રાજકોટ : મહિલા ASI અને કોન્સ્ટેબલના ગોળીથી વિંધાયેલા મૃતદેહો મળ્યા
- રાજકોટનાં ગાંધીગ્રામ -2 પોલીસ મથકમાં એક સાથે ફરજ બજાવતાં
- બંનેએ પહેલા બીજાને ગોળી મારી આપઘાત કર્યો કે જાતે પોત-પોતાનાં શરીરમાં ગોળી ધરબી તે અંગે રહસ્ય
રાજકોટ, તા. 11 જુલાઈ 2019, ગુરૂવાર
શહેરનાં ગાંધીગ્રામ-૨ (યુનિવર્સિટી) પોલીસ મથકમાં ફરજ બજાવતાં એએસઆઈ ખુશ્બુબેન રાજેશભાઈ કાનાબાર (૨૬) અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ અશોકસિંહ જાડેજા (૨૮)નાં આજે સવારે ગોળીથી વીંધાયેલા મૃતદેહો મળી આવતા પોલીસ બેડામાં સન્નાટા સાથે ચકચાર મચી ગઈ છે. ખુશ્બુબેનનાં મકાનમાં આ ઘટના બની હતી. બંનેએ જાતે શરીરમાં ગોળી ધરબી આપઘાત કર્યો છે કે પહેલા એકે બીજાને ગોળી માર્યા બાદ આપઘાત કરી લીધો તે અંગે તરેહ તરેહની ચર્ચા અને અનુમાનો વચ્ચે સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. આ માટે પોલીસ એફએસએલનાં રિપોર્ટની રાહ જોઈ રહી છે. હાલમાં તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી છે.
જાણવા મળ્યા પ્રમાણે, મૂળ જામજોધપુરનાં વતની ખુશ્બુબેન ૨૦૧૬માં સીધી ભરતીથી એએસઆઈ બન્યા હતાં અને અપરિણીત હતાં. ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં મુંજકા બીટમાં ફરજ બજાવતાં હતાં. જયારે રવિરાજસિંહ મૂળ મોરબીનાં શાપર ગામનાં વતની હતાં. ગાંધીગ્રામ - ૨ પોલીસ મથકમાં ડીસ્ટાફમાં ફરજ બજાવતાં હતાં અને પરિણીત હતાં. સંતાનમાં એક પુત્ર છે તેનાં પિતાં અશોકસિંહ જાડેજા રાજકોટ રૂરલ પોલીસમાં એએસઆઈ છે અને હાલ મવડી પોલીસ હેડ કવાર્ટરમાં રહે છે.
આજે સવારે રવિરાજસિંહના પત્નીએ તેને કોલ કર્યો હતો. જે નહીં રિસીવ થતા પોતાનાં ભાઈને તપાસ કરવા કહ્યું હતું. જેથી તે ગાંધીગ્રામ-૨ પોલીસ મથકે ગયા હતાં. જયાં નહીં મળતાં પછી તપાસ કરતાં કરતાં કાલાવડ રોડ પર નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર પંડિત દિનદયાલ નગર હાઉસીંગ બોર્ડનાં કવાર્ટર પાસેથી પસાર થતાં હતા ત્યારે ત્યાં બનેવીની ક્રેટા કાર જોઈ હતી.
જયાં ચોથા માળે ડી-૪૦૨ કવાર્ટરમાં એએસઆઈ ખુશ્બુબેન રહેતા હોવાથી ત્યાં તપાસ કરવા ગયા હતાં. ઘણી વખત ડોર બેલ વગાડવા અને દરવાજો ખટખટાવા છતાં અંદરથી કોઈ પ્રતિભાવ નહી મળતા બાજુમાં કવાર્ટરમાં જયાં ફર્નિચરનું કામ ચાલુ હતું ત્યાંની બારીમાંથી બાજુમાં કવાર્ટરમાં જઈ જોતાં રૂમમાંથી ખુશ્બુબેન અને રવિરાજસિંહના ગોળીથી વિંધાયેલાં લોહીલુહાણ હાલતમાં મળી આવતાં હતપ્રભ થઈ ગયા હતાં. જાણ કરતાં ૧૦૮નાં સ્ટાફે આવી બંનેને મૃત જાહેર કર્યા હતાં. થોડી વારમાં જ તાલુકા પોલીસનો કાફલો ઉપરાંત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને તપાસ શરૂ કરી હતી.
પીએસઆઈ ડામોરે જણાવ્યું કે ખુશબુબેનની સર્વિસ રિવોલરમાંથી ફાયરીંગને કારણે બંનેનાં મોત નિપજયા હતાં. બે રાઉન્ડ ફાયરીંગ થયા હતાં. ૨૦ બૂલેટ ઈસ્યુ થાય છે તેમાંથી ૧૮ કાર્ટીસ મળ્યા છે. સ્થિતિ જોતાં રવિરાજસિંહનો મૃતદેહ કબાટનાં ટેકે બેઠેલી હાલતમાં અને તેનાં પગ પાસેથી ખુશ્બુબેનનો મૃતદેહ મળ્યો હતો.
રવિરાજસિંહનાં જમણાં કાનની ઉપરનાં ભાગે ફાયરીંગ થતા ગોળી ડાબા કાનને વીંધી નિકળી ગઈ હતી જયારે ખુશ્બુબેનનાં આંખની ઉપરનાં ભાગે વાગેલી ગોળી માથાનાં પાછળનાં ભાગેથી નિકળી ગઈ હતી. બેમાંથી એક ગોળી દિવાલમાં ખૂંપેલી મળી આવી હતી.
