Updated: Mar 18th, 2023
- કમોસમી વરસાદમાં ખેડૂતોની આખા વર્ષની કમાણી તણાઈ ગઈ
- ભાવનગર જિલ્લામાં કપાસ, મગફળી, ઘંઉ, કેરી, જીરૂ અને ચણા સહિતના પાકનેે વિપરીત અસર
ભાવનગર જિલ્લાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ બાજરી, જુવાર,જીરૂ, ઘંઉ, ચણા, ધાણા,ડુંગળી સહિતના રવિપાક તૈયાર થઈ ચૂકયા છે અને ખેડૂતો પરિવારના સભ્યો તેમજ શ્રમિકોની સાથે લણણીમાં વ્યસ્ત હતા ત્યાં છેલ્લા ત્રણેક દિવસથી ગોહિલવાડના વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી વાઝડી અને સફેદ કરા સાથે મીની વરસાદ ત્રાટકતા ખેડૂતો ચિંતીત જણાઈ રહ્યા છે.ગઈકાલે સફેદ કરા ખાબકતા મોટા ભાગના ખેતરો જાણે કે, સફેદ રણ જેવા સફેદ રંગના બની ગયા છે. વરસાદના પાણી ફરી વળતા ખેડૂતોએ લખલૂટ ખર્ચાઓ કરી મહામહેનતે વાવેલા કિંમતી પાકમાં ભારે બગાડ થવાની ભીતિ સેવાઈ રહી છે.ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ખેતરોમાં ઉભેલા કપાસ,રાય, મેથી, ધાણા, જીરૂ, ઘંઉ, ચણા, ધાણા, ઉનાળુ તલ, મગફળી અને કઠોળ ઉપરાંત અન્ય પાકને વિપરીત અસર થઈ છે અને આ ખેતપાકને લાખ્ખોનું નુકશાન થયાનુ ખેડૂતોએ ચિંતીતવદને જણાવ્યુ હતુ.જો હજુ પણ કમોસમી વરસાદ શરૂ રહેશે તો અનેક ખેતરો જે બચી ગયા છે તેમાં પણ મોટા પાયે નુકશાન થતા ખેડૂતોની દશા માઠી બેઠી છે જેથી ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાતા ખેડૂતોએ જાણે કે, આખા વર્ષની કમાણી કમોસમી વરસાદમાં તણાઈ ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે.દરમિયાન જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતો દ્વારા પણ પાકના રક્ષણ માટે ઉચિત પગલા લેવાઈ રહ્યા છે. માવઠાથી પાકને બચાવવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તે પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવા અથવા પ્લાસ્ટીક તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવા અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતુ અટકે તેવા પગલા ભરવા, શાકભાજી અથવા બાગાયતી પાકો ઉતારી લેવા અને સાવચેતીના આગોતરા પગલા લેવા તાકિદ કરાઈ છે.
માવઠાના માહોલમાં પણ ડુંગળીની મબલખ આવક
ગોહિલવાડમાં કમોસમી વરસાદ શરૂ રહેતા અનેક કિંમતી પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે તેવા સમયે માવઠાના માહોલમાં પણ ભાવનગર જિલ્લાના મહુવા સહિતના માર્કેટીંગ યાર્ડોમાં લાલ અને સફેદ ડુંગળીની આવકમાં ઉછાળો યથાવત રહેવા પામેલ છે. તા.૧૮,૩ ને શનિવારે મહુવા માર્કેટીંગ યાર્ડમાં લાલ ડુંગળીની ૮૩,૪૬૬ થેલીનું વેચાણ થયુ હતુ. જેના ઉંચા ભાવ ૧૭૭ બોલાયા હતા. જયારે ડિહાઈડ્રેશનની અને એકસપોર્ટ માટેની મળી કુલ ૮૯૮૫૪ સફેદ થેલીનું વેચાણ થયુ હતુ. જેના ઉંચા ભાવ ૩૮૭ બોલાયા હતા.