ગુજરાતમાં ફરી માસ્ક ફરજિયાત : શાળાઓમાં બાળકો માટે ફરજિયાત માસ્કનો આદેશ
રાજકોટ, તા. 20 જૂન 2022, સોમવાર
ભારતની સાથે ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓએથી સૌથી વધુ કેસ પકડાઈ રહ્યાં છે તેથી સરકાર અને સ્વાસ્થ્ય વિભાગો દ્વારા માસ્ક અવશ્ય પહેરવાનું સૂચન કરાયું છે પરંતુ હવે ગુજરાતની આ જિલ્લા અને શહેરમાં વિદ્યાર્થીઓને માસ્ક ફરજિયાત પહેરવા આદેશ કરાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ કોરોના કેસ વધતા ઝડપી નિર્ણય કર્યો છે. આદેશ અનુસાર વિદ્યાર્થીઓ શાળામાં ફરજિયાત માસ્ક પહેરીને જ આવવા સૂચન કરાયું છે. કોરોનાના કેસ ઘટતા અગાઉ અમુક નિયમોમાં છૂટછાટ આપવામાં આવી હતી પરંતુ હવે ફરી કોરોનાની આશંકિત નવી લહેરને પગલે નિયમો ફરી લાગુ થઈ રહ્યાં છે અને તેનું કડક અમલીકરણ કરાવવા પણ આદેશ કરાયા છે.
રાજકોટ જિલ્લા અને શહેરમાં કોરોનાના ધીમે ધીમે વધતા કેસોને ધ્યાને લઇ જિલ્લા શિક્ષણાધીકારી બી.એસ.કૈલા દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણોના વિદ્યાર્થીઓ માટે આ મહત્વનો નિર્ણય સોમવારે લેવામાં આવ્યો છે. આ સિવાય અધિકારીએ તમામ સ્કૂલોને કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે જરૂરી તકેદારી રાખવા કોવિડ19 માટે જાહેર કરવામાં આવેલ SOP એટલેકે માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા સૂચના અપાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે જ રાજકોટ સહિત ગુજરાતભરમાં કોરોનાનું સંક્રમણ વધવાની ભીતિએ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કોરોનાના કેસ ઓછા હોવા છતા ટેસ્ટની સંખ્યામાં વધારો કરવા આદેશ કર્યો હતો. તેમણે દૈનિક 900 ટેસ્ટથી વધારી 1500 ટેસ્ટ કરવા આદેશ કર્યો હતો.
આ સાથે રાજકોટ મનપાએ લોકોને માસ્ક પહેરવા પણ અપીલ કરી હતી અને કોવિડ 19 સંક્રમણ અટકાવવા માટે જરૂરી તકેદારી રાખવા સલાહ આપી હતી.