં ધોધમાર વરસાદ સરૃ થયો હતો, અને બે કલાક સુધી અનરાધાર વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસી જતાં મુખ્ય માર્ગો પર તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણ ભરાયા હતાં. જયારે શાપુરના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. જૂનાગઢમાં બપોર સુધી હળવા ઝાંપટા વરસ્યા હતાં. બપોરે અઢી વાગ્યાથી ધોધમાર વરસાદ શરૃ થયો હતો. દોઢ કલાકમાં અઢી ઈંચ વરસાદ થતા મોતીબાગ, તળાવદરવાજા, વૈભવ ચોક સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. ગિરનાર તથા દાતાર વિસ્તારમાં પણ અઢી - ત્રણ ઈંચ વરસાદ થતા કાળવામાં આજે ફરી પાણી આવ્યું હતું. મેંદરડામાં એક ઈંચ, વિસાવદર અડધો ઈંચ વરસાદ થયો હતો. જયારે ભેંસાણમાં૯ મી.મી. કેશોદમાં બે અને માળીયા હાટીનામાં એક મી.મ. વરસાદ થયો હતો. 

ગીર સોમનાથમાં આજે પણ મેઘસવારી આગળ વધતાં વેરાવળ, તાલાલા, સૂત્રાપાડામાં હળવાં ભારે ઝાપટાં તેમજ ઉનામાં સાંજે પાંચથી સાત વાગ્યા દરમિયાન સૂપડાંધારે બે ઈંચ, ઉનાના બાબરીયા, દેલવાડા, આમોદ્રા, ફાટસર વગેરે ગામોમાં ૩ થી ૫ ઈંચ તેમજ ગીરગઢડામાં ધોધમાર દોઢ ઈંચ નોંધાયો છે.

અમરેલીમાં બપોર દરમ્યાન ધોધમાર સવા ઈંચ જયારે ખાંભા, જાફરાબાદ, લીલીયામાં પણ સવા ઈંચ વરસાદ પડયો હતો. સાવરકુંડલામાં પોણો ઈંચ વરસાદ બપોર દરમ્યાન પડેલ હતો જયારે બાબરામાં અડધો ઈંચ તેમજ વાડિયામાં ઝાપ્ટા પડેલ હતાં અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ થયો હતો.  ધારીમાં ઝપટાં તથા સરસીયા, જીરા ગામે પણ વરસાદ થયો હતો. સરસીયા જંગલ અને ઉપરવાસમાં વરસાદથી સરસીયાની નદીમાં પૂર આવ્યું હતું. આ સિવાય, પોરબંદર, રાણાાવ, જામજોધપુર, ચુડા, ભાણવડમાં ઝાપટાં તથા ખંભાળિયામાં આજે વધુ એક ઈંચ વરસાદ પડી ગયો છે.  ગુજરાત આસપાસ દક્ષિણ રાજસ્થાન ઉપર અને દક્ષિણ પાકિસ્તાનમાં સાયકલોનિક સર્કયુલેશન તથા દક્ષિણ મહારાષ્ટ્રમાં ઓફશોર ટ્રાફ પ્રવર્તે છે, હવામાન વિભાગે બુધવારથી ભારે વરસાદની આગાહી કરી છે.

Tags :