ધંધુકાના ફેદરા નજીક, એસ.ટી.-બુલેટ વચ્ચે અકસ્માત સર્જાતા પિતા-પુત્રના કરૂણ મોત
ભાવનગર, તા. 16 ઓક્ટોબર 2019, બુધવાર
હજુ ત્રણ દિવસ પૂર્વે જ ધંધુકા નજીક ટ્રક પાછળ કાર ઘુસી જતા ગોજારી દુર્ઘટના સર્જાવા પામી હતી ત્યાં આજે ફેદરા ગામ નજીક વહેલી સવારે એસ.ટી. બસના ચાલકે અમદાવાદથી બુલેટ લઇ પોતાના વતન પીપળવા ગીર જઇ રહેલા પિતા-પુત્રને અડફેટે લઇ અકસ્માત સર્જતા બંનેના કરૂણ મોત નિપજવા પામ્યા હતાં. ઘટનાના પગલે ધંધુકા પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને ભારે અરેરાટી સાથે આઘાત છવાઇ જવા પામ્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદના નીકોલ વિસ્તારમાં આવેલ આગમન રેસિડેન્ટના બ્લોક નં.સી-303માં રહેતા રમણીકભાઇ ઉર્ફે રમુભાઇ મોહનભાઇ પાનેલીયા (ઉ.વ.57) અને તેઓનો પુત્ર હાર્દિકભાઇ રમણીકભાઇ (ઉ.વ.27) બંને પોતાનું બુલેટ નં.જીજે-27-સી.જે-1770 લઇ અમદાવાદથી પોતાના વતન ખાંભા તાલુકાના પીપળવા (ગીર) જવા નીકળ્યા હતા તે વેળાએ ધંધુકા-બગોદરા હાઇવે રોડ પર આવેલ ફેદરા ગામ નજીક આજે વહેલી સવારે 6.30 કલાકના અરસા દરમિયાન અમદાવાદના કૃષ્ણનગરથી સાવરકુંડલા જઇ રહેલ એસ.ટી. બસ નં.જીજે-18-ઝેડ-5061ના ચાલકે પોતાની બસ પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બુલેટને અડફેટે લઇ અકસ્માત સર્જતા પિતા રમણીકભાઇ અને પુત્ર હાર્દિકભાઇને ગંભીર ઇજા પહોંચતા બંનેના ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપજવા પામ્યાં હતાં.
ઘટનાની જાણ થતા ધંધુકા પોલીસ મથકના પી.આઇ. સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને બંને મૃતક પિતા-પુત્રનો કબજો સંભાળી પી.એમ. અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે બનાવ અનુસંધાને મૃતક રમણીકભાઇના પુત્ર રવિભાઇ પાનેલીયાએ ધંધુકા પોલીસ મથકમાં એસ.ટી. બસ નં.જીજે-18-ઝેડ-5061ના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે IPC 279, 304(અ), એમ.વી. એક્ટ 177, 184 મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.