મેઘાવી માહોલમાં આજે અષાઢની વિદાય, કાલથી શ્રાવણનો સૂર્યોદય
- આજે સોમવતી અમાસ, દશામાના વ્રતનો શુભારંભ
- રહેશે. શિવમંદિરોમાં અભિષેક નહીં ઘરે બેઠા શિવભક્તોના અનુષ્ઠાન
ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ પણ ભક્તિનો નાદ ગુંજતો રહેશે
સૌરાષ્ટ્રમાં અષાઢ મહિના દરમિયાન મનભાવન મેઘધારા વરસતી રહી છે. તા.૨૦ને સોમવારે અષાઢ માસની અમાસ બાદ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે. આ વર્ષે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અષાઢ માસ દરમિયાન પૂરતો વરસાદ વરસ્યો હોવાથી મોટાભાગના જળાશયો છલોછલ ભરાયા છે. નદી-નાળા અને ઝરણાં વહેતા થયા છે. ધરતીએ જાણે લીલીછમ ચાદર ઓઢી લીધી હોય તેવું લાગી રહ્યું છે. અષાઢી માસની વિદાય સાથે મંગળવારથી શ્રાવણ માસનો પ્રારંભ થશે. શિવધારા કે જલધારા આકાશમાંથી વરસતી રહેશે. સાથોસાથ શિવમંદિરોમાં શ્રદ્ધા-ભક્તિની ગંગા વહેતી.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ધર્મપ્રેમી શ્રદ્ધાળુ ભાવિકોમાં શ્રાવણ માસનું વિશેષ મહાત્મ્ય રહ્યું છે. શ્રાવણ માસ દરમિયાન વહેલી સવારથી શિવમંદિરોમાં ભગવાન ભોળાનાથને રીઝવવા માટે ભાવિકો મોટી સંખ્યામાં ઊમટી પડે છે. આખો દિવસ જલાભિષેક, દુગ્ધાભિષેક, રૂદ્રાભિષેક સાથે બિલ્વાભિષેકની સાથે વેદોક્ત મંત્રગાનથી શિવમંદિરોમાં ઉપાસનાના નાદ ગુંજતા રહે છે.
અલબત્ત આ વર્ષે શ્રાવણમાસમાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ શિવમંદિરોમાં પણ દર્શનાર્થીઓને પૂજા, આરતી સહિતની ધાર્મિક ક્રિયાઓ માટે પ્રતિબંધ રહેશે. શિવમંદિરોમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને દર્શન કરી શકો. આખો મહિના દરમિયાન યોજાનાર ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી નહીં થાય. શ્રાવણ માસ દરમિયાન મંદિરોમાં રક્ષાબંધન અને કૃષ્ણ જન્મોત્સવની જે ઝાંખી જોવા મળતી હતી તે આ વર્ષે જોવા નહીં મળે. અલબત્ત શ્રદ્ધાળુ ભક્તો આવતીકાલ તા.૨૦થી સોમવતી અમાસને શુભ ભાવ સાથે શિવપુજાનો પ્રારંભ કરી દેશે.
દશામાનું વ્રત અષાઢીમાસની અમાસથી શરૂ થશે તેમજ એવરત-જીવરતનું વ્રત કરનારા બહેનો માટે આવતીકાલ તા.૨૦ના દિવાસાનું જાગરણ રહેશે.