સ્થળ પર જરૂરી કાર્યવાહી બાદ પોલીસે બંનેનાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમાં ખસેડયા હતાં. જયાં ફોરેન્સીક નિષ્ણાંત તબીબોએ પોસ્ટમોર્ટમ કર્યું હતું. જાણ થતાં ખુશ્બુબેનનાં પરિવારજનો જામજોધપુરથી રાજકોટ દોડી આવ્યા હતાં. આ બંને સાથી પોલીસ કર્મચારીઓનાં પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો હતો.
પોલીસે હવે એફએસએલની મદદથી આ ઘટના ખરેખર કઈ રીતે બની, બન્નેએ જાતે જ પોતાનાં શરીરમાં ખુશ્બુબેનની સર્વિસ રિવોલ્વરમાંથી વારાફરતી ગોળી ધરબી કે પછી એકે પહેલા બીજાને ગોળી માર્યા બાદ જાતે ગોળીબાર કરી આપઘાત કરી લીધો તે બાબતે રહસ્ય સર્જાયું છે આ માટે પોલીસ એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. એટલું જ નહીં બનાવ પાછળનાં કારણ અંગે પણ તરેહ તરેહની ચર્ચાઓ થઈ રહી છે. જો કે બનાવનું કારણ પોલીસને હજુ જાણવા મળ્યું નથી. હાલ તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ જારી રાખી છે. પોલીસે આજે જરૂરી કાર્યવાહીની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરાવી હતી.
પોલીસ કમિશનરનો આદેશ
ASI, જમાદારોને રિવોલ્વર હવેથી ઘરે લઈ જવાની મનાઈ
- ડયુટી પર આવ્યા બાદ ફરીથી સર્વિસ રિવોલ્વર પોલીસ મથકમાંથી મેળવવાની રહેશે
આ ઘટનાએ પોલીસ બેડામાં અરેરાટી સર્જી દીધી છે. આ અગાઉ પણ પોલીસ અધિકારીઓએ પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કે હત્યા કર્યાની ઘટનાઓ બની ચુકી છે. તેને ધ્યાને લઈ તાત્કાલીક અસરથી શહેર પોલીસ કમિશનરે તમામ એએસઆઈ અને જમાદારોને નોકરી પૂરી થયા બાદ પોતાની સર્વિસ રિવોલ્વર પોલીસ મથકમાં જ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. જેથી આજ પછી તમામ એએસઆઈ અને જમાદારો ઘરે સર્વીસ રિવોલ્વર નહીં લઈ જઈ શકે અને તેને પોલીસ મથકમાં જમા કરાવ્યા બાદ ડયુટી પર આવી સર્વિસ રિવોલ્વર મેળવી શકશે.
બનાવ હત્યાનો હોવાનો પરિવારનો આક્ષેપ
'ખુશ્બુબેન બહાદુર હતા આપઘાતની થિયરી ખોટી'
- મૃતદેહ સંભાળવાનો ઈન્કાર કરી દીધા બાદ પોલીસે સમજાવટ કરતા મામલો થાળે પડયો
એએસઆઈ ખુશ્બુબેન કાનાબાર મૂળ જામજોધપુરનાં વતની હતાં. ત્રણ વર્ષથી નોકરી કરતા હતાં. એક ભાઈથી મોટા હતાં. તેનાં પિતાને ભજીયાનો સ્ટોલ છે. જાણ થતાં તેનાં પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતાં અને બનાવ હત્યાનો હોવાનો આક્ષેપ કરી મૃતદેહ સંભાળવાનો ઈન્કાર કરી દીધો હતો.
આખરે ઘણાં સમય સુધી પોલીસે સમજાવટ કર્યા બાદ મોડી સાંજે મૃતદેહ સ્વીકારી જામજોધપુર રવાના થયા હતાં. ખુશ્બુબેનનાં પિતરાઈ ભાઈ જીજ્ઞોશ સુરેશભાઈ કાનાબારે પોલીસ કમિશનરને એવી લેખિતમાં રજૂઆત કરી હતી કે, આ બનાવ આપઘાતનો હોવાનું પોલીસે જાહેર કર્યું છે પરંત તેમને બનાવ હત્યાનો હોવાની દ્રઢ શંકા છે. કારણ કે, ખુશ્બુબેન આપઘાત કરે તેવા હતાં નહીં તે પહાદુર હતાં. આપઘાત કરવો પડે તેવું કારણ જણાતું નથી. જેથી પોલીસ તટસ્થ તપાસ કરી સત્ય બહાર લાવે તેવી તેમની માંગણી છે.
વધુમાં એવી પણ રજૂઆત કરી હતી કે, આ ઘટનાની જાણ તેમને બપોરે પોણા બે વાગે કરવામાં આવી હતી. તેમણે તેઓ ઘટનાસ્થળે પહોંચે નહીં ત્યાં સુધી મૃતદેહ ન લઈ જવા વિનંતી કરી હતી. આમ છતાં ત્યાંથી મૃતદેહો લઈ જવાયા હતાં. પરિણામે મૃતદેહો કઈ સ્થિતિમાં હતા તેની તેમને જાણ થઈ શકી ન હતી. જેને કારણે તેમની શંકા વધુ ઘેરી બની છે. પોલીસ ઉંડી અને તટસ્થ ઉપરાંત કોઈનાં દબાણમાં આવ્યા વગર સત્ય બહાર લાવે તેવી પણ માંગ કરી હતી.