Get The App

ભાવનગર: કપાસ અને બાજરીની આડમાં થયું હતું લીલા ગાંજાનું વાવેતર

Updated: Nov 12th, 2019

GS TEAM

Google News
Google News
ભાવનગર: કપાસ અને બાજરીની આડમાં થયું હતું લીલા ગાંજાનું વાવેતર 1 - image
ભાવનગર, તા. 12 નવેમ્બર 2019, મંગળવાર

મહુવા તાલુકાના મોણપર ગામે મળેલ પૂર્વ બાતમીના આધારે સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપ અને ક્રાઈમ બ્રાંચની ટીમે ઓપરેશન હાથ ધરી વાડીમાં કપાસ અને બાજરીની આડમાં ઉગાવાયેલું લીલા ગાંજાનું મસ મોટું વાવેતર ઝડપી પાડી વાડી માલીકને રૂપિયા 15.85 લાખના ગાંજા સાથે ઝડપી પાડયો હતો. રાત્રિ દરમિયાન શરૂ થયેલ ઓપરેશન વહેલી સવારે પૂર્ણ થયા બાદ બગદાણા પોલીસ મથકમાં શખસ સામે ગુનો નોંધાવા પામ્યો હતો.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર મહુવા તાલુકાના મોણપર ગામે રહેતા સંજય ધરમશીભાઈ પાંડવના કબજા ભોગવટાની ગામ સીમાડે કાદવાડી સીમ તરીકે ઓળખાતી વાડીએ ગાંજાનું વાવેતર થયું હોવાનું મળેલી પૂર્વ બાતમી હકીકત રાહે સ્પેશ્યલ ઓપરેશન ગૃપ અને ક્રાઈમ બ્રાંચની ટીમે ગત રાત્રિના ઓપરેશન હાથ ધરી વાડીમાં રેડ કરી તપાસ હાથ ધરતા કપાસ અને જુવારના ઉભા પાક વચ્ચે ગાંજાના છોડનું વાવેતર મળી આવતા ગાંજાના છોડના પરીક્ષણ અર્થે એફ.એસ.એલ.ને જાણ કરાતા એફ.એસ.એલ. અધિકારી પંડયા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો.

દરમિયાન ગાંજો હોવાનું ખુલતા વાડીમાંથી લીલા ગાંજાના 405 છોડ વજન 317.140 કિલોગ્રામ કિંમત રૂપિયા 15,85,700નો મુદ્દામાલ કબજે લઈ વાડી માલીક સંજય ધરમશીભાઈ પાંડવ (ઉ.વ.27, રે. મોણપર)ની ધરપકડ કરી લઈ તેના વિરૂધ્ધ સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપના હે.કો. મહાવીરસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવતા બગદાણા પોલીસે શખસ સામે એન.ડી.પી.એસ. એક્ટ 8(બી)(સી), 20(એ)(બી) મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. એસ.ઓ.જી. અને એલ.સી.બી.એ. રાત્રિના હાથ ધરેલ ઓપરેશન વહેલી સવારે પૂર્ણ થવા પામ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

વાડીના સવા બે વીઘા પાકમાં ગાંજાના છોડવા વાવ્યા હતા

મહુવા તાલુકાના મોણપર ગામે ગત રાત્રીના સુમારે SOG અને ક્રાઇમ બ્રાંચની ટીમે કાદવાડી સીમ તરીકે ઓળખાતી સંજય પાંડવની વાડીમાં રેડ કરી મસમોટો લીલા ગાંજાનો જથ્થો ઝડપી પાડયો હતો. સંજયે પોતાના કબજા ભોગવટાની 7 વીઘાની વાડીમાં સવા બે વીઘામાં કપાસ અને જુવારનું વાવેતર કર્યા બાદ તેમાં પાકની આડમાં ગાંજાના છોડવાનું વાવેતર કર્યું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું.
Tags :