રાણપરીના હવસખોર ઢગાએ 10 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું
- પૈસા, ચોકલેટ અને મીઠાઈ આપી નાબાલિકને હવસનો શિકાર બનાવી
- વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી, ફરિયાદ નોંધ્યાના ગણતરીના સમયમાં જ ઢગાને વડોદરા ક્રાઈમ બ્રાંચે ઉઠાવી લીધો
ચકચાર મચાવનારી ઘટના અંગે મળતી વિગત અનુસાર બરવાળાના રાણપરી ગામે રહેતો વલીખાન મહમદખાન વડિયા નામ નરાધમ શખ્સ ધો.૫માં અભ્યાસ કરતી આશરે ૧૦-૧૧ વર્ષની એક નાબાલિક બાળકીને પૈસા, ચોકલેટ અને મીઠાઈ આપી તેણી સાથે અવાર-નવાર અડપલા કરતો હતો. જે વાતની જાણ થતાં બે-ત્રણ જાગૃત યુવાનોએ શખ્સ ઉપર નજર રાખી હતી. દરમિયાનમાં પાંચ-છ દિવસ પહેલા નરાધમ વલી વડિયાએ સગીરાને જાનથી મારી નાંખવા ધમકી આપી પોતાના વંડે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે યુવાનોએ તેની કાળી કરતૂતને મોબાઈલમાં કેદ કરી લઈ સમગ્ર બનાવ બાબતે આગેવાનો, આફતગ્રસ્તના વાલીને જાણ કરી હતી. જેથી ભોગ બનનારી સગીરાના વાલીએ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરતા નરાધમ શખ્સ રાણપરી મુકી વડોદરા તરફ ભાગી ગયો હતો. જ્યારે ઘટના સંદર્ભે આજે શુક્રવારે બરવાળા પોલીસ મથકમાં વલી મહમદખાન વડિયા સામે આઈપીસી ૩૭૬ (ર) (જે), ૩૭૬ (૩), ૩૫૪એ (૧) (આઈ), ૫૦૬ (ર), પોક્સો કલમ ૩એ, ૪, ૫ (એ), ૬, ૭, ૮, ૧૧ (૬), ૧૨ મુજબ સત્તાવાર રીતે ફરિયાદ દાખલ થતા પોલીસે નરાધમને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.
દરમિયાનમાં આ શખ્સનું મોબાઈલ લોકેશન ટ્રેસ કરી બરવાળા પોલીસે અગાઉ બરવાળામાં ફરજ બજાવી ચુકેલા અને હાલ વડોદરા એલસીબી ઝોન-૩માં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ભગીરથસિંહ જી.વાળાને જાણ કરતા એલસીબીની ટીમે વાસણા-ભાયલી રોડ પર આવેલી નંદ હોસ્પિટલ પાસે વોચ ગોઠવી દુષ્કર્મ ગુજારી નાસી છુટેલો વલી વડિયાને ઝડપી લીધો હતો. જેની જાણ થતાં બરવાળા પોલીસ શખ્સનો કબજો લેવા વડોદરા રવાના થઈ હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનિય છે કે, વિકૃત માનસિકતા ધરાવતા હવસખોર ઢગાએ અગાઉ પણ બે-ત્રણ સગીરા સાથે અડપલા કર્યા હોવાનું બહાર આવ્યું છે. દીકરી સમાન સગીરા સાથે કુકર્મ કરનાર શખ્સ સામે સમગ્ર પંથકમાં ફિટકારની લાગણી વરસી રહી છે.