ભાવનગર: નેશનલ રેન્કીંગ ટેબલ ટેનિસમાં હરિયાણાના ખેલાડી ચેમ્પિયન
ભાવનગર, તા. 11 નવેમ્બર 2019, સોમવાર
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી યુટીટી નેશનલ રેન્કિંગ (સેન્ટ્રલ ઝોન) ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં હરિયાણાએ દબદબો જાળવી રાખ્યો હતો કેમ કે તેના સૌમ્યજિત ઘોષે ત્રણ વર્ષમાં પહેલી વાર ટાઇટલ જીત્યું હતું તો વિમેન્સમાં સુતિર્થા મુખરજીએ આ સિઝનનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું. હરિયાણાના જ બે ખેલાડી વચ્ચે રમાયેલી મેન્સ સિંગલ્સની ફાઇનલમાં સૌમ્યજિત ઘોષે જીત ચંદ્રાને ૪-૧થી હરાવ્યો હતો તો સુતિર્થા મુખરજીએ વેસ્ટ બંગાળની પ્રાપ્તિ સેનને ૪-૩થી હરાવવા માટે સંઘર્ષ કરવો પડયો હતો.
મોટા ભાગના ક્રમાંકિત ખેલાડીઓ બહાર થઈ ગયા બાદ સૌમ્યજિત માટે માર્ગ આસાન બની ગયો હતો પરંતુ તેને જીત સામે મુકાબલો કરવાનો હતો. ઘોષના સદનસીબે તેનો હરીફ અને ભૂતપૂર્વ નેશનલ ચેમ્પિયન જીત ચંદ્રા ઇજાગ્રસ્ત થયો હતો. આમ છતાં તેણે લડત આપી હતી. સૌમ્યજિત ૨૦૧૭માં રાંચી ખાતેની સિનિયર નેશનલ્સની ફાઇનલમાં પહોંચ્યો હતો. તે અગાઉ તે ૨૦૧૭ની નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં રમ્યો હતો પરંતુ ખાસ પ્રભાવ દાખવી શક્યો ન હતો.
જીત ખાસ ફોર્મમાં ન હતો તો ઘોષે સાતત્ય દાખવ્યું હતું. ખાસ કરીને સૌમ્યજીત ફાઇનલમાં પ્રવેશ્યો ત્યારે રોમાંચક મુકાબલાની અપેક્ષા રખાતી હતી. બંને ખેલાડી ફાઇનલમાં પ્રવેશવાના હકદાર હતા. પ્રાપ્તિ સામેના મુકાબલામાં સુતિર્થા 1-2થી પાછળ હોવા છતાં તેણે શાનદાર દેખાવ કર્યો હતો અને પોતે શ્રેષ્ઠ છે તેમ પુરવાર કરી દીધું હતું.
પ્રાપ્તિ આ અગાઉ યૂથની ફાઇનલમાં પણ રમી હતી જેને કારણે તે થાકેલી જણાતી હતી. ચોથી ગેમમાં તેણે બે પોઇન્ટ મેળવ્યા હતા અને ત્યાર બાદની ગેમમાં તેણે પુનરાગમન કર્યું હતું તેમ છતાં હરિયાણાની ખેલાડીએ પોતાનું પ્રભુત્વ જમાવી દીધું હતું. ગુજરાતના ખેલાડીઓનો દેખાવ મેન્સ અને વિમેન્સ વિભાગમાં નબળો રહ્યો હતો.
ગુજરાતના ખેલાડીઓ માટે મિશ્ર દિવસ
સોમવારનો દિવસ ગુજરાતના ખેલાડીઓ માટે મિશ્ર સફળતા લાવનારો રહ્યો હતો. ઇશાન હિંગોરાણી. હષલ કોઠારી અને ધૈર્ય પરમારનો પરાજય થયો હતો પરંતુ નામના જયસ્વાલ, આફ્રેન મુરાદ અને ચિત્રાક્ષ ભટ્ટે પોતપોતાની કેટેગરીમાં પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. જુનિયર ગર્લ્સ વિભાગમાં નામના જયસ્વાલે મહારાષ્ટ્રની સયાલી વાણીને હરાવી હતી તો સુરતની આફ્રેન મુરાદે તામિલનાડુની શ્રિયા આનંદને હરાવીને પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
દરમિયાન અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટે જુનિયર બોયઝમાં આગેકૂચ કરી છે. તેણે વેસ્ટ બંગાળના અનિકેત સેન ચૌધરીને હરાવ્યો હતો. ચિત્રાક્ષે પ્રથમ ગેમ ગુમાવી હતી પરંતુ મેચ આગળ ધપતી ગઈ તેમ તેણે વર્ચસ્વ જમાવી દીધું હતું અને અંતે મેચ જીતી લીધી હતી. જોકે અન્ય અમદાવાદી ખેલાડી ધૈર્ય પરમાર વિજયકૂચ જાળવી શક્યો ન હતો. જુનિયર બોયઝ ઇવેન્ટમાં શ્રેયસ ગોયેલ સામે હારી જતાં તે ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગયો હતો જ્યારે ભાવનગરના હષલ કોઠારીનો દીનદયાલન વિશ્વા સામે પરાજય થયો હતો. યૂથ બોયઝમાં દિલ્હીના યશાંશ મલિક સામે કચ્છના ઇશાન હિંગોરાણીનો પરાજય થયો હતો.
જીત અને અનુષ્કાએ ગોલ્ડ જીત્યો
યૂથ બોયઝની ફાઇનલમાં પોતાની પીઠની સમસ્યાને એક તરફ રાખીને જીત ચંદ્રાએ મહારાષ્ટ્રના દિપીત આર. પાટિલને 4-0થી હરાવીને ટ્રોફી જીતી હતી. યૂથ ગર્લ્સનું ટાઇટલ મધ્ય પ્રદેશની અનુષ્કા કુતુમ્બાલેએ જીત્યું હતું જેણે વેસ્ટ બંગાળની હરીફ પ્રાપ્તિ સેનને 4-0થી હરાવી હતી. મિક્સ ડબલ્સની ફાઇનલમાં પાયસ જૈન અને વંશિકા ભાર્ગવાએ રેલવેના અનિરબાન ઘોષ અને શ્રુતિ અમૃતેની જોડીને 2-0થી હરાવી હતી.