For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચકચારી જીએસટી કૌભાંડમાં પાંચ ભેજાબાજ શખ્સ ઝબ્બે

Updated: May 26th, 2023


પાલિતાણાના ગુનામાં પકડાયેલા ચાર શખ્સના 29મી સુધીના રિમાન્ડ

પાલિતાણામાં ૧૧૦૨ કરોડના જીએસટી સ્કેમ અને અમરેલી સાઈબર ક્રાઈમમાં નોંધાયેલા ગુનામાં ભાવનગરના ભંગારી સહિત પાંચની સંડોવણી બહાર આવતા એસઆઈટીએ ઉઠાવી લીધા

ભાવનગર: જીએસટીની બોગસ પેઢીઓ ઉભી કરી કરોડો રૂપિયાની કરચોરી કરવાના જીએસટી કૌભાંડનો ભાવનગર, પાલિતાણા અને અમરેલીમાંથી પર્દાફાશ થયો છે. એસઆઈટીએ ચકચારી જીએસટી સ્કેમમાં ૨૯ કૌભાંડીને ઝડપી લીધા બાદ પાલિતાણા અને અમરેલીના ગુનામાં વધુ પાંચ ભેજાબાજ શખ્સને ઝબ્બે કર્યા છે. જે પૈકીના ચાર શખ્સના આગામી ૨૯મી મે સુધીના એસઆઈટીએ રિમાન્ડ મેળવી પૂછતાછનો દૌર શરૂ કર્યો છે.

અશિક્ષિત અને ગરીબ લોકોને રૂપિયાની લાલચ આપી તેમના આધારકાર્ડ, પાનકાર્ડ મેળવી આધારકાર્ડમાંથી નવું સીમ ખરીદી તેમજ આધાર કેન્દ્રોમાં નવો મોબાઈલ નંબર અપડેટ કરાવ્યા બાદ તેના આધારે જીએસટી રજીસ્ટ્રેશન કરાવી બોગસ પેઢીના આધારે કરોડો રૂપિયાના બોગસ બિલીંગ કૌભાંડના મોટા નેટવર્કનો પર્દાફાશ થયા બાદ આઈપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૩૪ હેઠળ ભાવનગરના નિલમબાગ પોલીસ મથકમાં બોગસ પેઢી-બિલીંગના સ્કેમના બે ગુના, પાલિતાણા ટાઉન પોલીસમાં એક અને અમરેલી સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક મળી જુદા-જુદા ચાર ગુના નોંધાયા હતા. જેની તપાસ માટે ભાવનગર રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ને સોંપવામાં આવી હતી.

જેમાં પાલિતાણામાં નોંધાયેલા ગુનામાં એસઆઈટીની તપાસ દરમિયાન ૪૬૧ બોગસ પેઢી ઉભી કરી ૨૩૬ પેઢીમાંથી ૧૧૦૨ કરોડથી વધુનું કૌભાંડ કરી ૧૨૨ કરોડની કરચોરી કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું. આ ગુનામાં એસઆઈટીએ અગાઉ ઝડપેલા શખ્સોની પૂછતાછ કરતા તેમાં વધુ ચારની સંડોવણી બહાર આવી હતી. જેના આધારે મોહસીન ઉર્ફે બુખારો મહેબુબભાઈ મલેક (ઉ.વ.૩૩, રહે, ભગાતળાવ, કેજીએન ફ્લેટવાળો ખાંચો, ભાવનગર), જાહિરહુસેન ઉર્ફે મુરઘી વહાબભાઈ ખોખર (ઉ.વ.૩૯, રહે, જમાદારવાળો ખાંચો, રૂવાપરી રોડ, ઈબ્રાહીમભાઈ ખોખરના મકાનમાં, સાંઢિયાવાડ, ભાવનગર, મુળ રહે, સીપાઈવાડા, પાલિતાણા), ફૈસલ રજાકભાઈ ખોખર (ઉ.વ.૨૪, રહે, માવતવાળો ખાંચો, રૂવાપરી રોડ, સાંઢિયાવાડ, ભાવનગર) અને રિયાઝ ઉર્ફે બાવલુ રઝાકભાઈ ગોગદા (ઉ.વ.૩૬, રહે, આખલોલજકાતનાકા, હુસેની ચોક, મસ્જિદ પાસે, ભાવનગર)ને એસઆઈટીએ ઝડપી કોર્ટમાં રજૂ કરી ૨૯મી મે સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

તો બીજી તરફ અમરેલી સાયબર ક્રાઈમ પોલીસમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલો ભંગારનો વેપાર કરતો ફિરોજખાન ઉર્ફે પિન્ટુ ગફારખાન પઠાણ (ઉ.વ.૩૦, રહે, દરબારી કોઠાર પાસે, મહાદેવનો ખાંચો, યુનુસભાઈ રેલવેવાળાના મકાનમાં ભાડેથી, મુળ રહે, બ્લોક નં.૯, બાગ-એ-યુસુફ, બીએમસીની સામે, ભાવનગર)ને એસઆઈટીએ દબોચી લીધો હતો.

બરોડા જેલમાંથી બે શખ્સની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ

પાલિતાણાના ૧૧૦૨ કરોડના જીએસટી કૌભાંડમાં જાકીરહુસેન ઉર્ફે મુરઘી ખોખર અને ફૈસલ ખોખરની સંડોવણી બહાર આવી હતી. આ બન્ને શખ્સ હાલ બરોડા જેલમાં હોય, ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી બન્ને કૌભાંડીને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ પૂછતાછ માટે ભાવનગર લાવી હોવાનું જાણવા મળ્યું છે.

Gujarat