- રૂરલના ભભભમાં વધુ ૧૮ દર્દીને શિફ્ટ કરી દેવાયા, સિટીનું ભભભ રૈનબસેરા પણ કાર્યરત થવા ઉપર
- ત્રણ ખાનગી હોસ્પિટલો છૂટ આપવા માટે અધિકૃત ઃ આજથી ૮૦ આયુષ મેડિકલ ઓફિસરોની ભરતી, ધનવન્તરી રથની સંખ્યા બમણી
રાજકોટ શહેર - જિલ્લામાં છેલ્લા થોડા દિવસથી અને ખાસ કરીને આજે કોવિડ-૧૯ કેસો ખાસ્સાં વધી જતાં સરકારી તંત્રએ ફટાફટ એકથી વધુ નિર્ણયો અમલી બનાવી દીધા છે, જે અન્વયે હવે આવતીકાલ - બુધવારથી જેનાં ટેસ્ટ પોઝીટીવ આવે તેવા કોરોના દર્દીઓને પણ જો કોઈ દેખીતા લક્ષણ ન હશે, અથવા સામાન્ય લક્ષણો જ હશે, તો બાકીના પેરામીટર્સ ચકાસીને યોગ્ય જણાય તેવા દર્દીને ઘેર જ રહીને સારવાર લેવાની છૂટ અપાવા લાગશે.
આ માટે દર્દી પોતે કો-મોર્બીડ ન હોય (ડાયાબીટીસ, બ્લડપ્રેશર, કિડની કે હાર્ટડીસીઝ જેવી વ્યાધિ ન હોય, તેમજ વયોવૃધ્ધ ન હોય), ઉપરાંત તેના ઘરમાં પણ કોઈ બૂઝુર્ગ, નાનું બાળક કે વૃધ્ધ ન હોય, દર્દી એકાકી ન હોય વગેરે ચકાસીને પછી જ હોમ આઈસોલેશનની છૂટ મળશે. જિલ્લા કલેકટર રેમ્યા મોહને ત્રણ ખાનગી હોસ્પિટલ પરમ, સ્ટાર સિનર્જી અને ક્રાઈસ્ટને આ માટે અધિકૃત કરી છે. પેશન્ટે એક વખત તો ત્યાં ચેક-અપ કાવવું જ પડશે, અને ઘેર સતત તેની દેખભાળ કરનારૂં કોઈ હોય તો જ છૂટઅપાશે. ખાનગી હોસ્પિટલોએ આવો ડેટા રોજેરોજ સબમિટ કરવાનો રહેશે.
રાજકોટમાં વધતા જતા કેસોને અનુલક્ષીને આજે રાજયનાં આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેને રાજકોટ દોડાવાયા હતાં, જેમણે કોવિડ હોસ્પિટલ અને કેર સેન્ટરનાં નિરીક્ષણ બાદ સારવારની સમીક્ષા કરી હતી. તેમના નિર્દેશાનુસાર આજે નિર્ણય લેવાયો હતો કે શહેરમાં ફરી રહેલા ધન્વન્તરી રથની સંખ્યા ૧૫ને બદલે તત્કાલ ૫૦ કરવી તથા જિલ્લામાં પણ હવે ૨૯ને બદલે ૫૦ ધન્વન્તરી રથ દોડાવવા તેમાં આયુર્વેદ અને હોમિયોપથીની દવાનું વિતરણ થાય છે તથા તાવ અને ઓક્સિજન પણ માપીને પ્રાથમિક ચકાસણી કરી અપાય છે. આળા રથમાં તેમજ કોવિડ કેર સેન્ટરોમાં ડયૂટી માટે શહેરમાં ૪૦ આયુષ મેડિકલ ઓફિસરની ત્રણ મહીના માટે (હંગામી) ભરતી કાલથી જ મહાપાલિકામાં શરૂ થઈ જશે, તો જિલ્લામાં ૪૦ આયુષ મેડિકલ ઓફિસરની ભરતી માટેના વોકઈન ઈન્ટરવ્યૂ કલેકટર કચેરી ખાતે રખાશે.
દરમિયાન જિલ્લા કલેકટરે જણાવ્યું કે, તમામ ખાનગી હોસ્પિટલોમાં કેટલાં બેડ અને કેટલાં વેન્ટીલેટર છે, તે રિપોર્ટ તૈયાર છે પણ હાલ સ્થિતિ અંકૂશ હેઠળ હોવાથી વધુ હોસ્પિટલો તત્કાલ શરૂ કરવી જરૂરી નથી. જો સ્થિતિ વણસે અને જરૂર પડે તો ક્ષમતાના ૫૦ ટકા બેડ ગમે ત્યારે સંપાદિત કરવા તંત્રને કાનૂની રીતે છૂટ મળેલી છે. આજે ગરૈયા કોલેજમાં વધુ ૧૮ માઈલ્ડ સિમ્પ્ટમ્સવાળા દર્દીને સિવિલમાંથી શિફ્ટ કરી દેવાયા છે, જયારે શહેરનું કોવિડ કેર સેન્ટર રૈનબસેરા હવે કાર્યરત કરી દેવામાં આવશે.
હાલ ૨૫૦માંથી ૪૦ દર્દીઓ ઓક્સિજન પર, બે વેન્ટીલેટર પર
રાજકોટમાં હાલ કોરોનાના ૨૪૦થી વધુ દર્દીઓ દાખલ છે, જે પૈકી સિવિલમાં ૩૦ અને ખાનગી હોસ્પિટલોમાં ૧૦ દર્દીઓને ઓક્સિજન પર રાખવા પડયા છે. આરોગ્ય વિભાગના તબીબી અધિકારીઓ કહે છે કે, ઓક્સિજન પર રાખવા પડે એ સ્થિતિ તો ક્રિટીકલ નથી, પરંતુ સામટા ૪૦ દર્દી ઓક્સિજન પર હોય તે બાબત ચોક્કસ નોંધપાત્ર છે. બે દર્દી વેન્ટીલેટર પર છે, જેની સ્થિતિ નાજૂક કહી શકાય. જયારે ઓક્સિજન અને વેન્ટીલેટર વચ્ચેની સ્થિતિમાં પાંચ પેશન્ટો બાયપેપ ઉપર છે.


