mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ગઢડા પંથકમાં કરા સાથે વરસાદની ધડબડાટી, રસ્તા પર બરફની ચાદર

Updated: Mar 16th, 2023

ગઢડા પંથકમાં કરા સાથે વરસાદની ધડબડાટી, રસ્તા પર બરફની ચાદર 1 - image


મોસમે કરવટ બદલી, હિમાલયની હીમવર્ષા જેવો માહોલ

કરાના વરસાદથી લોકોમાં કૌતુક, અડધો ઈંચથી વધુ વરસાદ ખાબકી ગયો ઃ બોટાદમાં વીજળીના કડાકા અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ

ગઢડા/બોટાદ: ગઢડા પંથકમાં મોસમે કરવટ બદલી હોય તેમ ભરઉનાળામાં હિમાલયની હીમવર્ષા જેવો માહોલ સર્જાયો હતો. પંથકમાં કરા સાથે વરસાદની ધડબડાટી બોલી હતી. જેના કારણે માર્ગો પર બરફની ચાદર છવાઈ જતાં બરફ વર્ષાથી લોકોમાં કૌતુક સર્જાયું હતું. ગઢડા ઉપરાંત બોટાદમાં પણ મેઘરાજાએ વીજળીના કડાકા-ભડાકા સાથે અડધો ઈંચ કમોસમી વરસાદ વરસાવી દીધો હતો.

ગઢડા પંથકમાં સાંજના ચાર કલાક બાદ વાતાવરણમાં પલટો આવતા એકાએક ઠંડા માહોલ વચ્ચે ભરઉનાળે ચોમાસાનું ઋતુ આવી ચડી હોય તેમ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગાજવીજ અને પવન સાથે વરસાદ અને કરા વરસ્યા હતા. અચાજક જ કાશ્મીર જેવો માહોલ સર્જાતા લોકોમાં નાસભાગ મચી હતી. જ્યારે આકાશમાંથી વરસી રહેલા બરફના મોટા કરાના અવાજથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ગઢડા અને આજુબાજુના ગામોમાં અડધા કલાક જેટલા સમય સુધી કરા સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર બરફની ચાદર છવાઈ ગઈ હતી. જેના કારણે વાહનચાલકો જાણે કાશ્મીર-હિમાચલ પ્રદેશમાં પહોંચી ગયા હોવાનો આભાસ થયો હતો. ઘણાં વર્ષો બાદ કરાનો વરસાદ થતાં લોકોએ કુતૂહલ સાથે કુદરતના કારનામાની મોજ માણી હતી. વરસાદનો સોપો પડી ગયો હોય તેમ જનજીવન થંભી ગયું હતું. ગઢડા ઉપરાંત તાલુકાના ઢસા, સમઢિયાળા, ઉગામેડી પીપરડી, સીતાપર સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતોે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાની લહેર પ્રસરી હતી. તો સામાન્ય લોકો સ્વેટર પહેરવા કે એસી-પંખા શરૂ કરવા ? તેવી મૂંઝવણમાં મુકાયા હતા.

બોટાદ શહેરમાં પણ આખો દિવસ દરમિયાન વાદળિયું-વરસાદી વાતાવરણ રહ્યું હતું. બાદમાં સાંજના સમયે વીજળીના કડાકા-ભડાકા અને મિની વાવાઝોડા સાથે ધોધમાર કમોસમી વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે રસ્તાઓ પરથી વરસાદના પાણી વહ્યાં હતા. બોટાદ ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ખેતીપાકોને નુકશાની જવાની ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી. જ્યારે બરવાળામાં સાંજે ૫-૩૦ કલાક આસપાસ વાતાવરણમાં અચાનક આવેલા પલટા વચ્ચે વીજળીના કડાકા-ભડાકા સાથે છુટાછવાયા છાંટા વરસ્યા હતા.

ઉગામેડી ગામે રસ્તા પર પાણીની નદી વહી

ગઢડા પંથકના ઉગામેડી ગામે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ગામના મુખ્ય માર્ગો પર જાણે નદી વહેતી હોય તેમ વાહનોના અડધા ટાયર ડૂબી જાય તેટલું પાણી વહ્યું હતું. તો પાણીને કારણે સ્કૂલના બાળકો, ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા. ઉગામેડી ગામમાં વરસાદી પાણીની સમસ્યા ઘણાં સમયથી હોવા છતાં તેનો નિકાલ કરવામાં આવતો ન હોય, ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.

બોટાદ અને ગઢડામાં અડધો ઈંચ વરસાદ

હવામાન વિભાગે કરેલી આગાહીને કારણે બોટાદ અને ગઢડા પંથકમાં આજે શુક્રવારે સમીસાંજ બાદ વીજગર્જના અને મિની વાવાઝોડા જેવા પવન સાથે કમોસમી વરસાદ ખાબકી ગયો હતો. જેના પગલે સાંજે ચારથી છ કલાકની વચ્ચે બોટાદમાં ૧૨ મિ.મી. અને ગઢડામાં ૧૩ મિ.મી. વરસાદ વરસ્યાનું ફ્લડ કંટ્રોલ વિભાગમાં સત્તાવાર રીતે નોંધાયું છે.

Gujarat