અધેવાડાના યુવાનની હત્યા કેસમાં 4 શખસ જેલહવાલે
ભાવનગર, તા. 03 માર્ચ 2019, રવિવાર
ભાવનગરના અધેવાડા ગામે રહેતા એક યુવાનને લગ્ન પ્રસંગના ફુલેકામાં બેન્ડ વગાડવા બાબતે માર મારી ગંભીર ઈજા પહોચાડાઈ હતી. જે મારામારીની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાને હોસ્પિટલ બીછાને દમ તોડતા સમગ્ર મામલો હત્યામાં પરિણમ્યો હતો. પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી ચાર શખસને ઝડપી લીધા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર વલભીપુરના લીંબડા ગામે ગત બુધવારે રાત્રિના સુમારે લગ્નના ફુલેકામાં મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં બેન્ડ વગાડવાનું કહ્યાની દાઝ રાખી રણજીત કેશાભાઈ, મહેન્દ્ર કાંતિભાઈ, કેશા સવજીભાઈ, અજય કેશાભાઈ (રહે, તમામ જાળેલા, તા.રાણપુર, જિ.બોટાદ) સહિતના શખસોએ મનીષભાઈ પરમાર નામના યુવાન સાથે બોલાચાલી કરી ઢીકાપાટુ અને લાકડી વડે માર માર્યો હતો.
જે બનાવમાં ઈજાગ્રસ્તના પત્ની ભાવુબેન પરમારે ઉપરોક્ત શખસો સામે વલભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાનમાં મારામારીમાં ઘવાયેલા યુવાનનું ગઈકાલે શનિવારે સવારે ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ બનાવમાં વલભીપુર પોલીસે આઈપીસી કલમ 302નો ઉમેરો કરી ગઈકાલે શનિવારે રણજીત કેશાભાઈ જીલિયા, મહેન્દ્ર કાંતિભાઈ વાઘેલા, કેશા માવજીભાઈ જીલિયા અને અજય કેશુભાઈ જીલિયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો બાદ તમામને જિલ્લા જેલ હવાલે કરી દીધા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.