પરિણીતાને મરવા મજબુર કરનાર પતિ અને કૌટુંબીક ભાભીને પાંચ વર્ષની કેદ
- પરિણીતાએ ત્રાસથી કંટાળી જઇ જાત જલાવી કર્યો હતો આપઘાત
- વરતેજના સવગુણનગરમાં બનેલ બનાવ અનુસંધાને ભાવનગરના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજનો ચુકાદો
ભાવનગર, તા. 20 જાન્યુઆરી 2020, સોમવાર
ભાવનગર નજીકના વરતેજ પાસે આવેલ સવગુણનગરના પરિણીતાએ પતિ, તેના કૌટુંબીક ભાભી સહિતનાના શારીરિક માનસિક ત્રાસના કારણે મરવા મજબુર બની જાત જલાવી લઇ આત્મહત્યા કરી લીધી હતી. જે મામલે વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. ઉક્ત કેસ આજરોજ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે પતિ અને કૌટુંબીક ભાભીને પાંચ-પાંચ વર્ષ કારાવાસની સજા ફરમાવી હતી.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર વરતેજ નજીકના સવગુણનગરમાં સાસરીયે રહેતા લલીતાબેન વિજયભાઇ મકવાણાને તેણીના લગ્નજીવન દરમિયાન પતિ વિજય ઉર્ફે દેવજીભાઇ મકવાણા, સાસુ રેખાબેન, સસરા દેવજીભાઇ અને મોટાસસરા મગનભાઇના દિકરા મહેશભાઇના પત્ની જ્યોતિબેન મકવાણા સહિતના તેણીની નાની બહેન અનિતાબેનના સગા દિયર સાથે લગ્ન કરેલ ત્યારથી ત્રાસ ગુજારતા હોય અને પતિ વિજય ઉર્ફે વિપુલ તેની બાજુમાં રહેતા કૌટુંબીક જેઠાણી જ્યોતિબેન સાથે ઠઠ્ઠામશ્કરી કરી બિભત્સ ઇશારા કરતા હોય જેને લઇ ગત તા.૨૨-૧૦-૨૦૧૮ના રોજ સાંજના સુમારે લલીતાબેને પોતાની જાતે શરીર પર કેરોસીન છાંટી અગ્નીસ્નાન કરી લીધું હતું.
તેણીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં જ્યાં પોલીસ સમક્ષ પતિ, સાસુ-સસરા અને કૌટુંબીક જેઠાણી જ્યોતિબેન સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી ૪૯૮(ક), ૩૦૬, ૫૦૪ ૧૧૪ મુજબ ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન લલીતાબેનનું હોસ્પિટલ બિછાને મૃત્યુ નિપજવા પામ્યું હતું.
ઉક્ત કેસ આજરોજ ભાવનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજશ્રી સુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની દલિલો, આધાર-પુરાવા અને સાક્ષીને ધ્યાને લઇ આરોપી વિજય ઉર્ફે વિપુલ દેવજીભાઇ મકવાણા (ઉ.વ.૨૯, રે.સવગુણનગર, વરતેજ) અને જ્યોતિબેન મહેશભાઇ મકવાણા (ઉ.વ.૩૨, રે.સવગુણનગર, વરતેજ) બંને સામે ઇપીકો ૩૦૬ મુજબનો ગુનો સાબીત થતા બંનેને પાંચ-પાંચ વર્ષ કેદની સજા તેમજ રોકડ પાંચ હજારનો દંડ ફરમાવ્યો હતો. જ્યારે કેસમાં સાસુ અને સસરાને નિર્દોષ છોડી મુકવા અદાલતે હુકમ કર્યો હતો.