લઘુતમ ટેકાના ભાવે વેંચાણ કરવા ખેડૂતો આજથી નોંધણી કરાવી શકશે
- ડાંગર, મકાઇ, બાજરી, જુવાર, રાગીને
- ભાવનગર-ચિત્રા, શિહોર, પાલીતાણા, ગારીયાધાર, તળાજા, મહુવા અને ઉમરાળા-ટીંબી ખાતે રહેશે નોંધણી કેન્દ્રો
લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ખેડૂતોની ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તા.૧-૧૦-૨૩ થી તા.૩૧-૧૦-૨૩ સુધી રહેશે.
ભારત સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે રૂ।.૨૧૮૩/- પ્રતિ
ક્વિન્ટલ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ।.૨૨૦૩/- પ્રતિ ક્વિન્ટલ, મકાઇ માટે રૂ।.૨૦૯૦/- પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે રૂ।.૨૫૦૦/- પ્રતિ ક્વિન્ટલ, જુવાર (હાઇબ્રીડ) માટે રૂ।.૩૧૮૦/- પ્રતિ ક્વિન્ટલ તથા જુવાર (માલદંડી) માટે રૂ.૩૨૨૫/- અને રાગી માટે રૂ।.૩૮૪૬/- પ્રતિ ક્વિન્ટલ નિયત કરેલ છે.
લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનીકે ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. મારફત કરવાની થાય છે. ખરીદ કેન્દ્રો (ભાવનગર-ચિત્રા, શિહોર, પાલીતાણા, ગારીયાધાર, તળાજા, મહુવા અને ઉમરાળા-ટીંબી) ખાતે તા.૧-૧૦-૨૩ થી તા.૩૧-૧૦-૨૩ સુધી નોંધણી પ્રક્રિયા શરૂ રહેશે. જે
મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે.
નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધારકાર્ડની નકલ, અદ્યતન ૭-૧૨, ૮-અ ની નકલ, નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઈ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના બેંક એકાઉન્ટની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ (ૈંખજીભ કોડ સહિતનો) સાથે લાવવાના રહેશે. ખેડૂતોને
તેમનો જથ્થો સાફસુફ તથા ચારણો કરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સુકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે, જેથી ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય. રજીસ્ટ્રેશન બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. રજીસ્ટ્રેશન
તેમજ ખરીદ કેન્દ્ર ખાતે બારદાન અંગેનો કોઈ ખર્ચ ખેડૂતે ભોગવવાનો રહેતો નથી. તેમ ભાવનગર જીલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવેલ છે.