Gujarat

જામજોધપુર પંથકમાં મુશળધાર ચાર ઇંચ, વેણુ નદીમાં ઘોડાપુર

By GS Team
17 Jul 20202 mins read
This article was originally published on 17 Jul 2020
જામજોધપુર પંથકમાં મુશળધાર ચાર ઇંચ, વેણુ નદીમાં ઘોડાપુર

રાજકોટ, તા. 17 જુલાઈ, 2020, શુક્રવાર

સૌરાષ્ટ્રમાં આજે પણ છૂટા-છવાયા ઝાપટા યથાવત રહ્યા હતા. જો કે, જામજોધપુર પંથકમાં સતત ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે જામજોધપુર પંથકમાં  મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી, અને ત્રણ કલાકના સમયગાળા દરમિયાન ચાર ઇંચ જેવો વરસાદ વરસી ગયો હતો. જેના કારણે વેણુ નદીમાં ભારે પુર આવ્યા હતા.

 જામજોધપુર ટાઉનમાં ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યા પછીથી મેઘરાજાની એન્ટ્રી થઈ હતી અને વરસાદ શરૂ થયો હતો. રાત્રીના બે વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો જિલ્લા કલેકટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર ચાર કલાકના સમયગાળા દરમિયાન જામજોધપુરમાં ૮૩ મીમી પાણી પડી ગયું હતું.

જ્યારે જામજોધપુર તાલુકાના ધ્રાફામાં ૮૬ મી.મી., પરડવા મા ૭૦ મી.મી., ધુનડાના ૪૮ મી.મી., જામવાડી માં ૪૦ મી.મી., વાસજાળીયા ના ૩૪ મી.મી., શેઠ વડાળા માં પાંચ મી.મી. અને સમાણામાં પાંચ મી.મી. વરસાદ નોંધાયો છે.

 લાલપુર પંથકમાં પણ ગઈકાલે રાત્રે મેઘરાજાની ફરી એન્ટ્રી થઈ હતી અને લાલપુર નજીક પડાણા ગામમાં ૨ મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે ભણગોરમાં એક ઇંચ પાણી પડી ગયું હતું. જામનગર શહેરમાં પણ ગઈકાલે રાત્રે બાર વાગ્યાના અરસામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. ભારે પવન સાથે વરસાદનું જોરદાર ઝાપટુ વરસી ગયું હતું. જોકે થોડી ક્ષણો પછી વરસાદ રોકાઈ ગયો હતો. જેના કારણે પાણી ભરાયા હતા. જામનગર તાલુકાના વસઈમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી આકાશ સ્વચ્છ થઇ ગયું હતું અને ગરમીનો અનુભવ થયો હતો. બપોરે ૧૨ થી ૨ વાગ્યા દરમ્યાન કેશોદમાં ધોધમાર બે ઇંચ  વરસાદ થતા રસ્તાઓ પર પાણી ભરાયા  હતા. ત્યારબાદ હળવા ઝાંપટા વરસ્યા હતા. જ્યારે માણાવદરમાં તેમજ વંથલીમાં અડધો - અડધો ઇંચ વરસાદ થયો હતો. જ્યારે જૂનાગઢમાં ૪ મી.મી. વરસાદ થયો હતો. બપોર બાદ તડકો નીકળ્યો હતો. જ્યારે મેંદરડામાં બે મી.મી. વરસાદ થયો છે. બીજી તરફ કલ્યાણપુરનાં ભાટીયા સહિતના ગામોમાં પણ આજે સવારથી ધીમી ધારે વરસાદ વરસતો રહ્યો હતો અને બપોરે એક કલાકમાં દોઢી ઈંચ વરસી જતા કેસરીયા તળાવમાં નવા નીરની આવક ચાલુ થઈ હતી.

સૌરાષ્ટ્રમાં અન્યત્ર તળાજા, રાણાવાવ, રાજુલા, જૂનાગઢ, ઉપલેટા, દ્વારકા, કલ્યાણપુર, તાલાલા, મહુવા, ધ્રોલ, મેંદરડા, કુતિયાણા, પોરબંદરમાં હળવા - ભારે ઝાપટા વરસ્યા હતા.