ભાવનગરમાં કાતિલ ઠંડીમાં હાર્ટએટેક, ન્યુમોનિયા અને બ્રેઈન હેમરેજના દર્દીઓ વધ્યા
- સંબંધિત દર્દીઓએ વહેલી સવારે બિનજરૂરી બહાર નિકળવાનું ટાળવુ જોઈએ
- સરકારી અને ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યામાં નોંધાઈ રહેલો ચિંતાજનક વધારો
ભાવનગર,1 જાન્યુઆરી 2020 બુધવાર
ગુજરાત સહિત દેશભરમાં આ વર્ષે રેકર્ડબ્રેક ઠંડી પડી રહી હોય લોકો રીતસરના થરથર ધુ્રજી રહ્યા છે. હાડકા થીજાવી દે તેવી આ કાતિલ ઠંડીના કારણે ભાવનગર શહેર અને જિલ્લાભરમાં હાર્ટ એટેક, ન્યુમોનિયા, બ્રેઈન હેમરેજના દર્દીઓની સંખ્યામાં ૨૫ ટકા જેટલો ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.
સામાન્ય રીતે દર વર્ષે ડિસેમ્બરના આખરી સપ્તાહમાં અને જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં કડકડતી ઠંડી પડતી હોય છે. હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ ૧૯૦૧ બાદ ચાલુ ૨૦૧૯ના વર્ષનો આ શિયાળો સૌથી વધુ ઠંડો શીયાળો હોય તેવી અનુભૂતિ સૌ કોઈને થઈ રહી છે. ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા ૧૫ દિવસથી લગાતાર તીવ્ર ઠંડી પડી રહી છે. ૧૯૯૭ બાદ હાલ સતત ૧૩ દિવસ સુધી સખત ઠંડી પડી રહી છે.
લોકો આ ભયંકર ઠંડીથી રીતસરના તોબા પોકારી ગયા છે. આકરી શીત લહેર ફરી વળતા ભાવનગર શહેર અને જિલ્લાભરમાં હાર્ટએટેક, ન્યુમોનિયા અને બ્રેઈન હેમરેજના દર્દીઓનું પ્રમાણ વધી રહ્યુ છે. એટલુ જ નહિ સ્થાનિક વિવિધ વિસ્તારોમાં આવેલા સરકારી અને ખાનગી દવાખાનાઓમાં આ રોગની સારવાર લેવા આવનાર દર્દીઓની સંખ્યામાં ૨૫ ટકા જેટલો નોંધપાત્ર વધારો જણાઈ રહ્યો છે.
ઠંડીમાં અર્લી મોર્નિંગ હાર્ટ એટેક આવવાની પ્રબળ શકયતા છે.ઠંડીની આ મોસમમાં બ્લડપ્રેશર વધવાથી વ્યકિતના હાર્ટ પર દબાણ આવે છે તેથી છાતીમાં દુખાવો થાય, પરસેવો વળવા લાગે છે અને ગભરામણ અનુભવાય ત્યારે જરાય બેદરકારી ન દાખવવા તબીબો દ્વારા સંબંધિત દર્દીઓને તાકીદ કરાઈ છે. તેમાં એસીડીટી અને અપચા જેવી લક્ષણોની પણ અવગણના ન કરવી જોઈએ. જયારે તીવ્ર ઠંડીમાં બ્રેઈનની નળીઓમાં સંકોચન થવાથી બ્લડપ્રેશર વધે છે તેથી આવા દર્દીઓએ અર્લી મોર્નિંગ ઘરમાંથી બહાર ન નિકળવુ જોઈએ.ઠંડીમાં એકસપોઝરથી બચવુ જોઈએ.