આજથી તબક્કાવાર જિલ્લાના માર્કેટીંગ યાર્ડમાં અનાજ-કઠોળની હરાજી શરૂ કરાશે
- ખેડૂતોના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ
- ખેડૂતોની આર્થિક સંકડામણ અને જીવન જરૂરી વસ્તુ નિયમિતપણે મળી રહે તે હેતુ લેવાયો નિર્ણય : સોશિયલ ડિસ્ટન્સ ખાસ જાળવવા કડક સુચનાનું પાલન જરૂરી
ભાવનગર, તા.16 એપ્રિલ 2020, ગુરૂવાર
રવિ સિઝન બાદ ખેત ઉત્પાદન વેચાણ નહીં થઇ શકવાને લીધે ખેડૂતો આર્થિક સંકડામણમાં મુકાયા છે તો જીવન જરૂરી ચીજવસ્તુઓ લોકોને મળી રહે જે અંગે બહાર પાડેલ માર્ગદર્શિકામાં સાથે બેઠક મળી હતી જેમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી અનાજ માર્કેટ યાર્ડ શરૂ કરવા સુનિશ્ચિત કરાયું છે જે માટે ખેડૂતોનું રજીસ્ટ્રેશન આજથી શરૂ કરાયું છે.
લોક ડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં મોટાભાગના અનાજ માર્કેટ યાર્ડ બંધ છે. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીની રાહબરી હેઠળ લોકડાઉનના સમયગાળામાં રવિ સિજન બાદ ખેડુતોના ખેત ઉત્પાદન વેચાણ નહીં થઇ શકવાને લીધે ખેડુતોને ભોગવવી પડતી આથક સંકડામણ તેમજ બીજી તરફ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ લોકોને નિયમિતપણે મળી રહે તેની પણ સરકાર દ્વારા કાળજી લેવાઇ રહી છે.
રાજ્ય સરકારની માર્ગદર્શીકા અને નિયામક, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગરની સૂચના અનુસાર જીલ્લામાં માર્કેટીંગ યાર્ડમાં અનાજ/કઠોળનુ માર્કેટ શરૂ કરવાના હેતુસર જિલ્લા કક્ષાની સમિતિની ભાવનગરની મીટીંગ તા.૧૫/૦૪ રોજ મળી હતી. જેમાં જીલ્લા રજીસ્ટ્રાર, જીલ્લા ખેતીવાડી અધિકારી, બાગાયત અધિકારી તથા ભાવનગર, મહુવા, તળાજા, પાલીતાણાના ચેરમેન/ સેક્રેટરીઓએ હાજરી આપી હતી.
આ મીટીંગમાં નક્કી થયા મુજબ કોરોના વાયરસનું સંક્રમણ ન થાય તથા સોશિયલ ડીસ્ટન્સ જળવાઇ રહે તે બાબતોને ધ્યાને રાખીને બજાર સમિતિમાં અનાજ માર્કેટ યાર્ડ શરૂ કરવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યુ છે. ખેડુતોએ અનાજ, કઠોળ વેચાણ માટે માર્કેટીંગ યાર્ડમાં લાવતા પહેલા જે-તે માર્કેટીંગ યાર્ડમા જણાવેલ ફોન નં. પર રજીસ્ટ્રેશન તા.૧૬/૪થી કરવામાં આવશે. જે મુજબ ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં ફોન નં.૦૨૭૮-૨૪૪૫૫૨૨ પર સંપર્ક કરવાનો રહેશે.
ભાવનગરમા તા.૨૦/૦૪થી અનાજ માર્કેટ પણ શરૂ કરવામાં આવશે. પાલીતાણામાં અનાજ માર્કેટ તા.૧૮/૪થી શરૂ થશે. જેના રજીસ્ટ્રેશન માટે ૦૨૮૪૮-૨૫૨૨૨૦ પર સંપર્ક કરવાનો રહેશે. મહુવા માર્કેટીંગ યાર્ડમાં રજીસ્ટ્રેશન માટે ૯૯૯૮૫૫૪૧૭૦નો સંપર્ક કરવાનો રહેશે. મહુવામાં અનાજ માર્કેટ તા.૧૭/૪થી શરૂ થશે.
તળાજા માર્કેટ યાર્ડમાં રજીસ્ટેશન માટે ૦૨૮૪૨-૨૪૦૯૭૮ પર સંપર્ક કરવાનો રહેશે. તળાજામા અનાજ, કઠોળ ખરીદ કરતા વેપારીઓ રાજકોટ, ગોંડલ જેવા મોટા માર્કેટીંગ યાર્ડના વેપારીઓને માલ મોકલતા હોય આ માર્કેટીંગ યાર્ડ શરૂ થયા બાદ તળાજામાં અનાજ માર્કેટ શરૂ કરવામાં આવશે. જે અંગે નોંધણી થયેલ ખેડુતોને ફોનથી જાણ કરવામાં આવશે.
આ ઉપરાંત મહુવામાં સફેદ ડુંગળીનુ વેચાણ ચાલુ છે અને લાલ ડુંગળીનુ વેચાણ તા.૧૬/૪ થી સોમવાર અને ગુરુવાર એમ અઠવાડીયામાં બે વખત કરવા નક્કી કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત ભાવનગરમાં પણ રજીસ્ટ્રેશન થયેલ ખેડુતની લાલ ડુંગળીનુ વેચાણ તા.૧૮/૪ થી શરૂ કરવામાં આવશે.
રજીસ્ટ્રેશન કરાવ્યા વગરના ખેડૂતોને નો એન્ટ્રી
અનાજ માર્કેટમાં માલ લઇને આવતા ખેડુતોએ નિયત સૂચનાઓનું પાલન કરવુ ફરજીયાત છે. જેમ કે, ખેત ઉત્પાદન વેચવા ઇચ્છતા ખેડુતે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવીને જ પોતાનો માલ માર્કેટીંગ યાર્ડમાં લાવવાનો રહેશે. ખેડુતોને અત્રે ખાસ નોંધ લેવી જરૂરી છે કે, રજિસ્ટ્રેશન કરાવ્યા વગર કોઇ ખેડુતને માર્કેટના ગેટમાં પ્રવેશ અપાશે નહીં, નોંધણી થયેલા ખેડુતે કઇ તારીખે કેટલા વાગ્યે પોતાનો માલ લઇને આવવુ તેની બજાર સમિતિ દ્વારા જાણ કરવામાં આવે તે જ સમયે આવવાનું રહેશે.
આ બેઠકમાં મહુવા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરીએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યુ કે, મહુવા વિસ્તારમાં લોકડાઉનના કારણે બંધ ડુંગળી ડીહાઇડ્રેશન પ્લાન્ટ શરૂ કરવાની મંજુરી રાજ્ય સરકાર દ્વારા આપવાને કારણે ખેડુતોની સફેદ ડુંગળી જે બગડી જતી હતી તેની ખરીદી થવાથી ખેડુતોને ખુબજ આથક લાભ થયેલ છે. આ સફેદ ડુંગળી દરરોજની ૩૦,૦૦૦ થી વધારે ગુણી જેવી ખરીદી કરવામાં આવે છે.
માર્કેટીંગ યાર્ડમાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય, સોશીયલ ડીસ્ટન્સ જાળવાઇ રહે, ખેડુતો માસ્ક પહેરીને જ આવે જેવી બાબતોએ કાળજી લેવાય તે માટે તકેદારી રાખવા, માર્કેટીંગ યાર્ડમાં જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના સ્ટાફની નિમણુંકના હુકમો પણ કરી દેવામાં આવેલ છે.