Get The App

ગોંડલની સબ જેલનો હવાલદાર રૂા.3500 ની લાંચ લેતા ઝડપાયો

Updated: Dec 19th, 2022

GS TEAM

Google News
Google News
ગોંડલની સબ જેલનો હવાલદાર રૂા.3500 ની લાંચ લેતા ઝડપાયો 1 - image

- જલ્સા જેલ તરીકે બદનામ 

- જેલમાં કેદીને એકથી વધુ વખત ફોનનો ઉપયોગ કરવા દેવા અને હેરાનગતી નહી કરવા બદલ લાંચ માંગી હતી

રાજકોટ: ગુજસીટોક હેઠળ પકડાયેલો ગોંડલનો ગેંગસ્ટર નિખિલ દોંગા ગોંડલ સબ જેલમાંથી પોતાની ગેંગ ઓપરેટ કરતો હતો. જેલમાં તેને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવી રહ્યાનું ખુલ્યું હતું. આ સિવાય પણ અવાર-નવાર કેદીઓને ગેરકાયદે સુવિધા આપવાને કારણે બદનામ ગોંડલ સબ જેલના હવાલદાર જગદીશ ભીખનભાઈ સોલંકી (ઉ.વ.30) ને એસીબીએ રૂા.3500 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. 

ગુનેગાર આલમમાં 'જલ્સા જેલ' તરીકે બદનામ ગોંડલ સબ જેલ અવાર-નવાર વિવાદમાં આવે છે. જેલ વિભાગના વડાની જડતી સ્કવોડ દ્વારા પણ અવાર-નવાર ગોંડલ સબ જેલમાં ચેકીંગ કરવામાં આવે છે. આમ છતાં જેલમાં કેદીઓને ગેરકાયદે સવલતો આપવાનું બંધ કરાયું ન હોય તેમ આજે જેલનો હવાલદાર એક કેદીને સવલતો આપવાના બદલામાં લાંચ લેતા પકડાયો હતો. 

એસીબીના સુત્રોના જણાવ્યા પ્રમાણે ફરીયાદી વિરૂધ્ધ બેંક સત્તાવાળાઓએ ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે ફરિયાદીને ગોંડલ સબ જેલમાં રાખવામાં આવ્યો હતો ત્યારે ફરિયાદીને જેલનાં ટેલીફોનમાંથી હવાલદાર જગદીશે નિયમ વિરૂધ્ધ એકથી વધુ વખત વાત કરવા દેવાની સુવિધા આપી હતી. આ ઉપરાંત તેને હેરાનગતી કરી ન હતી. જેના બદલામાં રૂા.૩પ૦૦ ની લાંચ માંગી હતી. 

ફરિયાદી ગઈ તા.૧૪ ના રોજ જેલમાંથી બહાર આવતાં હવાલદાર જગદીશને જેલમાં આપેલી સુવિધા માટે રૂા.૩પ૦૦ ની લાંચ આપવાની હતી. નક્કી થયા મુજબ ફરિયાદી આજે હવાલદાર જગદીશને જલ નજીક વોરા કોટડા રોડ ઉપર મળ્યા હતા. જયાં  રૂા.૩પ૦૦ ની લાંચ આપી હતી. 

તે પહેલા એસીબીમાં ફરિયાદ કરી દીધી હોવાથી પીઆઈ અજયસિંહ ગોહિલે ટ્રેપ ગોઠવી હતી. જેમાં હવાલદાર જગદીશ પંચોની હાજરીમાં રૂા.3500 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે ગોંડલ સબ જેલના તત્કાલીન જેલર પરમારની પણ નિખિલ દોંગા વિરૂધ્ધ નોંધાયેલા ગુજસીટોકના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આમ છતાં ગોંડલ સબ જેલનો ચોક્કસ સ્ટાફ તેમાંથી કોઈ બોધપાઠ નહી લઈ હજુ પણ ભ્રષ્ટ રીત રસમો આચરતો હોવાનું આજની એસીબીની ટ્રેપ પરથી ફલીત થઈ રહ્યું છે.