હાથબ અગ્નિસ્નાન : સારવારમાં રહેલી મોટી પુત્રીનું મોત, માતા સામે હત્યાની કલમ ઉમેરાઈ

- બે દિવસ પૂર્વે હાથબ બંગલા પાસે માતાએ બે પુત્રી સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો
- માતા અને અન્ય એક પુત્રી હજુ પણ સારવારમાં : સારવાર પૂર્ણ થયા બાદ પોલીસ અટકાયતી પગલાં સહિતની કાર્યવાહી કરશે : પુત્રીના મોતના પગલે ભારે ગમગીની
ઘોઘા તાલુકાના હાથબ ગામે હાથબ બંગલા પાસે આવેલા જંગલ વિસ્તારમાં બે દિવસ પૂર્વે નયનાબેન ઉર્ફે નીતાબેન ભાવેશભાઈ ગોહિલ પોતાની બે પુત્રીઓ પ્રતિક્ષાબેન અને ઉર્વશીબેન સાથે અગ્નિસ્નાન કરી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગંભીર રીતે દાઝેલી માતા-પુત્રીઓને પ્રથમ કોળિયાક સરકારી હોસ્પિટલ બાદ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલા અને તેની મોટી દિકરીની તબિયત નાજૂક હોવાનું હોસ્પિટલ સૂત્રો તરફથી જાણવ્યા મળ્યું છે. હાથબ અગ્નિસ્નાનના આ ચકચારી કેસની પોલીસની પ્રાથમિક તપાસમાં ઘરકંકાસના કારણે આ પગલુ ભર્યું હોવાનું સામે આવ્યા હતું. આ મામલે બે દિવસ પૂર્વે મહિલાના પિતાએ મહિલાને તેના સાસુ-સસરા અને દિયર દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાથી આ પગલું ભર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બીજી તરફ ગઈકાલે મહિલાના પતિએ પણ તેમના પત્નિ વિરૂદ્ધ બંને બાળકીના હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આજે સર ટી.હોસ્પિટલના બર્ન્સ વૉર્ડમાં મોટી દિકરી પ્રતિક્ષાબેન (ઉ.વ.૯)નું સારવાર દરમિયાન મોત નિપજતા ગઈકાલે ઘોઘાપોલીસ મથકમાં નોંધાયેલી હત્યાના પ્રયાસની ફરિયાદમાં હત્યાની કલમો ઉમેરી આગળની તજવીજ હાથ ધરી છે જ્યારે આ કેસમાં આરોપી મહિલા નયનાબેન ઉર્ફે નીતાબેન ભાવેશભાઈ ગોહિલની સારવાર ચાલતી હોય તેમની સારવાર પૂર્ણ થયે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

