સાજા થયેલા કોરોના દર્દીઓ હવે પ્લાઝમા આપીને સિર્યસ પેશન્ટોને બચાવી પણ શકે
- બેસ્ટ આઉટ ઓફ વર્સ્ટ : પ્લાઝમા ડોનર્સ લિસ્ટ તૈયાર કરવાનો આવી ગયો તબક્કો
- ગંભીર કોરોના દર્દીઓને દવાઓથી રીકવરી આવતાં વાર લાગે, પણ ક્યોર્ડ પેશન્ટનું પ્લાઝમા ચડાવાય તો ઝડપભેર એન્ટીબોડીઝ ડેવલપ થઈ શકે
રાજકોટ, તા. 11 એપ્રિલ, 2020, રવિવાર
જે વ્યક્તિને નોવેલ કોરોના વાયરસ લાગુ પડયો હોય તેનો સંસર્ગ અન્ય અનેકને ઈન્ફેક્શન કરાવી જાય એ વાત તો જગવિદિત છે, પરંતુ એ જ દર્દીઓ સાજા થઈ ગયા બાદ કોરોના ડીસીઝના સિર્યસ પેશન્ટોને બચાવવામાં પોતાનું પ્લાઝમાં આપીને મદદરૃપ થઈ શકે એ બાબત પર આરોગ્ય તંત્રએ હવે ફોકસ કરવું જરૃરી બન્યું છે અને એક પછી એક એમ અનેક દર્દીઓ ક્યોર થવા લાગ્યા છે ત્યારે તેમનામાંથી વોલન્ટરી પ્લાઝમા ડોનર્સની યાદી તૈયાર કરી રાખવાનો તબક્કો હવે આવી પહોંચ્યો છે.
રક્તમાંનું રક્તકણ, ત્રાકકણ અને શ્વેતકણ સિવાયનું પ્રવાહી એટલે પ્લાઝમાં. માનવ શરીરમાં નોવેલ કોરોના જેવું ઈન્ફેક્શન લાગુ પડે ત્યારે શરીરમાં એન્ટીબોડીઝ ઉત્પન્ન થતા હોય છે, જેની હાજરી પ્લાઝમામાં હોય છે. આ એન્ટીબોડીઝ જે તે વાયરસ સામે લડતા રહીને માનવીને સ્વસ્થ બનાવવાની ભૂમિકા ભજવે છે. ઘણાં વ્યક્તિઓનાં શરીરમાં તે આપોઆપ (નૈસર્ગિક) ઉત્પન્ન થઈ જાય છે, તો ઘણામાં જે તે વાયરલ ઈન્ફેક્શનની સારવાર બાદ એ ડેવલપ થતા હોય છે.
ગીર-સોમનાથ જિલ્લામાં એક, પોરબંદરમાં બે, રાજકોટમાં સાતે'ક સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કેટલાંક કોરાના ડીસીઝ પેશન્ટો આઈસોલેશન વોર્ડમાંથી રજા પામીને ઘરે જતાં રહી શક્યા છે. સરકારે આવા વ્યક્તિઓમાંથી કોણ-કોણ સ્વૈચ્છિક રક્તદાન (આમ તો માત્ર પ્લાઝમા ડોનેશન જ) કરવા તૈયાર છે તેની બ્લડગૂ્રપવાઈઝ યાદી તૈયાર કરી લેવી જોઈએ એમ જણાવતા નિષ્ણાત તબીબો ઉમેરે છે કે કોરોના વાયરસ ડીસીઝની ટ્રીટમેન્ટ બાદ દર્દીઓના શરીરમાં એન્ટીબોડીઝ ઉત્પન્ન થઈ ગયા હોય છે, પરંતુ સતત બે રિપોર્ટ નેગેટિવ આવે તેના સાત દિવસ પછીથી તે પ્લાઝમાં ડોનેટ કરી શકે. એમનું પ્લાઝમાં કોરોના ડીસીઝના સિર્યસ પેશન્ટને ઈન્જેક્ટ કરવાથી એ ગંભીર દર્દીને એન્ટીબોડીઝ રેડીમેઈડ મળી જાય અને રીકવરી ઝડપથી અૃાવી શકે. અન્યથા, દવાઓથી એન્ટીબોડીઝ ડેવલપ થતાં સમય લાગી જાય, અને એ દરમિયાન સિર્યસ પેશન્ટની હાલત કથળે તો તેને ઉગારવામાં પડકાર ઊભો થઈ શકે.
નોંધનીય છે કે, વ્હૂલ બ્લડ બે વખત ડોનેટ કરવામાં વચ્ચે ત્રણ મહિનાનો ગાળો પસાર થવા દેવો પડે છે, પરંતુ માત્ર પ્લાઝમાં જ જો કોઈના શરીરમાંથી લેવામાં આવે તો ત્રણ માસથી ઓછા સમયમાં વધુ વાર પ્લાઝમાં લેવાનું પણ શક્ય છે.