- વીરપુર જતા રોડ ઉપર જોવા મળી છે ધોરણ 10ની ઉત્તરવહી પદયાત્રિકો દ્વારા વીડિયો વાયરલ કરાયો.
રાજકોટ, તા.18 માર્ચ 2020, બુધવાર
રાજકોટથી વીરપુર જઈ રહેલા પદયાત્રિકોને આજે સવારે સાત વાગ્યાની આસપાસ વીરપુર નજીક જાહેર માર્ગ ઉપર અંદાજે 1000થી 1200 જેટલી ધો.10ની વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની ઉત્તરવહી રસ્તા ઉપર રઝળતી હાલતમાં જોવા મળી હતી. આ ઉત્તરવહી મૂલ્યાંકન કેન્દ્રમાં પરીક્ષણ માટે લઈ જવાની હશે તે સમય દરમિયાન વાહનમાંથી નીચે પડી જવાની સંભાવના પણ યાત્રિકોએ દર્શાવી છે. જેનો વીડિયો વાયરલ થતાં શિક્ષણ બોર્ડની ઘોર બેદરકારી સામે આવી છે.
તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધો.10ની પરીક્ષા લેવામાં આવી છે. તે પરીક્ષાની ઉત્તરવહીઓનુ મૂલ્યાંકન આવતીકાલ તા.19થી શરૂ થવાનો છે તે પહેલા જ આજરોજ રાજકોટથી વીરપુર જતા પદયાત્રિકોને ધો.10ની તા.7 માર્ચ 2020ના રોજ લેવામાં આવેલી વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની પરીક્ષાની ઉત્તરવહીઓ રસ્તે રઝળતી જોવા મળી હતી. જે ઉત્તરવહી વીરપુર બાજુ પરીક્ષણ માટે મોકલવામાં આવી હશે તે સમય દરમિયાન વાહન ચાલકની બેદરકારીના લીધે રોડ ઉપર પડી હોવાની સંભાવના સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
ધો.10ની ઉત્તરવહીની ચકાસણી માટે વીરપુર, ગોંડલ, ધોરાજી-ઉપલેટા સહિતના કેન્દ્રોમાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની કામગીરી સોંપવામાં આવી છે ત્યારે આ ઉત્તરવહી કયા મૂલ્યાંકન કેન્દ્ર અને સોંપવામાં આવી હશે એ વિગતો હજુ જાણવા મળી નથી. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઇરલ થયો છે તેમાં રાજકોટ- ગોંડલ હાઇવે ઉપર સંખ્યાબંધ ઉત્તરવહીઓ રસ્તે રઝળતી જોવા મળે છે એ રસ્તા ઉપર વાહનો પુરપાટ દોડવા હોવાનું પણ જોવા મળે છે. તા.19થી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર શરૂ થાય તે પહેલા વીરપુર નજીક મોટી માત્રામાં ઉત્તરવહીનો જથ્થો જોવા મળતા આ મુદ્દો આજે શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞોમાં ચર્ચાસ્પદ બન્યો છે.
ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોડ ઉપર: વીરપુર હાઈવે પર ધો.10-12ની ઉત્તરવહીઓ રઝળતી મળી#Rajkot #VirpurHighway #GujaratBoard #ExaminationPaper pic.twitter.com/Uxw5orD1Qz
— Gujarat Samachar (@gujratsamachar) March 18, 2020
શું કહ્યું ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ?
જેતપુર હાઈવે પર મળી આવેલી ઉત્તરવહી અંગે રાજ્યના શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપ્યા. રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, આ મામલે શિક્ષણ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી અને અધિકારીઓ વિરપુર જવના રવાના થયા. આ ઘટનામાં જે જવાબદાર હશે તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે વીરપુર હાઈવે પર મોટી સંખ્યામાં ધોરણ ૧૦ની પરીક્ષાના પેપર મળી આવ્યા હતા. જેથી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.
DEO સહિતના અધિકારીઓ થયા દોડતા
વીરપુર નેશનલ હાઈવે પર બોર્ડની પરીક્ષાના પેપર મળી આવતા ડીઈઓ સહિતના અધિકારીઓ દોડતા થયા. જીએસટીવીના અહેવાલ બાદ તંત્રને સમગ્ર મામલો ધ્યાને આવ્યો. ત્યારે ડીઈઓએ પેપર એકત્ર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. એસએસસી બોર્ડની પરીક્ષાના પેપર વીરપુર નેશનલ હાઈવે પર રળઝળતી હાલતે મળી આવતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી. ચાલુ વર્ષે વિરપુરમાં પેપર ચેકીંગનું મધ્યસ્થ કેન્દ્ર ફાળવ્યું છે. જેથી સવારે એસએસસી બોર્ડના પેપરો ચકાસણી માટે આવેલા એક શિક્ષકને આ પેપર મળી આવ્યા હતા. આ પેપરો જોતા તેની સીરીઝ A1 છે એટલે આ મહેસાણા જિલ્લાના પેપર હોવાનું સામે આવ્યુ હતુ. એટલે પેપરો રસ્તે રઝળતા કરીને વિદ્યાર્થીઓના ભાવિ સાથે આવી રીતે ચેડા થતા હોવાનું નજરે પડ્યું છે.
એસટી બસના ચાલકને મળી ઉતરવહીઓ
વીરપુર નેશનલ હાઇવે પર મળી આવેલી ઉત્તરવાહી ગાડીમાં ધોરણ 10ની વિજ્ઞાન અને ગુજરાતી વિષયની હતી. આ ઉતરવહીઓ એસટી બસના ચાલકને મળી હતી. જે તેને વીરપુર બસ ડેપો ખાતે જમા કરાવી હતી. વિજ્ઞાન વિષયની ઉતરવહીઓ વીરપુરના પાલા કેન્દ્ર ખાતે ઉતારવાની હતી જ્યારે ધોરણ 10 ગુજરાતી વિષયની ઉતરવહીઓ કેશોદ ખાતે ઉતારવાની હતી. મધ્યરાતે બોર્ડના કર્મચારીઓ વીરપુર ખાતે પહોંચ્યા હતા પણ તેઓ પાલા કેન્દ્ર ખાતે વિજ્ઞાન વિષયની ઉતરવહીઓ ઉતારી ન હતી કેશોદ ખાતે રવાના થયા હતા. વીરપુર ખાતે પડી ગયેલી તમામ ઉતરવહીઓ ઉત્તર ગુજરાતની હોવાનું સામે આવી રહ્યું છે.
સળગતા સવાલ
- એસએસસી બોર્ડની પરીક્ષાના પેપર આ રીતે રસ્તા પર કોને ફેંક્યા?
- વિદ્યાર્થીઓના ભાવિ સાથે કોણ ચેડાં કરી રહ્યું છે?
- પેપર રસ્તે રઝળતા મૂકવા માટે કોણ જવાબદાર?
- તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે?
- કોણ છે વિદ્યાર્થીઓના દુશ્મન?
- પેપર એ સીરીઝના છે એટલે મહેસાણા જિલ્લાના પેપર છે તો તે પેપર વીરપુર નેશનલ હાઈવે પર કઈ રીતે પહાંચ્યા?
- પેપર ચેકીંગના બદલે રસ્તા પર રઝળતા કઈ રીતે મળી આવ્યાં?


